રાજકોટ ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગવી કુનેહથી P.S.I અને L.R.Dના નોકરી ઈચ્છુકોને છેતરતી બંટી-બબલીની ધરપકડ

મેરીટમાં નામ નહી આવતા અરજદારો ડીસીપી મનોહરસિંહ  જાડેજાને  મળી છેતરાયાની કરી રાવ

બનાવની ગંભીરતા લઈ સમગ્ર તપાસનો દૌર સંભાળી કૌભાંડનો કર્યો પર્દાફાશ:  ‘ઠગ’ પ્રેમી યુગલની ડીસીપી જાડેજાએ કરી પૂછપરછ

અબતક,રાજકોટ
પી.એસ.આઈ. અને એસ.આર.ડી. ની ચાલતી ભરતીમા ડાઈરેકટ જોઈનીંગ  લેટર અપાવવાની  લાલચ આપી છેતરપીંડી   કરતી બંટી-બબલીને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાની આગવીકુનેહથી  ચોટીલા પાસેથી ઝડપી લેવામાં મહત્વની   સફળતા મળી છે. ભોગ બનનાર અરજદારોની  રજૂઆતની ગંભીરતા લઈ  ડીસીપી ઝોન–2 મનોહરસિંહ જાડેજાએ તપાસનો દૌર સંભાળી  પ્રેમી યુગલ  વિદેશ નાશી  જાય તે પહેલા જ  ઝડપી સમગ્ર કૌભાાંડનો પર્દાફાશ કર્યો છે. ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા દ્વારા કરાયેલી  કામગીરીને  ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે  બિરદાવી છે.

વધુ વિગત મુજબ પીએસઆઈની ભરતી અંગેનું   શારીરીક  કસોટીનું મેરીટ લીસ્ટ જાહેર થતા જેમાં   સેટીંગ કરી વગર પરીક્ષાઓ પાસ થવા માંગતા ઉેમેદવારો મેરીટ લીસ્ટમાં નામ ન આવતા છેતરાયાનો અહેસાસ  થયો હતો. આ અંગે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા ને રજૂઆત કરતા તેણે આ બનાવને   ગંભીરતા સાથે લઈ જુદી જુદી પાંચ ટીમો બનાવી શનિવારની રાતથી આ કામગીરી ‘ઠગ’ પ્રેમી યુગલનું પગેરૂ મેળવ્યું હતુ.

મૂળ જૂનાગઢની ક્રિશ્ર્ના ભરાડવા અને તેના પ્રેમી જૈનિશ પરસાણાને  ચોટીલા  ખાતેથી ઝડપી લીધા બાદ બંનેની ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પૂછપરછ  કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના  પી.આઈ.  કે.એ. વાળા સહિતના સ્ટાફે ગંભીરતા પૂર્વક કામે લાગ્યો હતો.

ભગવતીપરાનાં નંદનવન સોસાયટીના  આશિષ સીયારામ ભગતની ફરિયાદ પરથી  ક્રિશ્ર્ના ભરડવા અને જૈનિષ પરસાણા સામે છેતરપીંડી અંગેનો ગુનો નોંધ્યો છે. બંનેએ 12 જેટલા નોકરી ઈચ્છુકો પાસેથી  રૂ.15 લાખ પડાવી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

150 ફૂટ રીંગરોડ પર આવેલી હોટલ વૈભવી ઠાઠ સાથે રહેતી ક્રિશ્ર્ના ભરાડવા  એ પોતાને  પોલીસના ઉચ્ચ અધિકારીઓ  સાથે સારા સંબંધ હોવાની  અને ભરતીમાં  પોતે સેટીંગ કરાવી શકે તેમ હોવાનું   જણાવી 10 ઉમેદવારો પાસેથી રૂ.1.10 લાખ અને બે ઉમેદવારો પાસેથી રૂ.4 લાખ ખંખેર્યાની કબુલાત આપી છે.

