Abtak Media Google News

સોનલ, સંતોષ, સદગુરૂ, મોમાઈ, પાર્થ અને બજરંગ ચીકીમાં કોર્પોરેશનના દરોડા: ૬૭૫ કિલો ચીકિનો નાશ: વધેલી ચીકીનો ફરી ઉપયોગ કરવામાં આવતું હોવાનું પણ ખુલ્યું

શિયાળાની સીઝનમાં ઠંડા વાતાવરણમાં ચીકી ખાવાથી આરોગ્યને મોટો ફાયદો થાય છે તેવું માની ચીકી આરોગતા લોકોએ સાવધાન થઈ જવું જોઈએ તેવા સમાચાર મળી રહયા છે.રાજકોટમાં ચીકીના વેપારીઓ કચરા અને જીવાતથી ખદબદતી જમીન પર જ ચીકી બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે.રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરમાં અલગ-અલગ ૬ સ્થળોએ ચીકીના ઉત્પાદન કેન્દ્રો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ચીકી બનાવવા માટે હલકી કક્ષાની શીંગ અને અખાદ્ય શંખઝીરુ બનાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું. આટલું જ નહીં વધેલી ચીકીનો ઉપયોગ પણ ફરી કરવામાં આવતો હોવાનું જાણવા મળતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શિયાળાની સીઝન અને ઉતરાયણના તહેવારમાં ચીકીનો ઉપયોગ વધુ માત્રામાં થતો હોય ચીકીના વેપારીઓ ચીકી બનાવવા માટે કોઈ નિયમનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવતા આજે અલગ-અલગ ૬ સ્થળોએ ચીકીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ઉત્પાદન કેન્દ્રોમાં ચીકી જમીન પર બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં બનાવવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. જમીન પર કચરો અને જીવાત જોવા મળી હતી. આટલુ જ નહીં જયાં ચીકી બનાવવામાં આવતી હતી ત્યાં કારીગરો ખુલ્લા પગે ચાલતા હતા. ચીકી બનાવવા માટે અખાદ્ય શંખજીરાનો અને હલકી કક્ષાની શીંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉત્પાદન કેન્દ્રની સ્થિતિ પણ એકદમ બિન આરોગ્યપ્રદ હતી. ઉપરાંત વધેલી કે રીજેકટ થયેલી ચીકીનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો હતો.

ચેકિંગ દરમિયાન સહકાર મેઈન રોડ પર સોનલ ચીકીમાં ૧૭૦ કિલો, સંતોષ ચીકીમાં ૧૩૦ કિલો, કેશરીહિંદ પુલ પર સદગુરુ ચીકીમાં ૮૫ કિલો, મોમાઈ ચીકીમાં ૧૧૫ કિલો, પાર્થ ચીકીમાં ૭૫ કિલો અને બજરંગ ચીકીમાં ૯૦ કિલો ચીકીનો નાશ કરી તમામને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.