Abtak Media Google News

ઉદ્વવે સત્તા માટે હિન્દુત્વ છોડ્યુ, ભાજપે હિન્દુત્વ માટે સત્તા છોડી !

  • મહારાષ્ટ્રની ગાદી સાચા શિવસૈનિક એવા એકનાથ શિંદેને સોંપી ભાજપે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા: શિસ્તબદ્વ પાર્ટીના આજ્ઞાકારી સૈનિક એવા દેવેન્દ્ર ફડણવીસે હાઇકમાન્ડનો આદેશ શિરોમાન્ય ગણી નાયબ મુખ્યમંત્રી પદનો સહર્ષ સ્વીકાર કર્યો
  • એકનાથને મહારાષ્ટ્રના નાથ બનાવવાની રાજકીય વ્યૂહરચના ભાજપને બીએમસી અને લોકસભા-2024ની ચૂંટણીમાં મબલખ ફાયદો કરાવશે: ઠાકરે પરિવાર, એનસીપી અને કોંગ્રેસ હવે અસ્તિત્વ માટે તડપશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ હાલ ભાજપના સર્વેસર્વા મનાઇ રહ્યા છે. આ બંને નેતાઓ ક્યારેય શું કરે તે કહેવું તો ઠીક કડવું પણ એક મોટા પડકારથી કમ નથી. પ્રખર હિન્દુવાદી પાર્ટી હોવાની છબી ધરાવતી શિવસેનાના સુપ્રિમો ઉદ્વવ ઠાકરેએ આજથી 31 મહિના પહેલા માત્રને માત્ર સરકાર બનાવવા માટે હિન્દુત્વને છોડી દીધું હતું. જ્યારે બીજી તરફ વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપે પોતાની હિન્દુવાદી છબીને વધુ મજબૂત બનાવવા હિન્દુત્વ માટે સત્તા છોડી દીધી છે. માત્ર 50 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતા એવા શિવસેનાના સાચા સૈનિક અને પ્રખર હિન્દુવાદી નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવી ભાજપે પોતાના ઉજળા રાજકીય ભવિષ્યનું વાવેતર કરી દીધું છે. મોદી અને શાહની જોડીએ આપેલી સરપ્રાઇઝ ભાજપ માટે આગામી અઢી દાયકા સુધી ફાયદાકારક નીવડશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 2019માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધન સાથે મેદાનમાં ઉતર્યું હતું. જેમાં જનતાએ આ બંનેની યુતીને સ્પષ્ટ જનાદેન આપ્યો હતો. પરિણામ બાદ ઉદ્વવ ઠાકરેએ માત્રને માત્ર સત્તાની લાલચમાં ભાજપ સાથે વિશ્ર્વાસઘાત કર્યો અને હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતી એનસીપી અને કોંગ્રેસ સાથે અકુદરતી ગઠબંધન કરી મહારાષ્ટ્રની ગાદી હાંસલ કરી લીધી હતી. મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા 31 મહિનાના કાર્યકાળમાં સતત હિન્દુ વિરોધી કામગીરી કરવામાં આવતી હોવાના કારણે સાચા શિવસૈનિકોના દિલ સતત દુભાતા હતા. એક સમયે બાલા સાહેબ ઠાકરેનો ડાબો હાથ ગણાતા એકનાથ શિંદેએ એમવીએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને એનસીપી તથા કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી ભાજપ સાથે હાથ મિલાવી સરકાર રચવા ઉદ્વવ ઠાકરેને જણાવ્યું હતું. જો કે ઉદ્વવ સરકાર છોડવા તૈયાર થઇ ગયા હતા પરંતુ એનસીપી અને કોંગ્રેસ છોડી શક્યા ન હતા. બુધવારે રાત્રે ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું.

