બિટકોઇનને કાયદેસર ચલણ બનાવીને અલ સાલ્વાડોર બની શકે છે ક્રિપ્ટોના કારોબારનું પીઠું..!..!

શું કોઇપણ દેશમાં એક સાથે બે કરન્સી ચલણમાં હોઇ શકે? જ્યારથી ક્રિપ્ટો કરન્સીનો યુગ શરૂ થયો છે ત્યારથી વિશ્વભરમાં આ સવાલ ચર્ચાના ચગડોળે છે. આ એક એવો કોયડો હતો જેને વિશ્વભરના બેંકરો કેવી રીતે ઉકેલવો તેની મથામણમાં પડ્યા હતા. ભારત સરકારે હાલમાં જ ક્રિપ્ટો કરન્સીનાં કારોબાર ઉપર લગામ મુકવા મિટીંગ કરી હતી અને આગામી બજેટમાં ક્રિપ્ટોના કારોબાર ઉપર આકરો વેરો ઝિંકવાની પેરવી કરી રહી છે. ત્યારે મધ્ય અમેરિકાનો દેશ અલ સાલ્વાડોર બિટકોઇનને સત્તાવાર કરન્સી જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આમ હવે અલ સાલ્વાડોરમાં હવે અમેરિકન ડોલર ઉપરાંત બિટકોઇનનું પણ ચલણ હશે.

સતાવાર આંકડા બોલે છે કે આ નવા નિયમનાં એકાદ મહિનામાં જ હાલમાં અલ સાલ્વાડોરમાં સામાન્ય એકાઉન્ટ કરતાં બિટકોઇનનાં વોલેટની સંખ્યા વધી ગઇ છે. હવે અલ સાલ્વાડોરની સરકાર ટુંકસમયમાં વિશ્વનું સૌ પ્રથમ બિટકોઇન સીટી ઉભું કરવાની તૈયારી કરી રહી છે. જેને બિટકોઇન બોન્ડનો ચાવીરૂપ ટેકો હશે. 2022 માં સરકાર બિટકોઇન બોન્ડ ઉપર ફંડ આપવાનું શરૂ કરશે. જેના ઉપર વેટને બાદ કરતા અન્ય કોઇ કરવેરા નહીં લગાવવામાં આવે. અલ સાલ્વાડોર સૌ પ્રથમ એક અબજ ડોલરનાં બોન્ડ બહાર પાડશે. જેને બિટકોઇનનાં આધારે મુલવવામાં આવશે. આ બોન્ડનાં ચલણ મારફતે થનારી આવકમાંથી બિટકોઇન સીટી ઉભું કરવામાં આવશે.

અલ સાલ્વાડોર સરકારે અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે. સ્થાનિક ચલણમાં શિવો વોલેટ જેવી વ્યવસ્થા છે. જેમાં જમા રહેલા પૈસામાંથી તમે ખરીદી કરી શકો છો અને ડોલરમાં તેનું ચુકવણું થતું હોય છે.  હવે સરકારે દેશમાં 200 એ.ટી.એમ મશીનમાં ફેરફાર કરીને તેમાં ડોલરની કિંમત પ્રમાણે બિટકોઇનનો ઉપયોગ કરી શકાશે. શોપિંગ કે અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આ રીતે તેનો ઉપયોગ કરી શકાશે. અંહીં માલ ખરીદનાર તથા વેચનાર બન્ને પાસે ઇલેક્ટ્રોનિક ઍપ હોવું જ્રરૂરી રહેશે.   સરકારે બહાર પાડેલા જાહેરનામા અનુસાર જે કોઇ માણસ ખરીદી કરીને પેમેન્ટ કરવા માંગતો હોય તે જો બિટકોઇનમાં પેમેન્ટ કરે તો સામા માણસે તે સ્વીકારવું પડશે. પરંતુ સ્વીકારનાર માણસ જો ડોલરમાં વળતર ઇચ્છે તો શિવો વોલેટ મારફતે બિટકોઇનનું ડોલરમાં ક્ધવર્ઝન કરીને તે ડોલરમાં પેમેન્ટ મેળવી શકશે. તેથી કોઇને બિટકોઇનમાં વ્યવહાર કરવાની ફરજ પાડવામાં આવતી નથી. તેને એક વધારાનાં સુવિધારૂપ વિકલ્પ તરીકે સ્વીકારવામાં આવે છે.

