- કોર્પોરેશન મુખ્ય પાંચ પદાધિકારીઓ વચ્ચે જામતું નથી: એકાબીજાને પાડી દેવાની ભેદી વ્યૂહરચના
- કોઇને અણ આવડત નડે છે તો કોઇને હું જ સર્વસ્વ હોવાનો અહંમ: અમૂક હાજરી પુરવા પુરતા જ ચેમ્બરમાં ડોકાય છે તો કેટલાકને સાઇડ લાઇન કરી દેવાયાનો વસવસો: સમિતિ ચેરમેનોનો હરિરસ પણ ખાટો
- મહાકુંભ યાત્રામાં સરકારી ગાડીના ઉપયોગ બાદ વિવાદ ઉભો થતા મેયર નયનાબેન પેઢડિયા પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ કરવાની ચીમકી ઉચ્ચારતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે મોંઢુ સીવી લીધું ‘નો-કોમેન્ટ’નો મંત્ર
શિસ્તની દુહાઇ દેતી અને પોતાને કેડર બેઇઝ રાજકીય પાર્ટી ગણાવતી ભાજપમાં હવે જાણે અવિશ્ર્વાસની આગે જોરદાર સ્વરૂપ હાંસલ કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સામે કેટલાકે અસંતોષનો ઝંડો ઉપાડ્યો છે તો હવે કોર્પોરેશનમાં પણ મુખ્ય પદાધિકારીઓ વચ્ચે બરાબરની જામી હોય તેવો ગરમા ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. વરણી થઇ ત્યારથી લઇ અત્યાર સુધી કોર્પોરેશનના મુખ્ય પાંચ પદાધિકારીઓ વચ્ચે બરાબર જામતું ન હોવાનું અને સંકલનનો અભાવ હોવાની વાત જગ જાહેર છે. હવે મુખ્ય બે પદાધિકારીઓ રિતસર આમને-સામને આવી ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજ કુંભમેળામાં શાહી સ્નાન કરવા ગયેલા શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડિયા સરકારી ગાડી લઇને કુંભમેળામાં પહોંચતા વિવાદનું વાવાઝોડું ફાટી નીકળ્યું છે. નજીવા ભાડાનો ઇશ્યૂ જાણી જોઇને ઉભો કરવામાં આવ્યો હોવાની શંકા મેયરને ભારોભાર વર્તાઇ રહી છે. મેયરે પ્રદેશમાં આ અંગે ધગધગતો રિપોર્ટ કરવાની ચીમકી ઉચ્ચારતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે મોંઢુ સીવી લીધું છે. ન બોલ્યામાં નવ ગુણ એમ તે કહેવત મુજબ ‘નો-કોમેન્ટ’નો મંત્ર અપનાવી લીધો છે.
રાજકોટ શહેર ભાજપ માત્ર ગુજરાત જ નહિં પરંતુ દેશભરમાં ભાજપના કાર્યકરો માટે એક આદર્શ સંગઠન માળખું ગણવામાં આવતું હતું. પરંતુ જેમ-જેમ પાર્ટી મોટી અને મજબૂત થતી ગઇ તેમ-તેમ પક્ષમાં અસંતોષનું પણ બીજ રોપાય જે હવે વટ વૃક્ષ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના અનેક પૂર્વ પદાધિકારીઓ પોતાને હોદ્ાની રૂએ મળતી સરકારી ગાડી લઇને ગુજરાતની બહાર યાત્રા પ્રવાસે ગયા હોવાના અનેક દાખલા છે. પરંતુ મેયર નયનાબેન પેઢડિયા સરકારી ગાડી લઇ મહાકુંભ મેળામાં ગયા હતા. જેને વિવાદનું રૂપ આપી દેવામાં આવ્યું છે. સરકારી ગાડી જો કોઇ પદાધિકારી રાજ્યની બહાર લઇ જાય તો રૂ.2 ભાડું ચુકવવો પડે તેવો ઠરાવ છે. વાસ્તવમાં આવો કોઇ જ ઠરાવ કર્યો નથી. સરકાર દ્વારા 2022માં અલગ-અલગ ફ્યુલની મોટરકારનો કિલોમીટર દીઠ ચાર્જ નક્કી કરી દેવામાં આવ્યો છે. જે મુજબ મેયરે કુંભ યાત્રાથી પરત ફરતાની સાથે જ ચાર્જ પણ ભરપાઇ કરી દીધો હતો. નજીવા ભાડાને લઇને