માની મમતા ખેંચી લાવી…હીરાબાની તબિયત નાદુરસ્ત થતા વડાપ્રધાન દોડી આવ્યાં

બ્લડપ્રેશરની તકલીફ થતા સારવાર માટે યુ.એન. મહેતા  હોસ્પિટલમાં દાખલ,  હાલ  તબિયત સુધારા ઉપર

મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓ પણ હોસ્પિટલે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ગઈ કાલે રાત્રે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે હીરાબાને હોસ્પિટલમાં ખસેડવાને પગલે યુ.એન મહેતા ખાતે વિવિઆઈપીની દોડધામ જોવા મળી હતી. હાલ તેઓની તબિયત સુધારા ઉપર હોવાનું હોસ્પિટલે જાહેર કર્યું છે. બીજી તરફ વડાપ્રધાન તાકીદે પોતાના કાર્યક્રમ પડતા મૂકી અમદાવાદ પહોચ્યા છે.

આ અંગે સત્તાવાર વિગતો બહાર આવી નથી. પીએમ મોદીના માતા 100 વર્ષના છે. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક જાય છે. પીએમ મોદી પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. જો કે તેમની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે. થોડાંક સમયમાં જ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરશે. હોસ્પિટલ તરફથી પણ બુલેટિન બહાર પડાશે. સવારે સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો.

હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચી ગયા છે. જ્યારે બપોરે વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયાં હતાં. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. તેમના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવી હતી.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.