Abtak Media Google News

ખુલ જા સિમ સિમ : આવતીકાલે રજૂ થશે બજેટ

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી, તે પૂર્વેનું બજેટ મોદી સરકારની ખરી પરીક્ષા : માળખાગત સુવિધાઓ અને ખેતી ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સરકારની તૈયારી

અબતક, નવી દિલ્હી : આજથી બજેટ સત્રનો આરંભ થયો છે. હવે આવતીકાલે દેશનું બજેટ રજૂ થવાનું છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે.  તે પૂર્વેનું આ  બજેટ મોદી સરકારની ખરી પરીક્ષા છે. જેમાં રાજકોશિય ખાધ ઘટાડી વિકાસના રથને દોડતો રાખવા સિતારમન કમર કસે તેવું ચિત્ર અત્યારથી જ દેખાઈ રહ્યું છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે નાણાકીય વર્ષ 2023-24નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનું પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરુ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠક થશે. સોમવારે સર્વદળીય બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું કે, તે સંસદમાં નિયમોમાં અંતર્ગત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને સદન સુચારુ રીતે ચલાવવામાં પણ તમામનો સહયોગ ઈચ્છે છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી સર્વદલીય બેઠક બાદ કહ્યું કે, સરકાર સંસદમાં નિયમો અંતર્ગત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે વિપક્ષના સહયોગની આશા રાખીએ છીએ.

સમગ્ર દેશની નજર મોદી સરકારના બીજા કાર્યકાળના સંભવત છેલ્લા પૂર્ણકદના બજેટ પર છે. કારણ કે આ વર્ષે જમ્મુ-કાશ્મીર સહિત દસ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. જ્યારે આવતા વર્ષે લોકસભાની પણ ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં લોકોને બજેટમાંથી રાહત મળવાની આશા છે. જ્યારે અર્થતંત્ર સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોને પણ બજેટ દ્વારા રાહતની આશા છે. નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય બજેટ દ્વારા સરકાર ચૂંટણીવાળા રાજ્યો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે.

સંસદના આ બજેટ સત્રમાં પણ હોબાળો મચી શકે છે.

સંસદના બજેટ સત્રને સુચારૂ રીતે ચલાવવા માટે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સપા, બસપા અને કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લાએ કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આરોપ લગાવ્યો કે સરકારે તેલંગાણા પ્રત્યે ઉપેક્ષિત વલણ અપનાવ્યું છે.

9 લાખ સરકારી વાહનોને સ્ક્રેપમાં દેવાથી અર્થતંત્રને મળશે બુસ્ટર ડોઝ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 1 એપ્રિલ પછી 15 વર્ષ જૂના 9 લાખ સરકારી વાહનો રસ્તા પર દોડતા જોવા મળશે નહીં. તેની જગ્યા પર નવા વાહન ચલાવવામાં આવશે. આ વાહનો કેન્દ્રીય અને રાજ્ય સરકારો, પરિવહન નિગમો અને સાર્વજનિક ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. સરકાર ઈથેનોલ, મિથેનોલ, બાયો-સીએનજી, બાયોએલએનજી અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને સુવિધાજનક બનાવવા માટે ઘણા પગલા ભરી રહી છે.

ગડકરીએ હવે 9 લાખથી વધારે સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી આપી દીધી છે, જે 15 વર્ષથી વધુ જુના છે. જાણકારી મુજબ પ્રદૂષણ ફેલાવનારી બસો અને ગાડીઓ રસ્તા પરથી હટાવી દેવામાં આવશે અને તેની જગ્યાએ વૈકલ્પિક ઈંધણવાળા નવા વાહન ઉપયોગમાં લેવાશે. સરકારના આ નિર્ણયથી અનેક ફાયદાઓ થવાના છે. આ નિર્ણય અર્થતંત્રને પણ બુસ્ટર ડોઝ આપવાનો છે. કારણકે 9 લાખ વાહનોનો નિકાલ કરવામાં સ્ક્રેપ ઉદ્યોગને મોટું બુસ્ટર મળશે. મોટી સંખ્યામાં રોજગારીનું પણ સર્જન થશે.