જાણી જોઇને વિવાદ ઉભો કરાયો હોવાની મેયરને ભારોભાર શંકા છે. આ અંગે તેઓએ ગઇકાલે પ્રદેશમાં રિપોર્ટ કરવાની ચીમકી ઉચ્ચારી લીધી હતી. પ્રયાગ યાત્રાને લઇ કોર્પોરેશનના બે પદાધિકારીઓ વચ્ચે બરાબરની જામતા વિવાદે રાજ્યવ્યાપી સ્વરૂપ પકડી લીધું છે. જેમાં હવે ઢાંક પીછોડા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મેયરે આજે એક નિવદેનમાં એવું જણાવ્યું હતું કે ચીફ ફાયર ઓફિસરે ભાડા અંગે ખોટી માહિતી આપતા વિવાદ ઉભો થયો છે. જેને હવે પૂરો કરવો જોઇએ. જયમીન મારા નાના ભાઇ છે અને હું તેમની મોટી બહેન છું. હવે આ વિવાદનો અંત લાવીએ. મેયરનું આ નિવેદન પક્ષના આદેશ બાદ આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર પણ આ વિવાદને વધુ વેગ ન મળે તે માટે સક્રિય બન્યા છે. મેયરના મહાકુંભ યાત્રા અને મોટરકારના ભાડાના વિવાદ મામલે કશું જ નિવદેન આપવા માટે તૈયાર નથી. તેઓ જણાવી રહ્યા છે કે આ મુદ્ે હવે મારે કશું જ કહેવાનું થતું નથી. હાલ પૂરતો આ વિવાદ શાંત પડી ગયો છે. પરંતુ તેની વ્યાપક અસરો પક્ષને ભોગવવી પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે કોર્પોરેશનની ચુંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે. દોઢ વર્ષમાં કોર્પોરેશનના મુખ્ય પાંચ પદાધિકારીઓએ સાથે બેસીને શહેરીજનો જોગ કોઇ મહત્વની જાહેરાત કરી નથી. વાત આટલેથી અટકતી નથી. વર્તમાન બોડીના અંતિમ બજેટ મંજૂર કરાયું ત્યારે પત્રકાર પરિષદમાં મેયર અને ડેપ્યૂટી મેયરની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. કોર્પોરેશનના પદાધિકારીઓ પૈકી અમૂકને પોતાની વહિવટી અણ આવડત નડી રહી છે તો અમૂક પોતાને સર્વસ્વ માની રહ્યા છે. જે અહંમ ભાજપને નુકશાન કરી રહ્યો છે. અમૂક પદાધિકારી માત્ર નામ પૂરતા ચેમ્બરમાં આવે છે તો અમૂકને પોતાને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા હોવાનો વસવસો દેખાઇ રહ્યો છે. 15 પેટા સમિતિઓના ચેરમેન પણ નિયમિત ડોકાતા નથી. તમામ બાબતોનો ઉપસહાર જોવામાં આવે તો સરવાળે કેડર બેઇઝ ગણાતી ભારતીય જનતા પાર્ટીને નુકશાન જઇ રહ્યું છે.
ગેરસમજના કારણે વિવાદ ઉભો થયો હતો: શહેર ભાજપ મુકેશ દોશી
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે મેયર નયનાબેન પેઢડિયા સરકારી ગાડી લઇને કુંભમેળામાં ગયા હતા. તેઓએ નિયમ મુજબ મ્યુનિ.કમિશનરની મંજૂરી લીધી હતી. યાત્રા પૂર્ણ થયા બાદ સરકારના નિયમ મુજબ તેઓએ ભાડું પણ ભરી દીધું છે. ભાડા અંગે જે વિવાદ ઉભો થયો છે તે અધિકારીએ આપેલા ખોટા આંકડાના કારણે ઉભી થયેલી ગેરસમજના હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ હમેંશા શિસ્તમાં માને છે. આવામાં હાલ વિવાદનો અંત આવી ગયો છે. જરૂર પડશે તો અમે લોકો સાથે બેસી સુખદ સમાધાન કરાવીશું. કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓ વચ્ચે સંકલન ન હોવાની વાત પાયા વિહોણી છે.
