- એક ટીપું રક્ત, અનેકને નવજીવન
- સવારથી જ વિવિધ વિસ્તારોમાં કાર્યરત બ્લડ બેંકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને કોર્પોરેટ ગૃહો દ્વારાના રક્તદાન કેમ્પમાં યુવાધન માંડીને વડીલોએ રક્તદાન કર્યું
આજે, 14મી જૂન, વિશ્વ રક્તદાન દિવસ છે, અને રાજકોટ શહેર સવારથી જ આ ઉમદા કાર્યની ઉજવણીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે. “રક્તદાન એ જ મહાદાન” ના સૂત્રને સાર્થક કરતા, રાજકોટના જાગૃત નાગરિકો અને અનેક સામાજિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરભરમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.સવારથી જ રાજકોટના વિવિધ વિસ્તારોમાં કાર્યરત બ્લડ બેંકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને કોર્પોરેટ ગૃહો દ્વારા રક્તદાન શિબિરો શરૂ થઈ ગઈ છે. યુવાનોથી માંડીને વડીલો સુધી, દરેક વર્ગના લોકો આ માનવતાવાદી કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અનેક લોકો પોતાની સવારનો પ્રારંભ રક્તદાન કરીને કરી રહ્યા છે,લાઈફ બ્લડ સેન્ટર, ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, સિવિલ હોસ્પિટલ ના પીડીયુ ખાતે તેમજ અન્યઅગ્રણી સંસ્થાઓ દ્વારા મોટા પાયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થાઓ દ્વારા દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો પણ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, શહેરમાં આવેલી હોસ્પિટલો અને ક્લિનિક્સ પણ આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.રક્તદાન એ જીવન બચાવવાનું એક સરળ અને સીધું માધ્યમ છે. એક યુનિટ રક્ત ત્રણ જેટલા લોકોનું જીવન બચાવી શકે છે. થેલેસેમિયા, કેન્સર, અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ, સર્જરી કરાવનાર વ્યક્તિઓ અને પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ અનુભવતી મહિલાઓ માટે રક્ત જીવનદાયી સાબિત થાય છે. રાજકોટ જેવા શહેરમાં જ્યાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધુ છે, ત્યાં રક્તની જરૂરિયાત પણ સતત રહે છે. આવા સમયે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે યોજાતા કેમ્પો બ્લડ બેંકોને જરૂરી જથ્થો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પો ઉપરાંત, જાગૃતિ ફેલાવવા માટે સેમિનારો, વર્કશોપ્સ અને સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યા છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પણ રક્તદાનના મહત્વ વિશે સમજાવવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં વધુ યુવાનો આ પવિત્ર કાર્યમાં જોડાઈ શકે. રાજકોટ શહેરના નાગરિકોનો આ ઉત્સાહ દર્શાવે છે કે માનવતા અને સેવાભાવના હજુ જીવંત છે, અને એકબીજાને મદદ કરવાની ભાવનાથી જ આપણે એક સ્વસ્થ અને સુદૃઢ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.
રક્તદાન કેમ્પ સમાજના ‘પ્રાણ’ સમાન બની રહ્યા છે: ડો. જયેશ ડોબરીયા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીડીયુ મેડિકલ કોલેજમા રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જયેશ ડોબરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દ્દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ રક્તદાન દિવસ, 14 જૂન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને તાજેતરમાં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાના દિવંગત આત્માઓને અને રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સમર્પિત કરવામાં આવ્યો હતો.અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, પદાધિકારીઓએ જણાવ્યું કે, બે દિવસ પહેલા અમદાવાદમાં બનેલી કરુણ વિમાન દુર્ઘટના બાદ એક તબક્કે આ કાર્યક્રમને મુલતવી રાખવા કે રદ કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. જોકે, સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો કે આવા સમયે સમાજને ’પ્રાણ’ આપતા કાર્યક્રમોનું આયોજન કરવું અત્યંત જરૂરી છે.આજના રક્તદાન કેમ્પનું આયોજન પી.ડી.યુ. મેડિકલ કોલેજના તમામ સ્ટાફ, ડોકટરો અને વિદ્યાર્થીઓના સહયોગથી
કરવામાં આવ્યું હતું. કેમ્પમાં એકત્રિત થનાર તમામ રક્ત રાજકોટની બ્લડ બેંકોને સુપરત કરવામાં આવશે. આ રક્તનો ઉપયોગ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂરિયાત મુજબ કરવામાં આવશે.સામાન્ય રીતે દર વર્ષે 100થી વધુ બોટલ રક્ત એકત્રિત થાય છે, પરંતુ આ વર્ષે 200થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય છે.
રક્તદાન થકી અસંખ્ય લોકો મળશે નવજીવન: ડો.નિશિથ વાછાણી
અબતક સાથેની વાતચીતમા એડમિનિસ્ટ્રી ડો. નિશિથ વાછાણીએ જણાવ્યું હતું દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. આ દિવસ રક્તદાતાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવા અને વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરિત કરવા માટે સમર્પિત છે. આજના દિવસે, “લાઈફ બ્લડ સેન્ટર” દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.લાઈફ બ્લડ સેન્ટર દ્વારા ઇન-હાઉસ (કેન્દ્રમાં જ) બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યુ હતું અને આ ઉપરાંત, શહેરના વિવિધ સ્થળોએ ચાર જેટલા અન્ય રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના એડમિનિસ્ટ્રાટિવ જણાવ્યું હતું કે, તેઓ આખા વર્ષ દરમિયાન 200થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે, જેના દ્વારા 13,000થી વધુ દાતાઓ રક્તદાન કરીને જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. આજના દિવસે પણ સૌરાષ્ટ્રના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન થકી અસંખ્ય લોકોના જીવ બચાવી શકાશે.
રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ દાખલો આપ્યો: ધર્મેન્દ્ર ઉકાણી
ધર્મેન્દ્ર ઉકાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને અમદાવાદ ખાતે બે દિવસ પહેલા બનેલી દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજકોટના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 295 બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અને વિવિધ બ્લડ બેંકોમાં 2,47,000 સીસી થી વધુ રક્ત એકત્રિત કરીને આપ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓને આ રક્ત સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરું પાડવામાં આવે છે.આજના કેમ્પમાં 150થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા લોકોને દર ત્રણ મહિને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી, કારણ કે ખાસ કરીને થેલેસેમિયા જેવા રોગથી પીડાતા બાળકોને રક્તની નિયમિત જરૂરિયાત રહે છે અને તેમને મદદરૂપ થવું એ સાચી માનવતા છે. આ રક્તદાન કેમ્પ માનવસેવાનો ઉત્તમ દાખલો પૂરો પાડી રહ્યો છે.