Abtak Media Google News

દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી ધમકીના ગણતરીના કલાકોમાં તીક્ષ્ણ હથિયારથી ઢીમ ઢાળી દીધું

પાસાના કડક કાયદા વચ્ચે પોલીસે ધમકીની ગંભીરતા ન લેતા યુવકે જીવ ગુમાવ્યો

ભુજ તાલુકાના કુકમાં ગામે બાઇક પર જઈ રહેલાં બે ભાઈઓપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર આજાદ હુસેન કકલ ઉ.વર્ષ.૨૫ અને રઝબ હુસેન કકલ ઉ.વર્ષ.૧૮ રહે.બન્ને મોટી રેલડી બાઇક પર જઈ રહ્યાં હતાં ત્યારે આરોપીઓ સૌકતઅલી બરકતઅલી પઠાણ, અકબર અબ્દુલ મ્યાત્રા અને ઉંમર સુમાર બાફણ દ્વારા આ સહોદરો પર ઘાતકી હુમલો કરાતા આઝાદ હુસેન કકલનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રઝબ હુસેન કકલને ગંભીર હાલતમાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ પાછળનું કારણ બુટલેગર આરોપીઓની દેશી દારૂની બાતમી પોલીસને આપ્યા હોવાનું મનદુ:ખ રાખીને આ ખૂની ઘટનાને અંજામ આપ્યા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. જાણવા મુજબ ગત રાત્રીના આરોપીઓ દ્વારા મૃતકને ટેલિફોનિક ધમકી પણ આપવામાં આવી હતી અને આ ધમકી બાબતે પોલીસને જાણ કરાઈ હતી. તેમ છતાં પોલીસે ગત રાત્રીએ કોઈજ નક્કર પગલાં ન લેતા બપોરના  ૧૨ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો ત્યારે દેશી દારૂની બદીએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે કુકમાં ગામે દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાના અનેક  વખત કિસ્સાઓ મીડિયામાં ચમકી ચુક્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આ કરૂણ અંજામ આવ્યો હોવાની ચર્ચાઓ ખુલ્લેઆમ ઉઠી રહી છે. ત્યારે બુટલેગરોને કોઈજ પ્રકારનો કાયદાનો ડર ન હોવાની ઘટના ફરી બહાર આવતા ચકચાર મચી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ  પધ્ધર પીલોસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે અત્રે ઉલ્લેખનીય છે કે દેશી દારૂના હાટડાઓ ખુલ્લેઆમ ભુજ શહેર અને તાલુકામાં ધમધમી રહ્યાં છે ત્યારે તંત્રએ આ બનાવને ધ્યાને રાખીને કડકાઈ સાથે કામગીરી કરવી રહી જેથી ભવિષ્યમાં આવા લોહિયાળ કિસ્સાઓ બનતા નિવારી શકાય બનાવને લઈને ડી.વાય.એસ.પી પંચાલ, એલ.સી.બી પી.આઈ  અને પધ્ધર પોલીસ મથકના પી.એસ.આઈ એસ.આર.જાડેજા સહિતનો પોલીસ કાફલો જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે દોડીગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.