Abtak Media Google News

બુમરાહ ફાસ્ટ એન્ડ ફ્યુરીયર્સ

ભારતની ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે જીત: શ્રેણીમાં 1-0થી આગળ: બુમરાહની 6, શમીની 3 અને પ્રસિદ્ધની 1 વિકેટ

ટિમ ઈંડિયાના ફાસ્ટ એન્ડ ફ્યુરીયર્સ બોલર જસપ્રીત બુમરાહે પોતાની સ્પીડ અને સ્વિન્ગથી ઈંગ્લેન્ડને ધૂળ ચાટતું કરી દીધું હતું.ઝડપી બોલર જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગની મદદથી ભારતે મંગળવારે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો છે. બુમરાહે 6 વિકેટ મેળવી હતી જેમાં ચાર બેટ્સમેનોને તો ક્લીન બોલ્ડ કર્યા હતા. જે રીતે પ્રથમ વનડેમાં બુમરાહે બોલિંગ કરી ઈંગલેન્ડના બેટ્સમેનોને ધરાશાયી કરી દીધા હતા.લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જસપ્રિત બુમરાહે તેની વન-ડે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ઈંગ્લેન્ડના બેટર્સને ઘૂંટણીયે પાડી દીધા હતા. આ ઉપરાંત મોહમ્મદ શમીએ પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી.

બુમરાહના ઝંઝાવાત સામે ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહે 19 રન આપીને છ વિકેટ ઝડપી હતી. 111 રનના આસાન લક્ષ્યાંકને સુકાની રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ આસાન બનાવી દીધો હતો. ભારતે 18.4 ઓવરમાં 114 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

111 રનનો લક્ષ્યાંક આસાન હતો અને રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ તેને વધારે આસાન બનાવી દીધો હતો. આ જોડીએ ઈંગ્લેન્ડના બોલર્સને કોઈ તક આપી ન હતી અને ટીમને વિના વિકેટે વિજય અપાવ્યો હતો. રોહિત શર્માએ શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 58 બોલમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 76 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે શિખર ધવને 54 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 31 રન નોંધાવ્યા હતા.ઈંગ્લેન્ડના ટોચના છ બેટર્સમાંથી ચાર બેટર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એક સમયે ઈંગ્લેન્ડે 68 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માટે સૌથી વધુ રન સુકાની જોસ બટલરે નોંધાવ્યા હતા. તેણે 32 બોલમાં છ ચોગ્ગાની મદદથી 30 રન નોંધાવ્યા હતા જ્યારે ડેવિડ વિલીએ 21, બ્રાયડન કાર્સે 15 અને મોઈન અલીએ 14 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહે 7.2 ઓવરમાં ત્રણ મેડન સાથે 19 ન આપીને છ વિકેટ ઝડપી હતી. જ્યારે શમીએ સાત ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. એક વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઝડપી હતી.”

‘150’ ફાસ્ટેસ્ટ શમી

પેસ બોલર શામીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં વનડે ક્રિકેટમાં 150 વિકેટ પુરી કરવાની સિદ્ધિ મેળવી હતી. શમીએ ભારત તરફથી ફાસ્ટેસ્ટ સિદ્ધિ મેળવી છે. શમી ભારત તરફથી વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ ઝડપનાર બોલર્સની યાદીમાં મોખરાના સ્થાને આવી ગયો છે. અને તેને અજિત અગરકરનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. શમીએ વનડે ફોર્મેટની 80 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.