Abtak Media Google News

આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે

આદિજાતિ વિકાસ,અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લીલીયા રોડ સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર ખાતે જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજવામાં  આવી હતી.

આ સમીક્ષા બેઠકમાં કેબિનેટ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ  હતી. કેબિનેટ મંત્રીનું સ્વાગત જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ પુષ્પગુચ્છ આપીને કર્યુ હતુ. અમરેલી જિલ્લાના કુલ 11 તાલુકામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય વાજબી ભાવની દુકાનોની સંખ્યા 560 છે, ઉપરાંત સમગ્ર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા વાઈઝ એક-એક એમ કુલ 11 ગોડાઉન છે.

સમગ્ર અમરેલી જિલ્લામાં 4,21,790 રેશનકાર્ડ ધારકો છે જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ 1,85,420 રેશનકાર્ડ ધારક સામેલ છે. આ કાયદા હેઠળ જિલ્લાના કુલ 8,46,826 લોકોને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા સમગ્ર રાજયમાં લાભાર્થીઓને નિયમિત રીતે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં અંત્યોદય કુટુંબો ઉપરાંત બી.પી.એલ કાર્ડ ધારકોને પણ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણનો લાભ નિયમિત રીતે મળી રહ્યો છે.

કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં પણ ભારત સરકાર અને રાજ્ય સરકારે નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે રીતે આવશ્યક ચીજવસ્તુઓના વિતરણની સમગ્ર વ્યવસ્થા સતત અને નિરંતર બનાવી રાખી હતી અને સંચાલન કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.