Abtak Media Google News

વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ  સરકારની આવકમાં 108 કરોડનો ઘટાડો થવાની સંભાવના

અબતક, રાજકોટ

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે.  2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે.  બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે. રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે.

હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર નહિ

વર્ષ 2022-23ના અંદાજપત્રમાં  560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.  ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 12,240 કરોડની જોગવાઈ

કિશોરીઓ અને મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃત કરવા વિનામૂલ્યે સેનેટરીપેડ ઉપલબ્ધ કરાવાશે. કિશોરીઓમાં આયર્નની કમી પૂરી કરવા મોનિટરિંગ કરાશે તેમજ આયર્ન સુક્રોઝના ઈન્જેક્શન અપાશે, જેના માટે 5 કરોડની જોગવાઈ.  બાલ અમૃત પોષણ યોજના માટે 20 કરોડની જોગવાઈ. નવી 90 ખિલખિલાટ વાન ઉપલબ્ધ કરાવાશે.  મા યોજના, પીએમ જન આરોગ્ય યોજના માટે 1556 કરોડની જોગવાઈ. આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડોના વિકાસ માટે 629 કરોડની જોગવાઈ.

  • પાણી પુરવઠા વિભાગ માટે 5451 કરોડની જોગવાઈ

જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આતિજાતિ વિસ્તારોમાં પાણીની સુવિધા પૂરી પાડવા 709 કરોડની જોગવાઈ.  નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ અને બુધેલથી બોરડા સુધી 143 કિમી બલ્ક પાઈપલાઈનના કામ માટે 310 કરોડની જોગવાઈ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 27 કરોડ લીટરની ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થપવા 400 કરોડની જોગવાઈ.

  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7737 કરોડની જોગવાઈ

પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોગવાઈ, ટ્રેક્ટર તેમજ વિવિધ મશીનરીની ખરીદીમાં સહાય આપવા 260 કરોડની જોગવાઈ, 231 કરોડ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ફાળવાયા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઈ

  • મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો સિરામિક પાર્ક સ્થપાશે

બજેટમાં મોરબીના સીરામીક ઉદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક કક્ષાનો સિરામિક પાર્ક સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે.

  • 49 રોડને ફોરલેન કરાશે

ગુજરાતના મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 830 કિલોમીટરના 49 રસ્તાઓના અનુભાગોને ફોર લેન બનાવવાની 2801 કરોડની કામગીરી હાથ ધરાશે.

  • 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે

બજેટમાં ગામોને આધુનિક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યો છે. ગામો પણ સમગ્ર દુનિયા સાથે કનેકટ થઈ શકે તે માટે બજેટમાં 4 હજાર ગામોને ફ્રિ વાયફાય આપવાનુ જાહેર કરવામાં આવ્યું છે.

  • જળસંપત્તિ પ્રભાગ માટે 5339 કરોડની જોગવાઈ

હાલ સરદાર સરોવર યોજનાથી 69 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ.  સૌરાષ્ટ્રમાં સૌની યોજનાના 1371 કિમી લંબાઈના 24 પેકેજ કામગીરી પૂર્ણ થઈ. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. કચ્છના છ તાલુકાની 1.14 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સવલોત પૂરી પાડવા 272 કરોડની જોગવાઈ.

  • 10 હજાર કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ

નાણાંમંત્રીએ આજે બજેટ રજુ કર્યું છે જેમાં શિક્ષણ ક્ષેત્રે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે જેના માટે 10 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. બાળકોને ઉત્તમ અને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે વિશ્વબેંકના સહયોગથી 10 હજાર કરોડ રુપિયાના ખર્ચે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેકટ શરુ કરાશે. જેના માધ્યમથી 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ ઉભી કરી ગુણવત્તાસભર શિક્ષણ આપી શકાશે.

પાણી પૂરવઠા, આરોગ્ય, મહિલા, અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ માટે કરોડો રૂપિયાની ફાળવણી

પાણી પુરવઠા પ્રભાગ માટે 5451 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને કહ્યુ હતું. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12, 240 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 34, 884 કરોડની જોગવાઈ. કરાઈ છે. મિશન સ્ફુલ્સ ઓફ ઍક્સેલેન્સ યોજના હેઠળ 1188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટે 350 કરોડ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં મેડિકલ કોલેજો સ્થપાશે

મેડિકલ ડેન્ટલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે હાલમાં અંદાજે 12 હજાર બેઠકો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં મેડિકલ કોલેજની મંજૂરી આપવાની જાહેર કરેલી સ્કીમમાં રાજ્ય સરકારે અરજી કરી હોવાથી આગામી દિવસોમાં હવે સૌરાષ્ટ્રમાં બોટાદ, વેરાવળ અને ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજોને મંજૂરી મલવાની શક્યતા છે. રાજ્યના આરોગ્ય વિભાગનો આગામી શૈક્ષણિક વર્ષમાં રાજપીપળા, નવસારી, જામ ખંભાળિયા, બોટાદ અને વેરાવળમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

  • વીજ જોડાણ માટેની તમામ અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પૂર્વે કરાશે નિકાલ

ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂ. 8 હજાર 300 કરોડ જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.

  • નર્મદા યોજના માટે 6090 કરોડની જોગવાઈ

નર્મદા યોજના માટે 6090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા નદી ઉપર 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભુત બેરેજ યોજનાનું કામ ચાલુ છે, જેને માટે 1240 કરોડની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.

  • રાજ્યમાં પ્રથમ મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે

નાણાં પ્રધાન કનુ દેસાઈએ અંદાજપત્રમાં શિક્ષણને લઇ અનેક જાહેરાત કરી છે ,ગુજરાતમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. સરકારની મહત્વની જાહેરાત અંગે તેમણે કહ્યુ કે, રાજ્યમાં પ્રથમ મેડિકલ યુનિવર્સિટી બનશે.તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સીટીની સ્થાપના થશે.મેડિકલ યુનિવર્સીટીની સ્થાપનાથી રાજ્યના તબીબી વિધાર્થીઓને ખાસ ફાયદો થશે અને હવે ઉચ્ચ અભ્યાસ માટે બીજા રાજ્યોમાં કે અન્ય દેશમાં અભ્યાસ માટે જવું નહિ પડે.

  • રખડતા પશુઓની સમસ્યા ઉકેલવા બજેટમાં 100 કરોડની જોગવાઈ

બજેટમાં રાજ્યના શહેરી વિસ્તારોમા રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યાઓ ઉકેલવા 100 કરોડની ફાળવણી કરી હતી. રૂ.240 લાખ કરોડથી વધુને કદના આ બજેટમાં તેમણે શહેરી વિસ્તારની હાલની સમસ્યા કહી શકાય તેવી શહેરી વિસ્તારોમાં રખડતા અને ભટકતા પશુઓની સમસ્યાને નિવારવા જે 100 કરોડની માતબર રકમ ફાળવી છે તેનાથી રાજ્યના શહેરી વિસ્તારોના લોકોને રખડતા ભટકતા પશુઓની સમસ્યાઓથી મુક્તિ મળશે.વિધાનસભા ચૂંટણી વર્ષમાં તમામ વર્ગને આવરી લેવામાં આવ્યા છે ત્યારે લોકોને આ રખડતા ભટકતા પશુઓથી મુક્તિ અપવાવાનું પણ વિચારી 100 કરોડ જેવી માતબર રકમ ફાળવાતા હવે રાજ્યના શહેરી વિસ્તારોના લોકો કે જે રખડતા ભટકતા પશુઓના ત્રાસથી બહુ ચિંતિત હતા તેઓને આ સમસ્યા માંથી હવે મુક્તિ મળશે.

  • ગુજરાતનું ઘરેલું ઉત્પાદન 20 લાખ કરોડને પાર

દેશ આગામી વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ધરાવતા દેશોમાં સામેલ થવા જઈ રહ્યો છે, ત્યારે ભારતની આ વિકાસકૂચમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. 2002માં ગુજરાતનું ઘરેલુ ઉત્પાદન સવા લાખ કરોડ રુપિયા હતું, જે હાલ 20 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક પણ 2,14,809 પર પહોંચી છે તેમ નાણામંત્રી કનું દેસાઈએ જણાવ્યું હતું.

  • ગૌ- શાળા અને પાંજરાપોળના નિભાવ માટે 500 કરોડની જોગવાઈ

ગૌશાળા અને પાંજરાપોળના નીભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે રુ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ગૌશાળાઓ અને પાંજરાપોળને વિવિધ સહાય આપવામાં આવશે. ગૌ- સંવર્ધનને પૂરો સહયોગ આપવામાં આવશે.

  • આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારળી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર સાથેનું બજેટ ભાષણનું લાલ બોક્ષ બન્યું આકર્ષણનું કેન્દ્ર

ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું અને વિધાનસભા ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ આજે બપોરે ગૃહમાં રજૂ કર્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ બજેટ પ્રજાલક્ષી અને સર્વસમાવેશક છે. જ્યારે નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, ચૂંટણીલક્ષી નહિં પણ સમાજના હિત અને સુખાકારીને આવરી લેતું બજેટ છે.  મંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ2022-2023નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા હતા. નાણામંત્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનો લાલ રંગનુ બોકસ બજેટ ભાષણ માટે રાખવામાં આવ્યુ હતું. આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારળી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે. સાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવેલ છે આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે. ચાલુ 2021-22ના બજેટનું કુલ કદ રુ. 2.28 લાખ કરોડ હતું ત્યારે આ વખતના નવા બજેટનું કુલ કદ રુ. 2.43 લાખ કરોડનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.