Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો નોંધાયો: અમરેલીના બાબરા પંથકમાં વરસાદનું ઝાપટુ

સતત એકાદ સપ્તાહ સુધી આકાશમાંથી અગનવર્ષા કર્યા બાદ રવિવારે સુર્યનારાયણ થોડા શાંત પડ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગઇકાલે ગરમીના જોરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળીયું વાતાવરણ છવાયું છે. અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. ગઇકાલે અમરેલીના બાબરા પંથકમાં વરસાદનું જોરદાર ઝાપટું પડ્યુ હતું. આજથી હીટવેવના પ્રકોપમાં થોડી રાહત રહેશે. વાતાવરણમાં વધુ એકવાર પલટો આવતા કમોસમી વરસાદની ભીતિ ઉભી થવા પામી છે. લોકોને પરસેવે રેબઝેબ કરી દે તેવો અસહ્ય ઉકળાટ હાલ અનુભવાય રહ્યો છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સતત એક સપ્તાહ સુધી સુર્યનારાયણ કાળઝાળ બની અગનગોળા વરસાવ્યા હતા. ગઇકાલે ગરમીનું જોર થોડું ઘટ્યુ હતું. જો કે પવનની દિશા ફરતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે બફારો અનુભવાય રહ્યો છે. હીટવેવ વચ્ચે પણ માવઠાનો કહેર યથાવત રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે અમરેલીના બાબરા પંથકમાં રવિવારે કમોસમી વરસાદ પડ્યો હતો. રોડ પર પાણી વહેવા લાગ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં આજે સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. છેલ્લા સાતેક દિવસથી સવારથી લાલચોળ બની જતા સુર્યનારાયણની આજે ગેરહાજરી રહેવા પામી હતી.

સવારના સમયે આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. વાદળીયા વાતાવરણના કારણે ગરમીનું જોર ઘટ્યુ હતું પરંતુ બફારો વધ્યો હતો. લોકો સવારથી જ અસહ્ય ઉકળાટમાં પરસેવામાં ન્હાયા હતા.

ગુજરાતમાં રવિવારે સુર્યનારાયણ એકદંરે થોડા શાંત રહ્યા હતા. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને હીટવેવમાં રાહત મળી હતી.

આગામી દિવસોમાં પણ ગરમીમાં થોડી રાહત રહેશે. દરમિયાન ગઇકાલે ભાવનગરનું તાપમાન 43.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 41.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 33.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 34.1 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.8 ડિગ્રી, રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34.2 ડિગ્રી, દિવનું તાપમાન 32.6 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 37.8 ડિગ્રી અને કેશોદનું તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતું.

આ ઉપરાંત કચ્છના ભૂજનું તાપમાન 39.6 ડિગ્રી, નલીયાનું તાપમાન 36 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 40.1 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પરનું તાપમાન 41.2 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં અમદાવાદનું તાપમાન 43.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 42 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 42.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.7 ડિગ્રી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરાનું તાપમાન 41.8 ડિગ્રી, સુરતનું તાપમાન 34.3 ડિગ્રી, વલસાડનું તાપમાન 38 ડિગ્રી અને દમણનું તાપમાન 34 ડિગ્રી નોંધાયુ હતું.

ગઇકાલે રવિવારે સાંજના સમયે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બાબરામાં જોરદાર ઝાપટુ વરસી જતા રોડ પર પાણી વહેવા લાગ્યા હતા.

ક્યા કેટલું તાપમાન

  • ભાવનગર – 43.5 ડિગ્રી
  • સુરેન્દ્રનગર – 41.8 ડિગ્રી
  • અમરેલી – 41.5 ડિગ્રી
  • રાજકોટ – 41.3 ડિગ્રી
  • કેશોદ – 37 ડિગ્રી
  • મહુવા – 37.8 ડિગ્રી
  • પોરબંદર – 34.8 ડિગ્રી
  • અમદાવાદ – 43.5 ડિગ્રી
  • ગાંધીનગર – 42.9 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગર – 42.7 ડિગ્રી
  • ડિસા – 42 ડિગ્રી
  • વડોદરા – 41.8 ડિગ્રી
  • કંડલા એરપોર્ટ – 41.2 ડિગ્રી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.