મોરબી પાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું: કોંગ્રેસનું કચ્ચરઘાણ

માળીયા પાલિકાની તમામ 24 બેઠકો કબ્જે કરતી કોંગ્રેસ: વાંકાનેરમાં 28માંથી 24 પર ભાજપનો અને 4 પર અન્યનો કબ્જો

મોરબી જિલ્લા પંચાયતની 24માંથી 11 બેઠક ભાજપ અને 7 પર કોંગ્રેસનો વિજય જયારે તાલુકા પંચાયતમાં 26માંથી 10 પર ભાજપે કબ્જો મેળવ્યો

ટંકારા તાલુકા પંચાયતમાં 16 બેઠકમાંથી 6 ભાજપ અને 5 પર કોંગ્રેસનો કબ્જો, જયારે 1 અપક્ષની જીત: હળવદ તાલુકા પંચાયતમાં 20માંથી 14 પર ભાજપ, બે કોંગ્રેસ અને 1 અપક્ષની જીત

મોરબી નગરપાલિકામાં આજે ભાજપનું બુલડોઝર નહીં પરંતુ હિટાચી ફરી વળ્યું છે.નગરપાલિકાના 13 વોર્ડની તમામ 52 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જંગી લીડ સાથે જીત થઇ છે ગત ચૂંટણીમાં મોરબી શહેરના નાગરિકોએ કોંગ્રેસને ખોબલે -ખોબલે મત આપ્યા હતા પરંતુ બદલામાં કોંગ્રેસ સુવિધા આપવામાં નિષ્ફ્ળ નીવડવાની સાથે આંતરિક ડખ્ખામાં જ પાંચ વર્ષ વેડફી નાખતા આ વખતે મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. જો કે, જંગી બહુમત સાથે પાલિકામાં સતાસ્થાને આવેલ ભાજપની હવે જવાબદારી વધી જાય છે કારણ કે લોકોએ વિકાસ માટે અને સુવિધા માટે ભાજપને જીત અપાવી છે ત્યારે વિપક્ષ વગરની મોરબી પાલિકામાં ભાજપે જ શાસક અને વિપક્ષની ભૂમિકા ભજવી જરૂર પડ્યે અધિકારીઓના કાન આમળવા પડશે. મોરબી જિલ્લાની માળીયા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપને ક્લીન સ્વીપ કરી વિજય મેળવ્યો છે.અહીં લઘુમતી મતદારોનું પ્રભુત્વ હોવાથી પાલિકા વિસ્તારમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી એથી તદ્દન વિપરીત માળીયા તાલુકા પંચાયતમાં 10 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે વાંકાનેર પાલિકાની 28 બેઠકમાં 24 ભાજપ અને 4 પર અપક્ષે જીત મેળવી છે.

ટંકારામાં ભાજપનું પરિવર્તનનું વાવઝોડુ ફુંકાતા કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે 16માંથી 16 બેઠક કોંગ્રેસે જીતી લીધી હતી પરંતુ આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેમાં 16 બેઠકમાંથી ભાજપને 9 કોંગ્રસને 6 અને એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે.

જિલ્લા પંચાયતની બેઠકમાં પણ ભાજપે બુલડોઝર ફેરવી દીધું છે અને મોટાભાગની બેઠક પર ભાજપનો વિજય થયો છે.