Abtak Media Google News

ગેરકાનુંની પ્રવૃત્તિ માટે કુખ્યાત દરિયામાં હવે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરી સમગ્ર દેશને ઇંધણ પૂરું પાડવાની દિશામાં આયોજન

ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા થોડા સમયથી ડ્રગ્સની દાણચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. જેને લઈને હવે દેશભરમાં ગુજરાતના દરિયાકાંઠાની છાપ કુખ્યાત થઈ ગઈ છે. પણ હવે આ દરિયાનો ઉપયોગ સારા કામ માટે પણ થવાનો છે. ગુજરાતના વિશાળ દરિયામાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરીને દેશભરમાં ઇંધણ પૂરું પાડવાનું આયોજન હાલ ઘડાઈ રહ્યું છે.

ભારતનું વર્તમાન એનર્જી આયાત બિલ રૂ. 12 લાખ કરોડથી વધુ છે. કોલસો અને તેલની અવલંબન ચાલુ રાખવાથી દેશને પર્યાવરણીય વિનાશની અણી પર ધકેલવા ઉપરાંત આ રકમમાં 2-3 ગણો વધારો થશે. ત્યારે ભારત પાસે મોટો દરિયા કિનારો હોય ભારત ગ્રીન હાઇડ્રોજનમાં વૈશ્વિક લીડર બની શકે છે. જે એનર્જી ક્ષેત્રની અનેક સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે.

ગ્રીન હાઇડ્રોજનએ સૌર અને પવન જેવા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી વીજળીનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજન છે.

હાઇડ્રોજનએ ડીકાર્બોનાઇઝેશનમાં મોખરે આવ્યું છે, કારણ કે તે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્વચ્છ ગેસ છે જે અશ્મિભૂત ઇંધણને બદલી શકે છે, ખાસ કરીને જ્યાં વિદ્યુતીકરણ એ યોગ્ય વિકલ્પ નથી. ગ્રીન હાઈડ્રોજનમાં હજુ સુધી કોઈ દેશનું વર્ચસ્વ નથી ત્યારે ભારત પાસે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં અગ્રેસર બનવાની મોટી તક છે.

ભારતે પોતાની જાતને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે સ્થાપિત કરવા માટે અનેક દિશામાં કાર્ય કરવાની જરૂર છે. બીજી તરફ  સ્ટીલ અને ફર્ટિલાઇઝર્સ જેવા અન્ય ક્ષેત્રોને ડીકાર્બોનાઇઝ કરવા માટે લાંબા ગાળાના પોલિસી રોડમેપની પણ જરૂર છે. જ્યાં સુધી હાઇડ્રોજનની વાત છે, તેનો ઉપયોગ ઘણા વર્ષોથી ફેક્ટરીઓમાં થાય છે. પરંતુ હવે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઉપયોગને વધારવાની વાત છે.

આના માટે ગુજરાત સરકાર સતર્ક બની છે. આ લાભ લેવા ગુજરાત સરકારે આયોજન ઘડવાનું શરૂ કરી દીધું છે.હાલ સરકાર ગુજરાતના દરિયામાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરી દેશભરમાં ઈંધણ પૂરું પાડવા કમર કસી રહી છે. એટલે દેશની એનર્જી ક્ષેત્રની સંભવિત ક્રાંતિમાં ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે લખાવાની પુરેપુરી શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.