બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસી જેટલુ જ હશે: અશ્વિની વૈષ્ણવ

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ બીજો હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે

દેશમાં હાલ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, બુલેટ ટ્રેનનું સંચાલન વર્ષ 2026થી શરૂ થશે. તેમણે કહ્યું કે, સરકાર મુસાફરોની સુવિધા માટે રાત-દિવસ કામ કરી રહી છે. સરકારે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, તેના પરિણામો પણ આવવા લાગ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ફર્સ્ટ એસીને ભાડાનો આધાર બનાવવામાં આવી રહ્યો છે. આ પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ બુલેટ ટ્રેનના ભાડા અંગે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાડા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તે લોકોની પહોંચમાં હશે. આ માટે ફર્સ્ટ એસીનો આધાર બનાવવામાં આવી રહ્યો છે, જે બહુ વધારે નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસી જેટલું જ હશે.

બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતાં ઓછું હશે ?

રેલવે મંત્રીએ કહ્યું હતું કે, બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતાં ઓછું હશે અને તેમાં સુવિધાઓ પણ સારી હશે. જોકે, તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પૂરો થયા બાદ જ ભાડું નક્કી કરવામાં આવશે. દેશના બુલેટ ટ્રેનપ્રોજેક્ટને લઈને સરકાર ઘણી ગંભીર છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ બીજો હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

પ્રથમ બુલેટ ટ્રેન 2026માં દોડશે

અશ્વિની વૈષ્ણવે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા સુરતની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનદોડાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આમાં સારી પ્રગતિ થઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં અમે ટ્રેન ચલાવવાનું કામ પૂર્ણ કરી લઈશું.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન હશે

મુંબઈ અને અમદાવાદ વચ્ચે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેનદોડાવવાનો પ્રસ્તાવ છે. બંને શહેરો વચ્ચે કુલ 508 કિમીનું અંતર છે અને તેમાં 12 સ્ટેશન હશે. આ ટ્રેન બે શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડીને ત્રણ કલાક કરી દેશે. અત્યારે છ કલાક લાગે છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયા છે.