Abtak Media Google News

ગુજરાતમાં સોલંકી યુગનો રેકોર્ડ તુટવાના સંકેતો

ભાજપ 150 બેઠકો પર, કોંગ્રેસ 19 બેઠકો પર, આમ આદમી પાર્ટી 9 બેઠકો અને અન્ય 4 બેઠકો પર આગળ: ચારેય ઝોનમાં કમળનો કિલકિલાટ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં યોજાયેલા મતદાન બાદ આજે સવારથી 37 સ્થળો પર હાથ ધરવામાં આવી રહેલી મતગણતરીમાં ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકોની જીત સાથે સતત સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે. 2017ની સરખામણીએ ભાજપની બેઠક 50 થી વધુ વધી રહી છે. ચારેય ઝોનમાં કમળનો કિલકિલાટ જોવા મળી રહ્યો છે.

આજે સવારથી મતગણતરી ચાલી રહી છે. જેમાં તમામ 182 બેઠકોના પ્રાથમિક તારણો મુજબ રાજ્યની 150 બેઠકો પર ભાજપના ઉમેદવારો તોતીંગ લીડ સાથે હરિફોથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 19 બેઠકો આવી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો 9 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. જ્યારે અન્ય રાજકીય પાર્ટી અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ચાર ઉમેદવારો હાલ લીડ સાથે આગળ વધી રહ્યાં છે. બપોર સુધીમાં તમામ 182 બેઠકોના સત્તાવાર પરિણામ આવી જશે.

પરંતુ એકવાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં ભાજપ સાતમી વખત સત્તારૂઢ થઇ રહ્યું છે. તે પણ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે તેવું વડાપ્રધાનનું નિવેદન આજે સાચું ઠરી રહ્યું છે. 2002માં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ ગુજરાતમાં 127 બેઠકો જીત્યું હતું. જે અત્યાર સુધીના ભાજપના શાસનમાં સૌથી વધુ બેઠકોનો રેકોર્ડ છે. જે આજે ભૂપેન્દ્રભાઇ પટેલે તોડી નાંખ્યો છે. મતગણતરીના પ્રથમ ત્રણ કલાકના અંદાજ અને તારણ મુજબ ભાજપને ગુજરાતમાં 150 જેટલી બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 19 બેઠકો જ આવી રહી છે. રાજ્યમાં પરિવર્તન કરીશું અને ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવીશું તેવું કહેનાર આમ આદમી પાર્ટીને માત્ર 9 બેઠકો મળી રહી છે. જ્યારે ચાર બેઠકો પર અન્ય પાર્ટીના ઉમેદવારો કે અપક્ષ આગળ ચાલી રહ્યાં છે. ચારેય ઝોનમાં કમળનો કિલકિલાટ જોવા મળી રહ્યો છે.

મધ્ય ગુજરાતની 61 બેઠકો પૈકી 53 બેઠકો પર ભાજપ, પાંચ બેઠકો કોંગ્રેસ, એક બેઠક આપ અને બે બેઠક પર અન્ય ચાલી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 47 બેઠકો પર ભાજપ, 03 બેઠક કોંગ્રેસ,03 બેઠક પર આમ આદમી પાર્ટી અને બે બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પૈકી 32 બેઠકો પર ભાજપના ઉમેદવારો, પાંચ બેઠકો પર 01  કોંગ્રેસના ઉમેદવારો, 02  બેઠકો આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ઉત્તર ગુજરાતની 32 બેઠકો પૈકી 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો, 6  બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો અને 0  બેઠક પર આપ જ્યારે 2 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યાં છે. ફરી એક વખત ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઇ મોદીની જોળી કમળથી છલકાવી દીધી છે.

 

      ઝોન              કુલ બેઠક      ભાજપ     કોંગ્રેસ       આપ      અન્ય      

મધ્યગુજરાત            ૬૧              ૫૫           ૦૫           ૦            ૧

સુરાષ્ટ્રકચ્છ                ૫૪             ૪૭           ૦૩           ૦૩         ૦   

દક્ષિણગુજરાત           ૩૫             ૩૨           ૦૧             ૦૨          ૦

ઉત્તર ગુજરાત             ૩૨             ૨૪           ૦૬            ૦           ૨

મુખ્યમંત્રી ‘કમલમ્’ પહોંચ્યા: જશ્નનો માહોલ

નરેન્દ્ર અર્થાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રેકોર્ડ ભૂપેન્દ્ર અર્થાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તોડી નાંખ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે વિજેતા બન્યું છે. રાજ્યભરમાં જશ્ર્નનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોના આંગણે જાણે દિવાળી હોય તે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વધુ એકવાર રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજેતા બનવા તરફ આગળ વધી રહ્યાં છે. આજે બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકરોએ ગગનભેદી નાદ સાથે તેઓને હોંશભેર વધાવી લીધાં હતાં. વધુ એકવાર ગુજરાતના નાથ તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી દિવસોમાં શપથ ગ્રહણ કરશે.

જનાદેશ શિરોમાન્ય: કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે હાર સ્વિકારી

Screenshot 3 11

ગુજરાતની જનતાએ વધુ એક વખત કોંગ્રેસને જાકારો આપ્યો છે. મતગણતરી શરૂ થયાંના એક કલાક બાદ પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એવું નિવેદન આપતા હતાં કે ગુજરાતમાં કોંગ્રેસ 125 વધુ બેઠકો જીતશે. આ માત્ર પ્રારંભિક તારણો છે.

પરિણામ અલગ જ આવશે. જો કે તેઓએ પરિણામના ત્રણ કલાક બાદ કોંગ્રેસની હારનો સ્વિકાર કરી લીધો હતો અને જનાદેશને શિરોમાન્ય ગણાવી ગુજરાતમાં એક સક્ષમ વિરોધ પક્ષ તરીકે કામ કરશે. તેવી ખાતરી ગુજરાતની જનતાને આપી છે. આગામી દિવસોમાં તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી શર્મનાક હારની નૈતિક જવાબદારી સ્વીકારી લેતાં પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દે તેવી પણ સંભાવના નકારી શકાતી નથી. કોંગ્રેસના સંગઠનમાં આગામી દિવસોમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા જણાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.