Abtak Media Google News

પૈસાની તંગીથી જન જીવન અતિ પ્રભાવિત : દેશનું અર્થતંત્ર 30 ટકા જેટલું ખત્મ થઈ જશે તેવો નિષ્ણાંતોનો મત

અફઘાનિસ્તાનમાં તાલિબાનના સાશનથી વરવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાંના મોટી સંખ્યાના નાગરિકોના જીવ પૈસાની તંગી અને ભૂખમરાની ભીતિ વચ્ચે જોખમમાં મુકાઈ ગયા છે. નિષ્ણાંતોના મતે આગામી માર્ચ સુધીમાં દેશની 97 ટકા વસ્તી ગરીબી રેખા નીચે આવી જવાની છે.વધુમાં ટૂંક.જ સમયમાં દેશનું અર્થતંત્ર 30 ટકા જેટલું ખત્મ થઈ જશે તેવો પણ મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

નિષ્ણાંતોના મતે કોઈ દેશને આટલો મોટો આર્થિક ઝટકો આજ સુધી લાગતો નથી તેટલો ઝટકો અફઘાનિસ્તાનને લાગ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું કહેવું છે કે, અફઘાનિસ્તાનનું અર્થતંત્ર 30 ટકા સુધી ખતમ થઈ જશે. હજારો સરકારી કર્મચારીઓને અનેક મહિનાથી પગાર નથી મળ્યો. યુએનના એક વિશ્લેષકના મતે, આગામી વર્ષના મધ્ય સુધી 97 ટકા અફઘાનો ગરીબી રેખાની નીચે આવી જશે. મજાર-એ-શરીફ અને બીજા શહેરોમાં હજારો લોકો ચાર રસ્તા પર પાવડા-કોદાળી લઈને મજૂરીની શોધમાં જોવા મળે છે. તેમાંથી મોટા ભાગના લોકો પાસે એક સમયના ભોજનના પણ પૈસા નથી હોતા.

તાલિબાન શાસનના ત્રીજા જ મહિને અફઘાનિસ્તાનનું અર્થતંત્ર ધરાશાયી થઈ ગયું છે. આ દેશ સૌથી બદતર માનવીય સંકટની ચપેટમાં છે. પહેલાની સરકારને મદદમાં મળતા અબજો રૂપિયાની વિદેશી સહાય હવે બંધ છે. સરકારની બેંકોમાં પડેલી રોકડ ફ્રીઝ છે. આર્થિક પ્રતિબંધોથી નવી સરકાર વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાંથી બહાર છે. અફઘાનિસ્તાનમાં રોકડની અછતથી બેંકો લાચાર છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવ આસમાને છે. ભૂખમરાનું સંકટ છે. આ મહિને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી હતી કે, દેશમાં વર્ષના અંત સુધી 32 લાખ બાળકો કુપોષણનો શિકાર થવાની આશંકા છે.

શિયાળામાં જ દસ લાખ બાળકોના મોત થઈ શકે છે. રાજધાની કાબુલમાં હતાશ પરિવારો ભોજન ખરીદવા ઘરનું ફર્નિચર વેચી રહ્યા છે. મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલો પાસે જરૂરી દવાઓ અને મેડિકલના સાધનો ખરીદવા કે ડોક્ટરો, નર્સોને પગાર આપવા પૈસા નથી. તેમાંના અનેકે નોકરી છોડી દીધી છે. મોટા ભાગના લોકોએ ઈરાન, પાકિસ્તાનમાં શરણ લીધી છે.

હાલમાં જ અમેરિકા અને યુરોપિયન યુનિયને અફઘાનિસ્તાન અને તેના પાડોશી દેશોમાં અફઘાન શરણાર્થીઓ માટે રૂ. નવ હજાર કરોડ આપવાનું વચન આપ્યું છે. જોકે, અર્થશાસ્ત્રી અને આર્થિક સહાય કરતી સંસ્થાઓ કહે છે કે, જો અર્થતંત્ર ધરાશાયી થવાનું ચાલુ રહેશે, તો ફક્ત પૈસા આપવાથી આ મુશ્કેલીનો ઉકેલ નહીં આવે. યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામના અબ્દુલ્લા દરદારી કહે છે કે, કોઈ દેશની સિસ્ટમ ખતમ થઈ ગયા પછી તેની જરૂરિયાતો પૂરી કરવા માટે તેને ફરીથી ઊભો કરવો સરળ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.