દરમિયાન ગઇકાલે એકનાથ શિંદેએ ભાજપના સમર્થન સાથે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. છેલ્લી ઘડી સુધી એવું માનવામાં આવતું હતું કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે અને નાયબ મુખ્યમંત્રીનો તાજ એકનાથ શિંદેના શીરે મુકવામાં આવશે. પરંતુ હમેંશા આશ્ર્ચયજનક નિર્ણય લેવા માટે જાણિતી મોદી અને શાહની જોડીએ દેશવાસીઓ ત્યારે ચોંકી દીધા હતા જ્યારે મહારાષ્ટ્રની ગાદી સાચા શિવસૈનિક એકનાથ શિંદેને સોંપી દીધી હતી. ભાજપનો આ નિર્ણય માત્ર અઢી વર્ષ માટે રાજકીય લાભ ખાટવા માટેનો નહિં પરંતુ 25 વર્ષ સુધી ઉજળા અને મબલખ પરિણામનું વાવેતર કરવા માટેનો છે. એકનાથને ગાદી સોંપી ભાજપેએ ચરિતાર્થ કરી દીધું છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ સરકાર તોડી પાડવા પાછળ તેઓની સત્તા લાલસા સામેલ નથી. માત્રને માત્ર રાજ્યમાં હિન્દુવાદી સરકાર બને તે માટે તેઓએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપ્યું છે. સાથોસાથ શિવસૈનિકોને પણ એક મેસેજ આપી દીધો છે કે ભાજપે મહારાષ્ટ્ર શિવસેનાની સરકારને તોડી નથી. ઉદ્વવ ઠાકરે ચોક્કસ ઘર ભેગા થઇ ગયા છે પરંતુ રાજ્યમાં એક સાચા હિન્દુવાદી નેતા અને શિવસૈનિકની સરકાર બની છે.

સરકાર બચાવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલા ઉદ્વવ ઠાકરે સામે ભાજપે હવે શિવસેના બચાવવા માટેનો પણ પડકાર ઉભો કરી દીધો છે. બીજી તરફ જે શિવસેનાને ઠાકરે પરિવારની માનવામાં આવતી હતી. તેને ઠાકરે મુક્ત બનાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. ભાજપે એકનાથને ગાદી સોંપી ફરી એકવખત હિન્દુત્વના મુદ્ે તેઓ 1 + 1 = અગિયાર હોવાનું પૂરવાર કરી દીધું છે. આગામી દિવસોમાં મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. દેશના અનેક રાજ્યો કરતા બીએમસીનું વાર્ષિક બજેટ ખૂબ જ કદાવર હોય છે. આટલું જ નહિં મુંબઇને દેશની આર્થિક રાજધાની માનવામાં આવે છે. છેલ્લા 45 વર્ષથી બીએમસી પર શિવસેનાનો કબ્જો છે. હવે જ્યારે ભાજપે એકનાથને સીએમની ખુરશી સોંપી છે ત્યારે બીએમસી પર પણ ભાજપનો વાવટો લહેરાય તેવું મનાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. 2024માં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 400થી બેઠકો જીતવાનો બુલંદ ઇરાદો ધરાવે છે. આવામાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાને 40થી વધુ બેઠકો મળે તો આ લક્ષ્યાંક આસાનીથી હાંસીલ કરી શકાય તેમ છે.

જો શિવસેનાની અલગ રહી ભાજપ ચૂંટણી લડે તો લોકસભામાં નુકશાની થવાની ભીતી પણ દેખાઇ રહી હોય ભાજપે લોકસભાની ચુંટણીને ધ્યાને રાખીને શિંદેની મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.

આ નિર્ણય માત્ર અઢી વર્ષને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો નથી. પરંતુ ઓછામાં ઓછો અઢી દાયકાને રાખી લેવાયો છે. જો મહારાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત બનાવવું હોય તો શિવસેના અને ખાસ કરીને ઠાકરે પરિવારની પકડ ઓછી કરવી પડે તેમ હતી. જે ભાજપે શિંદેની મુખ્યમંત્રી બનાવી વ્યૂહરચનાનો આરંભી દીધી છે. જ્યારે બાલા સાહેબ ઠાકરેનો સૂરજ મધ્યાહને તપી રહ્યો હતો ત્યારે રાજ ઠાકરેને તેઓના સાચા વારસદાર માનવામાં આવતા હતા અને શિંદે તેઓના ડાબા હાથ ગણાતા હતા.

ઉદ્વવ ઠાકરે માત્ર બાલા સાહેબના પુત્ર હોવાના નાતે ખુરશી પર સવાર થઇ ગયા હતા. હિન્દુત્વ માટે મહારાષ્ટ્રની સત્તા છોડી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી ભાજપે એક કાંકરે અનેક શિકાર કર્યા છે.

  • ઉદ્વવે સરકાર, શિવસેના, વિચારધારા અને વિરાસત તમામ ગુમાવ્યું
  • હવે ઠાકરે પરિવાર માટે શિવસેના બચાવવી સૌથી મોટો પડકાર

