Abtak Media Google News

અબતક, મુંબઇ

બોમ્બે હાઈકોર્ટે બુધવારે એલ્ગાર પરિષદના આરોપી સુધા ભારદ્વાજને ડિફોલ્ટ જામીન આપ્યા છે. એડવોકેટ-એક્ટિવિસ્ટ ભારદ્વાજના ટેકનિકલ ખામીના આધારે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા, પરંતુ સમાન આધાર પર દાખલ કરાયેલી અન્ય આઠની જામીન અરજીઓ ફગાવી દેવાઈ હતી. નોંધનીય છે કે, ભારદ્વાજની ઓગસ્ટ 2018 માં ધરપકડ કરવામાં આવી હતી.

હવે જ્યારે સુધા ભારદ્વાજના જામીનની વાત આવી છે ત્યારે એક મુદ્દો એ પણ મહત્વનો બની રહ્યો છે કે, હાલ સુધી સુધા ભારદ્વાજ કેસમાં કોઈ સુનાવણી થઈ જ નથી પરંતુ તે છેલ્લા લાંબા સમયથી જેલમાં બંધ છે. તો શું વગર સુનાવણીએ જ સજા આપી શકાય તે સવાલ ઉઠ્યો છે. જો હા તો, કોઈ પણ કેસમાં સુનાવણી કર્યા પૂર્વે જ કોઈ વ્યક્તિને આરોપી ગણી જ કંઈ રીતે લેવાય ? તે આરોપી છે કે નહિ તે નક્કી કરવાનું કાર્ય ન્યાયપાલિકાનું છે તો જ્યાં સુધી ન્યાયપાલિકા પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી કંઈ રીતે કોઈને દોષિત કરાર કરીને સજા આપી શકાય ?

જો સુનાવણી વિના સજા ન આપી શકાય તો ઘણીવાર અમુક રીઢા ગુનેગારો આ જોગવાઈની છટકબારી તરીકે ઉપયોગ કરતા હોય છે. ગંભીર ગુન્હા આચર્યા બાદ પણ અમુક ગુનેગારો ગુમાનથી બહાર ફરતા હોય છે અને તેના કારણે તેમને કાયદો વ્યવસ્થાનો ભય પણ રહેતો નથી જેથી તેમણે અન્ય ગુન્હા આચરવા દુષપ્રેરણ મળે છે.

જસ્ટિસ એસ.એસ. શિંદે અને એન.જે.જામદારની બેન્ચે જણાવ્યું હતું કે, સુધા ભારદ્વાજ આવા જામીન માટે હકદાર છે અને તેનો ઇનકાર કરવો એ બંધારણની કલમ 21 હેઠળ બાંયધરી આપેલા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન સમાન ગણાશે. જણાવી દઈએ કે સુધા ભારદ્વાજ હાલમાં ભાયખલા મહિલા જેલમાં બંધ છે.

ખંડપીઠે ભારદ્વાજને 8 ડિસેમ્બરના રોજ વિશેષ એનઆઈએ કોર્ટમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો.  અહીં તેની જામીનની શરતો નક્કી કરવામાં આવશે અને મુક્તિ નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ કેસમાં ધરપકડ કરાયેલા 16 કાર્યકર્તાઓ અને શિક્ષણવિદોમાં ભારદ્વાજ પ્રથમ આરોપી છે જેમને ટેકનિકલ ખામીના કારણે જામીન આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.