Abtak Media Google News

૩૫૦+ રન કરી કિવિઝને દબાણમાં લાવવાનો ટીમ ઇન્ડિયાનો લક્ષ્યાંક

કાનપુરમાં રમાઈ રહેલી ઇન્ડિયા-ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ માનસિક રીતે તૂટી પડી હોય તેવી રીતે રમી રહી છે. ક્રિકેટ ઇઝ એ મેન્ટલ ગેમ અને જ્યારે માનસિક સ્થિતિ નબળી બને તો ચોક્કસ ટીમને હારનો સામનો કરવો પડતો હોય છે. ટી-૨૦ સિરીઝમાં ભારતે આપેલી ક્લીનસ્વીપને કારણે કિવિઝની ટીમ સતત દબાણમાં ભીંસાઈ રહી છે અને પરિણામે કિવિઝની ટીમ નેગેટિવ રમત રમવા મજબૂર થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ ટીમના બોલર્સ હવે વિકેટ લેવા નહીં પરંતુ બેટ્સમેન બોલને સ્પર્શ ન કરી શકે તેવી રીતે ત્રીજા સ્ટમ્પ પર બોલિંગ કરી રહ્યા છે જે માનસિક નબળી બનેલી સ્થિતિનું સૂચક છે. આ પિચ પર જો ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ૩૨૫+ રન કરી લે તો ચોક્કસ ન્યુઝીલેન્ડની ટીમને લક્ષ્ય હાંસલ કરવામાં ધોળા દિવસે તારા દેખાઈ જશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેના પહેલા દિવસે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયાએ ૪ વિકેટના નુકસાને ૨૫૮ રન કર્યા હતા. આ સ્કોરને આગળ વધારવા ટીમ ઈન્ડિયા આજે બીજા દિવસે મેદાનમાં ઉતરી છે.

બીજા દિવસે ૨૫૮ના સ્કોરથી આગળ વધતા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઉલ્લેખનીય છે કે બીજા દિવસની પહેલી જ ઓવરમાં જ ન્યૂઝીલેન્ડે જાડેજા વિરૂદ્ધ એલબીડબ્લ્યુની અપીલ કરી હતી જેને અમ્પયારે નકારી કાઢી હતી. તેવામાં કીવી ટીમે ડીઆરએસનો ઉપયોગ કરી આ નિર્ણયને પડકાર્યો હતો. જોકે આ સમયે બોલ સ્ટમ્પ લાઈનની ઉપર હોવાથી જાડેજાને નોટઆઉટ જાહેર કરાયો હતો.

જોકે જાડેજા ત્યારપછી સારુ નહોતો રમી શક્યો અને સાઉદીની ઓવરમાં તે બોલ્ડ થયો હતો. તેણે ૧૧૨ બોલમાં ૫૦ રન કર્યા હતા.પહેલા દિવસે ઈન્ડિયન કેપ્ટન રહાણે પણ ડીઆરએસથી બચ્યા પછી બીજા બોલ પર બોલ્ડ થયો હતો. ૫મી વિકેટ માટે જાડેજા અને શ્રેયસ અય્યર વચ્ચે ૨૨૬ બોલમાં ૧૨૧ રન જોડ્યા હતા.

બીજા દિવસે ઈન્ડિયન ટીમ ઓછામાં ઓછા ૩૫૦+ રનના સ્કોરના આંકડાને પાર કરવા પ્રયત્ન કરશે. આના માટે શ્રેયસ અને તેની સાથે અન્ય એક પ્લેયરે ટકી રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર ૩૬૦+ રનનો છે અને જેમ દિવસે વિતશે તેમ પિચ સ્લો થતી જશે અને સ્પિનર્સ ગેમમાં આવી જશે. જેનાથી કીવી બેટર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

કીવી ટીમ પાસે કાઈલ જેમિસન અને ટિમ સાઉથી જેવા સ્ટાર પેસર્સ છે. જેના પરિણામે તેઓ પહેલા સેશનની શરૂઆતી ઓવર્સમાં ભારતની બેક ટુ બેક વિકેટ લેવાના ગેમ પ્લાનથી મેદાનમાં ઉતરશે. વળી અત્યારે એજાઝ પટેલ અને રચિન રવીંદ્રના પ્રદર્શનને જોતા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમની પાસે ભારતીય સ્પિનર્સ જેવી કુશળતા અને અનુભવ નથી.

ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂ કરી રહેલા શ્રેયસ અય્યરની નજર મેઈડન ટેસ્ટ સેન્ચુરી પર રહેશે. હાલ લખાઈ રહ્યું છે ત્યારે ઐયયર ૧૩૬ બોલમાં ૭૫ના સ્કોરથી અણનમ છે. બીજા દિવસે તેની નજર ડેબ્યૂ મેચને યાદગાર બનાવા પર રહેશે. જો આજે શ્રેયસ અય્યર ડેબ્યૂ મેચમાં સદી ફટકારશે તો ડેબ્યૂમાં સદી નોંધાવનારો તે ભારતનો ૧૬મો અને દુનિયાનો ૧૧૨મો ખેલાડી બની જશે.

કેપ્ટન અજિંક્ય રહાણેએ મેચ પહેલાં જ સ્પષ્ટપણ કહી દીધું હતું કે શ્રેયસ અય્યર ડેબ્યુ કરશે અને અમે ૩ સ્પિનર્સ સાથે મેદાનમાં ઊતરીશું. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમમાં તક મળી શકે છે. તેવામાં ન્યૂઝીલેન્ડની ટીમ પણ ૩ સ્પિનર અને ૨ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.