સિગારેટ અને તમાકુ ઉત્પાદનો ઉપરના સીનટેક્સમાં વધારો થાય તેવી શક્યતા

બજેટ 2023માં, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તમાકુ અને તમાકુના ઉત્પાદનો પરના કરને 2 વર્ષ સુધી યથાવત રાખ્યા પછી હવે તેને વધારે તેની વ્યાપક અપેક્ષા છે. જ્યારે તમાકુ પર કરવેરા મુખ્યત્વે જીએસટી કાઉન્સિલના કાર્યક્ષેત્ર હેઠળ છે, ત્યારે કેન્દ્ર સરકાર સિગારેટ પર રાષ્ટ્રીય આપત્તિ આકસ્મિક ડ્યુટી (એનસીસીડી) પણ લાવે છે, જે બજેટમાં ફેરફારોને આધીન છે.ભારત એકંદર તમાકુ કરમાં 5% વાર્ષિક વૃદ્ધિમાં નિર્માણ કરી રહ્યું છે. 2024માં સામાન્ય ચૂંટણીઓ પહેલા વર્તમાન સરકારનું તે છેલ્લું બજેટ હોવા છતાં, કેન્દ્રને મૂડીરોકાણ અને ગ્રામીણ ખર્ચ પર સંતુલન જાળવવાની વ્યાપક અપેક્ષા છે. માળખાગત સુવિધાઓના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર સિગારેટ અને તમાકુ ઉત્પાદનો ઉપર વધુ બોજ નાખે તેવી પ્રબળ શક્યતાઓ છે.

રાષ્ટ્રપતિએ બન્ને સદનોને કર્યું સંબોધન

સંસદનું બજેટ સત્ર આજે મંગળવારથી શરુ થયુ છે. આજના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંને સદનોની સંયુક્ત બેઠકમાં પોતાનં પ્રથમ અભિભાષણ આપ્યું હતું. સત્ર દરમિયાન સરકારની નજર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર નિર્ધારિત રીતે ચર્ચા કરાવવા પર રહી હતી.

આઈએમએફએ વિકાસની ગાડી ધીમી પડવાની સંભાવના વ્યક્ત કરી

વિશ્વના અન્ય દેશોની સાથે ભારતીય અર્થવ્યવસ્થાને પણ વર્ષ 2023માં હળવી મંદીનો સામનો કરવો પડી શકે છે.  જો કે, હજુ પણ અન્ય દેશોના હિસાબે ભારતની અર્થવ્યવસ્થા શ્રેષ્ઠ સ્થિતિમાં રહેશે.  વાસ્તવમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ મંગળવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023 દરમિયાન વૃદ્ધિ દર 6.8 ટકાથી ઘટીને 6.1 ટકા થવાની ધારણા છે. આઈએમએફની તાજેતરની યાદી પર નજર કરીએ તો અન્ય દેશોની સરખામણીમાં ભારત હજુ પણ સૌથી આગળ છે.  વધુમાં, આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક મુજબ, વૈશ્વિક વૃદ્ધિ 2022માં અંદાજિત 3.4 ટકાથી ઘટીને 2023માં 2.9 ટકા, પછી 2024માં વધીને 3.1 ટકા થવાનો અંદાજ છે.  જ્યારે અમેરિકાનો વિકાસ દર 2023માં 1.4 ટકા રહેવાની ધારણા છે, યુકેની અર્થવ્યવસ્થા માઈનસ 0.6 ટકા રહેવાની ધારણા છે.

તે જ સમયે, આઈએમએફએ વર્ષ 2023માં ચીનનો વિકાસ દર વધવાની આશા વ્યક્ત કરી છે.  આઈએમએફ અનુસાર, ચીનનો વિકાસ દર 2023માં વધીને 5.2 ટકા થવાની ધારણા છે, જે ગતિશીલતામાં ઝડપી સુધારો દર્શાવે છે.  જો કે, 2024માં તે ફરી એકવાર ઘટીને 4.5 ટકા થવાનો અંદાજ છે.  તે જ સમયે, વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં, ચીનની વાસ્તવિક જીડીપી જ્યારે ઘટીને ત્રણ ટકા પર આવી ગઈ ત્યારે તેને આંચકો લાગ્યો.

નાણામંત્રી નિર્મલા સિતારમનનું છેલ્લું બજેટ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લોકસભામાં જીત હાંસલ કરી ફરી કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. તેવામાં સરકાર બનશે તો પણ ભાજપ પોતાની પરંપરા મુજબ હવે નિર્મલા સિતારમનને નાણાં વિભાગ ન આપે તેવી શક્યતા છે. જેને પગલે આ બજેટ નિર્મલા સિતારમનનું છેલ્લું બજેટ બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.