Abtak Media Google News

કૌભાંડના સૂત્રધાર સહિત બે શખ્સો દુબઇ ભાગી ગયા: રાજકોટના અનેક નામાંકિતો ઠગ ટોળકીનો ભોગ બન્યા

રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીમાં ઠગાઈ ટોળકીના શિકાર બનેલા નામાંકિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કરી ઠગાઈ કરનાર બે શખ્સોના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત બે દુબઇ ભાગી ગયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રાજકોટ અને સુરતમાં કરોડો રૂપીયાનું કૌભાંડ આચરાયું છે. રાજકોટમાં ફરીયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલી (રહે. હેપ્પી રેસીડેન્સી વેશુ, સુરત) અને કિરણ વનમાળીદાસ પંચાસરા (રહે. અંબિકા હાઈટ્સ, ગોડાદરા, સુરત)ને દબોચી લઈ આજે કોર્ટમાં રજુ કરી ૧ર દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

આ કૌંભાંડના મુખ્ય સુત્રધાર ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા પાંચેક માસ પહેલા જ દુબઈ ભાગી ગયા છે. જેથી તેમને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન હાથધર્યા છે.

આ બંને આરોપીઓ ઉપરાંત ધરપકડ કરાયેલા બ્રિજેશ અને કિરણ સહિતની ટોળકીએ સૌથી પહેલા સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી ઉચા વળતરના નામે ઠગાઈનું કારસ્તાન શરૂ કર્યું હતું. આ ટોળકીએ ટ્રોન અને મેગા ટ્રોનના નામે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ઈન્વેસ્ટરોને જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું. સુરતથી શરૂ થયેલુ આ કારસ્તાન રાજકોટ સુધી પહોંચ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓ બ્રિજેશ અને કિરણે પોલીસને જણાવ્યું કે સુરત કરતા રાજકોટમાં તેમને વધુ રીસપોન્સ મળતા ર૦ર૦ની સાલમાં સપ્ટેમ્બર માસથી રાજકોટમાં જુદી જુદી હોટલોમાં રોકાણકારોને બોલાવી શીશામાં ઉતારવાનું શરૂ  કર્યું હતું. પરીણામે રાજકોટનાં અનેક લોકો આ ટોળકીની જાળમાં ફસાયા હતા.

ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી જેટલા ભોગ બનનારા સામે આવ્યા છે તેના પરથી કૌભાંડનો આંક એકાદ કરોડ ઉપર પહોંચ્યો છે. પરંતુ વાસ્તવિક આંક એક કરોડથી પણ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે જ પાંચેક ભોગ બનનારાઓએ પોલીસનો સંપર્ક કર્યો છે. આગામી દિવસોમાં વધુ ભોગ બનનારાઓ સામે આવે તેવી શકયતા છે. જયારે જે ભોગ બનનારાઓને કમાણી થઈ હતી તે કદાચ પોલીસનો સંપર્ક કરવાનું ટાળશે.

તો બીજી તરફ સુરતમાં ખરેખર કેટલા રૂપીયાનું કૌભાંડ કર્યુ છે તે વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ માટે સુરત પોલીસનો પણ સંપર્ક કરાયો છે. આરોપી કિરણ વિરૂધ્ધ ક્રિપ્ટો કરન્સીમાં છેતરપીંડીના નામે બે વર્ષ પહેલા મુંબઈમાં પણ ગુનો દાખલ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.