Untitled 1 13

માત્રને માત્ર સત્તાની લાલચમાં પોતાની રાજકીય પાર્ટીથી તદ્ન વિપરીત વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરી 31 મહિના સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેનાર ઉદ્વવ ઠાકરે માત્ર સરકાર નથી ગુમાવી પરંતુ તેઓએ ઠાકરે પરિવારની વિરાસત ગુમાવી દીધી છે. શિવસેના એટલે ઠાકરે એવું માનવામાં આવે છે. કોંગ્રેસ પર જેટલું વર્ચસ્વ ગાંધી પરિવારનું નથી તેનાથી અનેકગણું વર્ચસ્વ શિવસેના પર ઠાકરે પરિવારનું છે અને ખાસ કરીને મહારાષ્ટ્રના લોકો શિવસેનાના દિલથી પ્રેમ કરી રહ્યા છે. ભાજપ સાથે અઢી દાયકા જૂનો સંબંધ માત્ર સત્તાની લાલચમાં એક ઝાટકે તોડી નાંખનાર ઉદ્વવ ઠાકરેએ સરકાર સાથે શિવસેના હિન્દુવાદી વિચારધાર અને બાલા સાહેબ ઠાકરેની રાજકીય વિરાસત ગુમાવી દીધી છે. માત્રને માત્ર બાલા સાહેબના પુત્ર હોવાના કારણે એકપણ ચૂંટણી જીત્યા ન હોવા છતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા હતા. તેઓના પુત્ર આદિત્યનો સૂર્યોદય થાય તે પહેલા જ સૂર્યાસ્ત થઇ ગયો છે. શિવસેનાના 55 પૈકી 39 ધારાસભ્યો શિંદે જૂથમાં સામેલ થઇ ગયા છે. જે સાબિત કરે છે કે હવે ઠાકરે પરિવાર માટે સૌથી મોટો પડકાર શિવસેનાને બચાવવાનો રહેશે કારણ કે એકનાથ શિંદે સહિતના તમામ ધારાસભ્યો એવું કહી રહ્યા છે કે અમે સાચા શિવસૈનિકો છીએ. બાલા સાહેબની વિચારધારાને વધુ મજબૂત બનાવવા માટે અમે અવાજ ઉઠાવ્યો હતો, ખરેખર તેઓની વાતમાં દમ પણ છે કારણ કે શિંદે જૂથના ધારાસભ્યોએ ક્યારેય ઉદ્વવ સરકારને તોડવાની વાત કરી નથી. માત્રને માત્ર એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવવાની વાત કરી હતી.

  • દેવેન્દ્ર ફડણવીસ ભાજપના કાર્યકરો માટે મોટી પ્રેરણાસ્ત્રોત

Screenshot 2

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે અગાઉ બે વખત સત્તારૂઢ રહેલા ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસ કરોડો બીજેપી કાર્યકર્તાઓ માટે ગઇકાલે એક મોટી પ્રેરણા બની ગયા છે. સામાન્ય રીતે મુખ્યમંત્રીની ખુરશી સ્વભાવના નેતા ભવિષ્યમાં ક્યારેય નાયબ મુખ્યમંત્રી કે મંત્રી પદ સ્વિકારતા હોતા નથી. કારણ કે આ ઘટનાને તેઓનું ડિમોશન માનવામાં આવે છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા જ્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેંને બેસાડવા ત્યારે છેલ્લી ઘડી સુધી સીએમ પદ માટે પોતે પ્રબળ દાવેદાર હોવા છતા દેવેન્દ્ર ફડણવીસે પક્ષના આ નિર્ણયનો સ્વિકાર કર્યો સાથોસાથ શિંદેના નામની દરખાસ્ત પણ તેઓએ કરી જે સૌથી મોટી વાત છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફડણવીસને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બને તે માટે અપિલ કરી ત્યારે તેઓએ પક્ષના એક સામાન્ય કાર્યકર્તા તરીકે હાઇકમાન્ડનો આ આદેશ શિરોમાન્ય ગણી અગાઉ મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા હોવા છતાં નાયબ મુખ્યમંત્રી પદ સ્વિકારી લીધું, તેઓની પક્ષ પ્રત્યેની આ ભાવનાનો ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરાહના કરી હતી અને ભાજપના કરોડો કાર્યકરો માટે દેવેન્દ્ર ફડણવીસ એક મોટી પ્રેરણા હોવાનું ટ્વીટ કર્યું હતું. મહારાષ્ટ્રના રાજકારણમાં દેવેન્દ્ર ફડણવીસને ખૂબ મોટા નેતા માનવામાં આવે છે. તેઓએ જે રીતે નાયબ મુખ્યમંત્રી પદનો સ્વિકાર કર્યો તેનાથી તેઓના કદમાં ઘટાડો નહિં પરંતુ ઉલ્ટાનો વધારો થયો છે. ભાજપની વિચારસરણી ધરાવતા લોકોના મનમાં તેઓનું માન ખૂબ જ વધી ગયું છે.

મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે ‘અબતક’ના તમામ અહેવાલો સચોટ પુરવાર

Untitled 1 14

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.