બ્લેક ફ્રાઇડે: શેરબજારમાં મંદીની સુનામી

સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 140 પોઇન્ટથી વધુનો તોતીંગનો કડાકો: અમેરિકી ડોલર સામે રૂપિયો ફ્લેટ

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે મંદીની સુનામી ફરી વળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. બૂલીયન બજારમાં પણ મંદી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફ્લેટ રહ્યો હતો.

આજે સપ્તાહના અંતિમ દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાનો ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળતા દિવસ દરમિયાન મંદી રહેવા પામી હતી. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 61,500ની સપાટી તોડી હતી અને 61,128.93ના નીચલા લેવલ સુધી પહોંચી ગયો હતો. જ્યારે ઉપલું લેવલ 61,185.50નું રહ્યું હતું. જ્યારે નિફ્ટીએ પણ 18,200ની સપાટી તોડી હતી અને ઇન્ટ્રાડેમાં 18085.35 સુધી સરકી ગઇ હતી. જ્યારે ઉપલું લેવલ 18216.95 રહ્યું હતું.

બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં તોતીંગ કડાકા જોવા મળ્યા હતા. આજે બજારમાં મંદી હોવા છતાં ચોલા ઇન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર, અંબુજા સિમેન્ટ, એમઆરએફ સહિતની કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મન્નાપુરમ ફાયનાન્સ, ફેડરલ બેંક, ભેલ અને એચડીએફસી બેંકના શેરોના ભાવ ઘટ્યા હતા. બૂલીયન બજારમાં શરૂઆતી તેજી બાદ મંદી રહેવા પામી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો રહ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફ્લેટ રહ્યો છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 530 પોઇન્ટના ઘટાડા સાથે 61219 અને નિફ્ટી 140 પોઇન્ટના ઘટાડા સાથે 18116 પર કામકાજ કરી રહી છે. સપ્તાહના અંતિમ દિવસે જે રિતે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ઉઘડતા સપ્તાહે પણ બજારમાં મંદીનો ઓછાયો જોવા મળશે.