એનઆરઆઇ યુવતી અને તેના પ્રેમીને પોલીસે સકંજામાં લઇ તપાસ કરતાં 12 યુવક પાસેથી રૂ.15 લાખ પડાવ્યાનો ધડાકો થયો હતો. ચીટરગેંગનો અનેક યુવાનો ભોગ બન્યાની અને આ કૌભાંડમાં અનેકની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શનિવારે ચાર યુવાનો તેમને રૂબરૂ મળ્યા હતા અને પોલીસમાં સીધી ભરતીના નામે તેમની પાસેથી પૈસા પડાવાયાની અને મેરિટની જાહેર થયેલી યાદીમાં તેમનું નામ નહીં હોવાની વાત કરી હતી, પળનો પણ વિલંબ કર્યા વગર જાડેજાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પાંચ ટીમ બનાવી હતી અને ભોગ બનનાર યુવકોની યાદી તૈયાર કરાવી હતી

જેમાં પ્રાથમિક તબક્કે 12 યુવાન મળી આવ્યા હતા, તમામે કહ્યું હતું કે, ક્રિષ્ના શામજી ભરડવા અને તેનો પ્રેમી જેનિશ પરસાણા જોઇનિંગ લેટરની ખાતરી આપતા હતા, અને સીધી ભરતી માટે રૂ.5 લાખ નક્કી થયા હતા, પ્રથમ તબક્કે રૂ.1.10 લાખ તમામ 12 લોકો પાસેથી મેળવ્યા હતા અને બાકીના રૂ.3.90 લાખ ઓર્ડર મળ્યા બાદ આપવાની વાત થઇ હતી. ગાંધીગ્રામ પોલીસે ક્રિષ્નાને ચોટીલાથી તથા તેના પ્રેમી જેનિશને પકડી લઇ એક કાર કબજે કરી હતી. ભોગ બનનાર તમામ યુવકોએ પોલીસ ભરતીના ફોર્મ ભર્યા હતા અને પૂરી તૈયારી પણ કરી હતી પરંતુ સીધો જ ઓર્ડર આપવાની ખાતરી આપી હોવાથી ભોગ બનનાર યુવાનો દોડવાની પરીક્ષા આપવા પણ ગયા નહોતા. આ કૌભાંડમાં અન્ય કેટલાક આરોપીઓની સંડોવણી પણ ખૂલવાના નિર્દેશો મળ્યા હતા.

છેતરપિંડીના ગુનામા સંડોવાયેલી કિષ્નાએ પતિને છુટાછેડા દીધા‘તા

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના ભરડવાએ અગાઉ પણ નોકરીના નામે અનેકને ફસાવીને પૈસા પડાવ્યા હતા, આ મામલે તેની તપાસ ચાલી રહીછે. ક્રિષ્નાની સાથે પડદા પાછળ મોટા માથાની સંડોવણીની પણ શંકા સેવાઇ રહીછે.

ક્રિષ્ના અને તેના પ્રેમી જેનીશે માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રના જ નહી પરંતુ રાજ્યભરમાંથી નોકરી વાંચ્છુકો પાસેથી નાણા ખંખેર્યાની શંકા સેવાઇ રહી છે. ક્રિષ્ના અને તેના પ્રેમીએ યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાની શંકા છે. આરોપીઓ પાસેથી તે રકમ કબજે કરવા પોલીસે કવાયત શરૂ કરી હતી.

જૂનાગઢની ક્રિષ્ના લાખો રૂપિયા પડાવી કેન્યાના બદલે પોલીસ લોકઅપમાં પહોચી

પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, જૂનાગઢની ક્રિષ્ના કેન્યા સ્થાયી થઇ હતી અને તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા, રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલી એક હોટેલમાં રહેતી હતી. જેનિશ પરસાણા સાથે સોશિયલ મીડિયાથી પરિચય થયા બાદ બંને પ્રેમસંબંધે બંધાયા હતા અને સગાઇ કરવાના હતા. નોકરીવાંછુકો પાસેથી લાખો રૂપિયા પડાવી ક્રિષ્ના કેન્યા નાસી જવાની હતી પરંતુ તે પહેલા ભાંડો ફૂટી ગયો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજાની કુનેહ સાથેની કામગીરીને ગૃહમંત્રીએ બિરદાવી

પી.એસ.આઇ. અને એલ.આર.ડી. ની ભરતીમાં ડાયરેકટ શારીરિક કસોટી આપ્યા વિના જોઇનીંગ લેટર અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી પ્રેમી યુગલને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આગવી કુનેહથી ઝડપી લઇ સમગ્ર કૌભાંડનો પહેલા પર્દાફાશની કામગીરીને ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટવીટ કરી બીરદાવી છે.