Abtak Media Google News

 

ટી.પી.ના સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડ હેતુના અનામત પ્લોટ પરથી દબાણ દૂર કરી રૂા.53 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાલાવડ રોડ પર રાણી ટાવરની પાછળ આવેલા આર.કે.નગરમાં ટી.પી.ના અનામત પ્લોટમાં ગેરકાયદે ખડકાયેલા 47 ઝુંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ અને બજાર કિંમત મુજબ રૂા.53 કરોડની 5224 ચો.મી.જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મ્યુનિસિપલ કમિશ્નર અમીત અરોરાના આદેશ બાદ આજે સવારે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખાએ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કાલાવડ રોડ પર ઓપરેશન ડિમોલીશન હાથ ધર્યુ હતું. અહિં રાણી ટાવરની પાછળ આર.કે. નગરની બાજુમાં આવેલી ટી.પી.સ્કીમ નં.5 (નાના મવા)ના સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડ હેતુના અંતિમ ખંડ નંબર 438ની 5224 ચો.મી.જમીન પર 47 જેટલા કાચા પાકા ઝુંપડાઓ હટાવી દેવામાં આવ્યા હતાં. બજાર કિંમત મુજબ 53 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશન ચુસ્ત વિજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવ્યું હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત જ્યારે ટી.પી.નો કાફલો ચેકીંગમાં નીકળ્યો ત્યારે ટી.પી.ના અનામત પ્લોટ પર 47 ઝુંપડા ખડકાઈ ગયા હોવાની વાત ધ્યાને આવી તે પણ શંકા ઉપજાવે છે જ્યાં સુધી આખો પ્લોટ પર દબાણ ન ખડકાય જાય ત્યાં સુધી તંત્ર દબાણકારોને રોકવા માટેની કોઈ જ પ્રકારની કામગીરી કરતું ન હોય તેવું આ ઘટના પરથી ફલિત થાય છે. બીજી તરફ શિયાળાની ઠંડીમાં 47 પરિવારોને બે ઘર કરી તંત્રએ માનવતાં નેવે મુકી દીધી છે.

યશોદા છોલે કુલ્ચા અને સિલ્વર કોઈને માર્જીન-પાર્કીંગમાં ખડકેલા દબાણોનો સફાયો

વન વકી વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે કાલાવડ રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ બે સ્થળોએ માર્જીન અને પાર્કીંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. કાલાવડ રોડ પર નાલંદા સોસાયટીમાં હોનેસ્ટની બાજુમાં જતીનભાઈની માલિકીના યશોદા છોલે કુલ્ચા દ્વારા માર્જીનની જગ્યામાં છાપરાનું દબાણ કરવામાં આવ્યું હતુ. જે હટાવી 15 ચો.મી.જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે સેલના પેટ્રોલ પંપની બાજુમાં સિલ્વર કોઈન દ્વારા પાર્કીંગમાં ગેરકાયદે ઉભી કરી દેવાયેલી આડસ દૂર કરી 15 ચો.મી.જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.