Abtak Media Google News

હજુ 26 રાજ્યોના ક્રેડાઈ ચેપ્ટરોને પણ અપીલ કરી વર્ષે 30 હજાર અગ્નિવીરોને રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોજગાર પુરા પાડવાના પ્રયાસો કરાશે

એક તરફ અગ્નિપથનો વિરોધ થઈ રહ્યો છે જેની પાછળ અગ્નિવિરોનું 4 વર્ષ બાદ ભવિષ્ય શુ ? તેવો પ્રશ્ન કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પણ આ પ્રશ્નના સમાધાન રૂપે સરકારે અનેક વિભાગોમાં તેમજ ખાનગી સંસ્થાઓએ પણ અગ્નિવિરોને નોકરીમાં પ્રાધાન્ય આપવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત ક્રેડાઈએ પણ દર વર્ષે 3000 અગ્નિવિરોને રોજગાર આપવાનું વચન આપ્યું છે.

કેન્દ્ર સરકારે 14 જૂને ચાર વર્ષના સમયગાળા માટે નવા સૈનિકોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી.  અગ્નિવીરોને માસિક રૂ. 30,000 થી રૂ. 40,000નો પગાર મળશે, જેઓ ચાર વર્ષ પછી ડિમોનેટાઇઝ થાય છે તેમાંથી 75%ને રૂ. 11.71 લાખનું ’સેવા નિધિ’ એક્ઝિટ પેકેજ મળે છે,  બાકીના 25%ને આગામી 15 વર્ષની સેવા માટે સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે.

ક્રેડાઈના હોદેદારોએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં  ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અગ્નિપથ યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી. ક્રેડાઇ ગુજરાતના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી અગ્નિપથ યોજનાને આવકારીએ છીએ. આપણી સેના શિસ્ત અને સમર્પણ માટે જાણીતી છે. અગ્નિપથ યોજના અન્વયે સરકાર  દર વર્ષે 50,000 યુવાનોને શારીરિક અને કૌશલ્યની તાલીમ આપશે.  આ સાથે સરકાર આ યુવાનોને ચાર વર્ષની તાલીમ દરમિયાન આકર્ષક પેકેજ આપશે અને તેઓ અગ્નવીર સ્નાતકની ડિગ્રી મેળવશે.

તેમણે કહ્યું કે ક્રેડાઈ ગુજરાત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દર વર્ષે 3,000 અગ્નિવિરોને રોજગાર આપશે. ક્રેડાઈના 26 રાજ્યોમાં અલગ અલગ ચેપટર છે ક્રેડાઈ ગુજરાતની ટીમ આ તમામ ચેપટરોને યોજના સમજાવશે અને તેઓને પણ અગ્નિવિરોને નોકરીમાં પ્રાધાન્ય આપવાની અપીલ કરી ભારતના  રિયલ એસ્ટેટ ક્ષેત્ર દર વર્ષે 30,000 અગ્નિવિરોને કાયમી રોજગાર પ્રદાન કરાવવાનો પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ યોજનાની રજૂઆત પછી, ઘણા સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ અગ્નિવીર માટે નોકરીની જાહેરાત કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.