લોકોની જાગૃતતા રંગ લાવી: એક જ દિવસમાં વિક્રમજનક 5 લાખથી વધુ ડોઝ અપાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં 3.06 કરોડ વસ્તી “કોરોના કવચ” સજ્જ

રસીકરણની રફતાર તેજ: 2.34 કરોડ લોકોને પ્રથમ ડોઝ, 71.67 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો

ચેતતો નર સદા સુખી… કોરોના સામેની વૈશ્વિક મહામારીને નાથવા નિયમ પાલન અને રસીકરણ જ એકમાત્ર અમોધ  અસ્ત્ર સમાન મનાઈ રહ્યુ છે. ત્યારે લોકોએ પણ જાગૃતતાની સાથે રસીકરણ ઝુંબેશને વેગ આપ્યો છે. વાયરસ સામે બચવા સૌ કોઈએ રસી લેવા દોટ લગાવી છે. જો કે અમુક હજુ એવા પણ લોકો છે જેઓમાં રસી પ્રત્યે ગીરમાન્યતા છે. પણ આવો વર્ગ ખૂબ ઓછો છે. લોકોની સતર્કતા અને જાગૃતતાને કારણે જ રસીકરણ ઝુંબેશે રફ્તાર પકડી છે.  એમાં પણ ગુજરાતમાં પણ રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું છે. ગુરૂવારના રોજ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક પાંચ લાખથી વધુ લોકોને ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 3.06 કરોડ લોકો કોરોના કવચથી સજ્જ થયા છે. એકંદર રસીકરણની બાબતમાં ગુજરાત રાજ્ય હાલ રાષ્ટ્રીય સ્તરે ત્રીજા સ્થાને છે.

3.06 કરોડને રસીકરણમાં 2.34 કરોડ લોકોને પ્રથમ ડોઝ જ્યારે  71.67 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. – જેમાં અત્યાર સુધીમાં લગભગ 47% અને 18 વર્ષથી વધુ વયની 23% વસ્તીને  આવરી લેવામાં આવી છે. ગુરુવારે 5.08 લાખ રસીમાંથી, 3.56 લાખને પ્રથમ ડોઝ જ્યારે 1.51 લાખ લોકોને બીજો ડોઝ અપાયો હતો.

ગુરુવારના રોજ રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ રસીકરણ થયું છે. 54,567 ડોઝ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 40,498 ડોઝ, બનાસકાંઠા જિલ્લોમાં 21,063,  દાહોદ જિલ્લોમાં 19,481 જ્યારે વડોદરામાં 18,158 ડોઝ અપાયા છે. અમદાવાદ, રાજકોટમાં સત્તાધીશોએ સગર્ભા મહિલાઓ માટે ખાસ રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે.