સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે જાણીતા અને માથાભારે સજ્જુ કોઠારીની નાનપુરા વિસ્તારમાં આવેલી સરકારી જમીન પરની ગેરકાયદેસર મિલકત પર આજે મનપા અને પોલીસની સંયુક્ત ટીમે બુલડોઝર ફેરવી દીધું હતું. સજ્જુ કોઠારી સામે ખંડણી, મારામારી, વ્યાજખોરી સહિતના લગભગ 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, અને તે ગુજસીટોકના ગુનામાં પણ આરોપી છે.
અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની દબાણ હટાવ શાખાની ટીમે નાનપુરાની ઝમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 ચોરસ મીટરના વિસ્તારમાં કરાયેલા દબાણને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રના અહેવાલ મુજબ, સજ્જુ કોઠારીએ આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને અનેક દુકાનો ઊભી કરી હતી. આ દુકાનો ભાડે આપીને તે દર મહિને ₹7,000 થી ₹15,000 સુધીની આવક મેળવતો હતો, અને નવાઈની વાત એ છે કે જેલમાં રહ્યા પછી પણ તે ભાડું વસૂલ કરતો હતો. આ દુકાનોમાં ભંગાર, ગેરેજ સામાન, ઇતર અને પરફ્યુમ જેવો સામાન વેચવામાં આવતો હતો.
પાલિકા અને પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરતા જ દુકાનદારોમાં પોતાનો માલ-સામાન બહાર કાઢવા માટે દોડાદોડી જોવા મળી હતી. ઇતર અને પરફ્યુમના ડબ્બાઓ, ભંગારના પોટલાં, ગેરેજના ટૂલ્સ અને અન્ય સામાન લોકો ઉતાવળે બહાર કાઢતા જોવા મળ્યા હતા. જોકે, તંત્રે લોકોને પૂરતો સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું.
સજ્જુ કોઠારીનો ગુનાહિત ઇતિહાસ
ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, સજ્જુ કોઠારી છેલ્લા ઘણા સમયથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લોકોને ભાડેથી જમીન અને દુકાનો આપી રહ્યો હતો. જેલમાં હોવા છતાં પણ તે અહીંથી ભાડું વસૂલતો હતો, જેના કારણે આજે આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. તેના વિરુદ્ધ મારામારી, ખંડણી, વ્યાજખોરી, હત્યાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, અને તેના પર ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તે જેલમાં જ બંધ છે.
તંત્ર દ્વારા હાલમાં કેટલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે. અલગ-અલગ એજન્સીઓને સાથે રાખીને આવા તમામ અસામાજિક તત્વોની વિગતો પણ મંગાવવામાં આવી રહી છે. અગાઉ બે મહિના પહેલા પણ નાનપુરામાં ઝમરૂખ ગલીમાં રહેતા અને જુગાર સહિત અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સજ્જુ કોઠારીના મકાનના ગેરકાયદેસર હિસ્સાના ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી આસપાસના વિસ્તારના નાગરિકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય