Abtak Media Google News

અમરેલીની પ, ભાવનગર શહેર અને જિલ્લાની 7, જામનગર શહેર-જિલ્લાની પ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો માટે પેનલ બનાવાશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી જાહેર થતાની સાથે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે કસરત શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપની ચુંટણી સમિતિના બીજા દિવસે આજે સૌરાષ્ટ્રની ર1 બેઠકો સહિત 58 બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા માટે આજે મનોમંથન કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે ચુંટણી સમિતિની બેઠકના છેલ્લા દિવસે 77 બેઠકો ઉમેદવારો  નકકી કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારો નકકી કરવા માટે ભાજપ દ્વારા ગત ર7 થી ર9 ઓકટોબર દરમિયાન સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ દ્વારા જિલ્લા અને મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી કળમના પ્રતિક પરથી ચુંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. રાજયની 182 બેઠકો માટે 4130 દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. દાવેદારોના નામની પેનલો બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની વિશેષ ઉ5સ્થિતિમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં ચુંટણી સમીતીની બેઠક શરુ થઇ છે. જેમાં પ્રથમ દિવસે મોડીરાત સુધી ઉમેદવારો નકકી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તમામ બેઠકો માટે નિરીક્ષકોને વન ટુ વન  સાંભળવામાં આવ્યા હતા તમામ બેઠક પર વર્તમાન સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. કાલ રાજકોટ શહેર અને જિલ્લાની આઠ ઉપરાંત સુરેન્દ્રનગરની પાંચ, પોરબંદરની બે અને મોરબીની 3 સહિત કુલ 47 બેઠકો માટે ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે ચુંટણી સમીતીની બેઠકના બીજા દિવસે આજે સૌરાષ્ટ્રની ર1 સહિત રાજયની 58 બેઠકો માટે મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગર જિલ્લાની ચાર બેઠકો, ગાંધીનગર શહેરની એક બેઠક, મહેસાણા જિલ્લાની સાત બેઠકો, અમરેલી જિલ્લાની પાંચ બેઠકો, બોટાદ જિલ્લાની બે બેઠકો, અમદાવાદ જિલ્લાની પાંચ બેઠક, ભાવનગર જિલ્લાની પાંચ બેઠક, ભાવનગર શહેરની બે બેઠકો, ખેડા જિલ્લાની 6 બેઠકો, પંચ મહાલ જિલ્લાની પાંચ બેઠકો, નવસારી જિલ્લાની 4 બેઠકો, ભરુચ જિલ્લાની પાંચ બેઠક, જામનગર જિલ્લાની 3 બેઠક, જામનગર શહેર ર બેઠક અને દેવભુમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો માટે પેનલ બનાવવા અથવા નામ ફાઇનલ કરવા માટે ચર્ચાઓ થઇ રહી છે. આવતીકાલે ચુંટણી સમીતીના અંતિમ દિવસે સૌથી વધુ 77 બેઠકો માટે દાવેદારોના નામોની પેનલ બનાવવા માટેની કસરત કરવામાં આવશે.

દરમિયાન આગામી રવિવાર અને સોમવારના રોજ દિલ્હી ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળશે. જેમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, સી.આર. પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના નેતાઓ બેઠક વાઇઝ બનાવવામાં આવેલી  પેનલો લઇ દિલ્હી દરબારમાં જશે જયાં તમામ પેનલો રજુ કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામો ફાઇનલ કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્રીય ચુંંટણી સમીતી પાસે જ છે. અલગ અલગ ત્રણથી ચાર યાદીમાં ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.

પ્રચાર માટે ખુબ જ ઓછો સમય મળતો હોવાના કારણે આ વખતે સત્તાધારી પક્ષ ભાજપ સીટીંગ ધારાસભ્યોની ટિકીટ પર આડેધડ કાતરો ફેરવે તેવી સંભાવના ખુબ જ નહિવત છે. બહુ મોટા ફેરફાર હાલ દેખાતા નથી. છતા મોદી અને શાહની જોડી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે. આવતા સપ્તાહે ઉમેદવારોના નામો જાહેર કરવાનું શરુ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.