ઇન્ચાર્જ સીએફઓ અમિત દવેએ ભૂલ સ્વીકારી
કોર્પોરેશનના કોઇ પદાધિકારી ગુજરાત બહાર સરકારી ગાડી લઇ જાય તેનું ભાડું કેટલું ચુકવવું તેના ખોટા આંકડા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ આપતા કોર્પોરેશનના મુખ્ય બે પદાધિકારીઓ વચ્ચે વિવાદનું વાવેતર થયું હતું. સરકારી ગાડી ગુજરાત બહાર જાય તો પ્રતિ કિલોમીટર રૂ.2 ભાડું ચુકવવાનું થાય છે. તેવું પત્રકારોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા 2022માં જે નિયમ ઘડવામાં આવ્યો છે. તેમાં જો સીએનજીવાળી ગાડી લઇ જવામાં આવે તો પ્રતિ કિલોમીટર રૂ.8, ડિઝલ સંચાલિત કાર લઇ જવામાં આવે તો પ્રતિ કિલોમીટર રૂ.10 અને પેટ્રોલવાળી ગાડી ગુજરાતની બહાર લઇ જવામાં આવે તો પ્રતિ કિલોમીટર રૂ.12 ભાડું ચુકવવું પડે છે. મેયરે મહાકુંભ યાત્રા પૂર્ણ કર્યા બાદ જે સરકારી ગાડી 3478 કિલોમીટર ચાલી હતી. તેનું નિયમ મુજબ રૂ.34,780 કોર્પોરેશનમાં જમા કરાવી દીધા હતા. ચેરમેનને ભાડા અંગેની માહિતી આપવામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની ભૂલ થઇ ગઇ હતી. આજે તેઓએ લેખિતમાં પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો છે. બીજી તરફ મેયરે મોટું મન રાખી સમગ્ર વિવાદનો આજથી અંત આવે છે તેવી ઘોષણા કરી દીધી હતી.
- જયમીનભાઇ મારા નાના ભાઇ સમાન, હવે વિવાદનો અંત લાવીએ છીએ: મેયર
- અધિકારીઓએ ખોટા આંકડા આપતા વિવાદ ઉભો થયો હતો: નયનાબેનની નિખાલસતા
કોર્પોરેશનના મુખ્ય બે પદાધિકારી મેયર નયનાબેન પેઢડિયા અને ખડી સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર આમને-સામને આવી ગયા હોય તેવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે મેયરે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે જયમીનભાઇ મારા નાના ભાઇ સમાન છે અને હું એમની મોટી બહેન છું. અમારા વચ્ચે કોઇ જ વિવાદ છે નહિં. અધિકારીઓએ ખોટા આંકડા આપતા ગાડીના ભાડાને લઇ વિવાદ ઉભો થયો હતો. ચીફ ફાયર ઓફિસરે આ અંગે લેખિતમાં ખુલાસો કરતા વિવાદનો અંત આવી ગયો છે. હવે આ વાત અહિં જ પૂર્ણ કરવી જોઇએ તેમ કહી નયનાબેને સમગ્ર વિવાદને ઠંડો પાડી દેવાનો પ્રયાસ કર્યો છે. ફાયર ઓફિસર અમિત દવેએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.સ્ટેન્ડિંગ ચેરમેનને સીએફઓ અમિત દવેએ માહિતી આપી હતી. અમારી વચ્ચે કોઈ મનદુ:ખ છે નહીં. લેખિતમાં અમિત દવેએ પોતાની ભૂલ સ્વિકારી લીધી છે. મેયર વધુમાં ઉમેર્યું હતું કે, હું જાહેર જીવનમાં વર્ષો હથી છું. પાટીદાર સમાજ જ નહીં હું સર્વ સમાજને સાથે લઈને ચાલુ છું. પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે. પાટીદાર સમાજ મોટો સમાજ છે અને સમજુ સમાજ છે. પાટીદાર સમાજ માંથી છું એટલા માટે જ મને પાર્ટીએ મેયરનું પદ આપ્યું છે.મારા અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે કોઈ જ વિવાદ નથી.ગેર સમજને કારણે આ મુદ્દો ઉઠ્યો હતો.પાર્ટી લેવલે પણ સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર પ્રમુખ સાથે સંકલનમાં છું.