Abtak Media Google News

વકરતી ટ્રાફિક સમસ્યા નિવારવા અંતે તંત્રવાહકો મેદાને

મોરબી : મોરબીમાં દિનપ્રતિદિન વિકરાળ બની રહેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે નટરાજ ફાટક સહિતના સ્થળોએ ઓવરબ્રિજ બનાવી શકાય કે કેમ તે અંગે અંતે જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને પાલિકા સહિતના તંત્રવાહકોએ સર્વેક્ષણ કરી સરકારમાં રિપોર્ટ મોકલવા તજવીજ હાથ ધરી છે.

મોરબી શહેરનો વિકાસ વધતા ટ્રાફિક ભારણ ખૂબ જ વધ્યું છે, આયોજન વગરના વર્ષો જુના હયાત માર્ગોને પહોળા કરવા અશક્ય છે ત્યારે નટરાજ ફાટક સહિતના સતત ટ્રાફિકવાળા વિસ્તારમાં ટ્રાફિક હળવો કરવા અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવા માંગણી ઉઠી રહી છે.

જેને પગલે જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીડીઓ  એસ.એમ.ખટાણા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને પંચાયત વિભાગના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા જુદી – જુદી જગ્યાની વિઝીટ લઈ સર્વે કર્યો હતો.

વધુમાં નટરાજ ફાટક પાસે અંડરબ્રિજ મંજુર થઈ ગયો છે ત્યારે અહીં ઓવરબ્રિજ શક્ય છે કે કેમ ? તે શક્યતા ચકાસી સામાંકાંઠે પોસ્ટ ઓફીસ નજીક ફાટક પહોળું કરવું, શોભેશ્વર રોડ ને પહોળો કરી ઓવરબ્રિજ બનાવવા સહિતના પાસાઓ ચકાસવામાં આવ્યા હતા અને આ બાબતે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવનાર હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.