ગોંડલના મોટી ખીલોરી પાસે બોલેરો અને અલ્ટ્રો અથડાતા મહિલા સહિત બેના મોત

 

બોલેરોનું ટાયર ફાટતા કાર સાથે ધડાકાભેર અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત: બે ગંભીર

 

અબતક,જિતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામ પાસે બોલેરો અને અલ્ટ્રો કાર અથડાતા સર્જાયેલી ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી થાણા ગાલોલની મહિલા સહિત બેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અને બેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે શાકભાજી ભરેલા જી.જે.14એક્સ. 9781 નંબરની બોલેરોનું ટાયર ફાટતા સામેથી આવતી જી.જે.1કેડી. 2755 નંબરની અલ્ટ્રો કાર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી જેતપુર તાલુકાના થાણા ગાલોલની મહિલા અને અન્ય એક મુસાફરનું મોત નીપજ્યું હતુ.

જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘવાતા બંનેને સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંનેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. અકસ્માતના બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા પી.એસ.આઇ. પરમાર સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે. બોલેરોનો ચાલક જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયાનું જાણવા મળે છે.