સરકારે માત્ર 24 કલાકમાં બિટકોઇનનાં ચલણને સત્તાવાર જાહેર કર્યુ, આ ઉપરાંત સૌ પ્રથમવાર ડોલરમાંથી બિટકોઇનમાં વ્યવહાર કરનારને 30 ડોલર સુધીનું ખાસ વળતર ઓફર કરવામાં આવ્યું, સાથે જ બિટકોઇન સીટી ઉભું કરવાની જોગવાઇ કરવામાં આવી રહી છે. એવી તે શું મજબુરી છે કે જરૂરિયાત છે કે અલ સાલ્વાડોર સરકાર બિટકોઇનની આટલી તરફેણ કરે છે. ?

હાલમાં અલ સાલ્વાડોરમાં નાણા મોકલનારા અને વિદેશમાં વસેલા નાગરિકોને બહુ ઉંચી ટ્રાન્ઝક્શન કોસ્ટ ચુકવવી પડે છે. વળી એમાના 70 ટકા લોકો પાસે તેઓ જ્યાં વસેલા છે ત્યાં અલ સાલ્વાડોરની બેંકનાં ખાતા નથી. આંકડા બોલે છે કે વિદેશમાંથી આવતાં નાણાની રકમ દેશના જી.ડી.પી નાં 20 ટકા કરતાં પણ વધારે છે. વે બટકોઇનનો વ્યવહાર તેમને નાણા ટ્રાન્સફર કરવામાં બહુ સસ્તો પડશે.

ભારત, અમેરિકા તથા ચીન જેવા દેશો ટેરર ફંડીંગ, ગુન્હાખોરી,  હવાલા, ગેરકાનુની વ્યવહાર, નશીલા પદાર્થોના વેપાર, જેવા કારોબારમાં આ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઇ રહ્યો હોવાની ચિંતા સાથે તેને રોકવાનાં પ્રયત્નો કરી રહ્યા છે તો શું આ સમસ્યા અલ સાલ્વાડોરને નહીં નડે? સ્પષ્ટ જવાબ છે, ખાસ નહીં. કારણ કે આમેય તે અમેરિકાનાં દેશોમાં અલ સાલ્વાડોર માંડ 4131 ડોલરનાં જી.ડી.પી. સાથે ટોપ-5 ગરીબ દેશોમાં આવે છે. દેશની મુખ્ય આવક ખાંડ તથા કોફીના ઉત્પાદન ઉપર જ સિમીત છે. દેશની આશરે 40 ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે.

ઉદાહરણ જોઇએ તો ભારતની 6.7 ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ છે. જ્યાં ગરીબી વધારે હોય ત્યાં ક્રાઇમ રેટ પણ ઉંચો હોઇ શકે છે. અલ સાલ્વાડોરમાં પણ એવું જ છે. છેલ્લા બે દાયકામાં આ દેશ રહેવા માટે વિશ્વનાં સૌથી જોખમી દેશ માનો એક ગણાતો હતો. દેશની રાજધાની સાન સાલ્વાડોર વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી જોખમી શહેર હતું. છેલ્લા ત્રણ વર્ષથી સ્થિતીમાં થોડો સુધારો થયો છે.  હવે આમે ય જ્યારે તમે નામચીન છો ત્યારે બિટકોઇનનાં આવવાથી શું ફરક પડી જવાનો? કદાચ એવું પણ બને કે ડ્રગ માફિયાઓની લોબીઐ અલ સાલ્વાડોર ઉપર દબાણ લાવીને ક્રિપ્ટોને કાયદેસર સ્વરૂપ આપાવ્યું હોય..!? પરંતુ હા, આનાથી સરકારની તિજોરીને ફાયદો થઇ શકે છે કારણ કે હવે બિટકોઇનને ડોલરમાં તબદીલ કરનારાઓનો અલ સાલ્વાડોરમાં રાફડો ફાટશે.