સાયલા નજીક રાખડી બંધાવવા નીકળેલા ભાઇ-ભાભીના અકસ્માતમાં  મોત

બહેન રક્ષા માટે પ્રાર્થના કરે તે પહેલા જ કાળ ભેટયો

સાયલા હાઈવે ઉપર ભાડુકા – ડોળીયા વચ્ચે પૂરપાટ ઝડપે પસાર થતા ટેન્કર અને કાર વચ્ચે મખ્વાર અકસ્માત સર્જાતા રક્ષાબંધને ઘેર જતા ત્રણ બહેનોના એકના  એક ભાઈ અને ભાભીનું મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.

આ કરૂણ બનાવની વિગત એવા પ્રકારની છે કે, ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના મયુરભાઈ ગણેશભાઈ પટેલ જેતપુર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ફરજ બજાવે છે.ગત 12 ડીસેમ્બરના રોજ તેમના લગ્ન ડીમ્પલબેન સાથે થયા હતા. આજે રવિવારે રક્ષાબંધન હોવાથી ત્રણ બહેનોના એકના એક વીરા મયુરભાઈ પત્ની ડીમ્પલબેન સાથે ગઈકાલે કારમાં જેતપુરથી પોતાના ગામ નવલગઢ જવા નીકળ્યા હતા.

ત્યારે સાયલા નેશનલ હાઈવે ઉપર ભાડુકા – ડોળીયા રોડ ઉપર પૂરપાટ ઝડપે પસાર થતા ટેન્કર  સાથે તેમની કારનો અકસ્માત થતા અંદાજે 27 વર્ષના મયુરભાઈ અને 24 વર્ષના ડીમ્પલબેનનું ગંભીર ઈજાથી મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.ત્રણ બહેનોના એક ના એક ભાઈનું રક્ષાબંધનના આગલા દિવસે જ મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી. બનાવ અંગે સાયલા પોલીસે ગૂનો નોંધીને ડમ્પર ચાલકની અટક કરેલ હોવાનું જાણવા મળે છે