Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિધાનસભા ગૃહમાં ચોટીલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત કરાતાની સાથે જ ચોટીલામાં મહંત પરિવારોમાં પણ અંદર ખાને ભારે નારાજગી: વેપારીઓ અને સ્થાનિકોમાં પણ ભભૂકતો રોષ આગામી દિવસોમાં આગ બનશે?

સૌરાષ્ટ્રના પવિત્ર તિર્થધામ ચોટીલામાં માં ચામુંડાના ડુંગરે જવા માટે યાત્રીકોની સુવિધા અર્થે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવતાની સાથે જ ચોટીલામાં સ્થાનિક લોકો અને મંદિરના મહંત પરિવારોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. કોઈ ખુલીને સામે આવીને બોલતું નથી પરંતુ અંદર ખાને ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ રોષ આગ બની ફાટી નીકળે તેવી દહેશત પણ વર્તાઈ રહી છે.

વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગૃહમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, હાલ આદ્યશક્તિપીઠ અંબાજી, મહાકાળીધામ પાવાગઢ અને ગિરનારમાં રોપ-વે સેવા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શને ભાવિકો ઝડપથી પહોંચી શકે તે માટે રોપવે સેવા શરૂ કરવામાં આવશે. આ જાહેરાત બાદ માઈ ભક્તોમાં ચોક્કસ ખુશાલી વ્યાપી જવા પામી છે. પરંતુ સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચોટીલામાં ચામુંડા માતાજીની પૂજા-અર્ચના કરતા મહંત પરિવારના કેટલાંક સભ્યો રોપ-વેની જાહેરાતથી ભારોભાર નારાજ છે. આ ઉપરાંત ડુંગરની આસપાસ જે લોકો વસવાટ કરે છે અને વાડી ખેતર ધરાવે છે તે પણ રોપ-વેની જાહેરાતથી નારાજ છે. જ્યારે તળેટીમાં ધંધો-વેપાર કરી ગુજરાન ચલાવતા વેપારીમાં પણ રોપ-વેથી નારાજગી જોવા મળી રહી છે. હાલ કોઈપણ વ્યક્તિ રોપ-વે અંગે આનંદની લાગણી કે નારાજગી સામે આવી વ્યકત કરતા નથી પરંતુ અંદર ખાને ભયંકર રોષ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રી દ્વારા ગૃહમાં એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, ચોટીલામાં રોપ-વે કામગીરી માટે એજન્સી નિયત કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં રોપ-વેની કામગીરી શરૂ થઈ જશે. આ જાહેરાતથી મહંત પરિવાર અને સ્થાનિકો નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા અંધારામાં રાખીને તમામ પ્રક્રિયા આટોપી લેવામાં આવી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્ય સરકાર એવું કહી રહી છે કે, આ નિર્ણયથી હવે ચામુંડા માતાજીના દર્શને આવતા વરિષ્ઠો, વડીલો, વૃદ્ધો, બાળકો, જરૂરીયાત મંદ યાત્રીકો સરળતાથી ટોચે પહોંચી માતાના દર્શન કરી શકશે અને સમય તથા શ્રમ બચશે. તળેટી સહિતના વિસ્તારોમાં યાત્રીકો અને પર્યટકોના આવવાથી રોજગારી અને આર્થિક ગતિવિધિને નવું બળ મળશે. સરકારની વાત તદન સાચી છે પરંતુ સ્થાનિકોમાં ક્યાં પ્રશ્ર્નોને લઈ નારાજગી પ્રવર્તી રહી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.

હાલ આ અંગે મીડિયા સમક્ષ સ્થાનિકો કે મહંત પરિવારના કોઈ સભ્યો બોલવા તૈયાર નથી પરંતુ અંદર ખાને વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે જે આગામી દિવસોમાં આગ બનીને ભભૂકી ઉઠે તેવું લાગી રહ્યું છે. રોપ-વે માટે નિયત કરાયેલી એજન્સી જ્યારે સર્વે સહિતના કામગીરી શરૂ કરશે ત્યારે તેઓને સ્થાનિકોનો વિરોધનો સામનો કરવો પડે તેવી સ્થિતિ પણ સર્જાય તેવું લાગી રહ્યું છે. ચોટીલામાં રોપ-વેની જાહેરાતથી રાજ્યભરમાં માઈ ભક્તોમાં ભલે ખુશાલી વ્યાપી જવા પામી હોય પરંતુ સ્થાનિકોમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.