પ્રાકૃતિક ખેતી અપનાવી ગીર-સોમનાથના પ્રગતિશીલ ખેડૂતની આવક થઈ બમણી

જીવામૃત અને પંચગવ્ય ટપકસિંચાઇ પદ્ધતિ દ્વારા પૂરા પાડી કેરીની પ્રાકૃતિક ખેતીથી અભૂતપૂર્વ ઉત્પાદન મેળવ્યું, સરકારની વિવિધ યોજનાના પણ મળ્યા લાભો

ગુજરાતનો ખેડૂત હવે પ્રગતિશીલની સાથે જ વિકાસશીલ પણ બની રહ્યો છે જે વાતની સાક્ષી પૂરી રહ્યાં છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામના ધાર્મિકભાઈ મકાણી. ધાર્મિકભાઈ મકાણી ત્રણ વર્ષ પહેલા રાસાયણિક ખેતી કરતા હતાં પરંતુ હવે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે અને આ ખેતીના મીઠા ફળ પણ તેમને મળી રહ્યાં છે. ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો પણ તેમને વિપુલ પ્રમાણમાં લાભ મળ્યો છે, તે બદલ તેમણે સરકારનો હૃદયપુર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો. ધાર્મિકભાઈએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૌથી મુખ્ય કારણ રાસાયણિક ખેતી થતો વધુ ખર્ચ અને રાસાયણોથી આરોગ્ય તેમજ જમીનને થતું નુકસાન હતું. આ કારણોસર હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને હવે રાસાયણિક ખેતી કરતા ઓછા ખર્ચે મારી આવક પણ બમણી થઈ છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખેડૂતોને કરેલ આહ્વાન તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને અપાતા માર્ગદર્શન અને શ્રી સુભાષ પાલેકરની પદ્ધતિઓથી પ્રેરાઈને ધાર્મિક ભાઈ મકાણી દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી હતી. ધાર્મિકભાઈ ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે સાથે જ તેઓ જીવામૃત, પંચગવ્ય જેવા બહુ ઉપયોગી કુદરતી ખાતર પણ જાતે જ બનાવી રહ્યાં છે.

ધાર્મિકભાઈ પ્રાકૃતિક ખેતીની સાથે જ જમીન અને તેના બિયારણ અને પાકમાં પણ વિવિધ પ્રયોગો કરતા રહે છે. ધાર્મિકભાઈએ કેરી, ઉપરાંત પોતાના ખેતરમાં શ્યામતુલસી અને ઋતુ અનુસાર ગલગોટા પણ ઉગાડી રહ્યાં છે. ખેતરમાં થતી ખેતપેદાશોથી ચામાચીડિયા, રોઝ, ચિત્તલ અને વન્યપ્રાણીઓને દૂર રાખવા માટે તેમણે પ્રયોગ કરતા થર્મોકોલ અને કાચની બોટલના ઉપયોગ વડે તીણો અવાજ આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે. જેથી અવાજથી વન્યજીવો દૂર રહે અને પાકને નુકસાન ન પહોંચાડે. ધીરજના ફળ મીઠાં એ કહેવતને સાર્થક કરતા ધાર્મિકભાઈ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ ખરા અર્થમાં પ્રેરણાદાયક બન્યા છે.