ઉમેદવારો નહીં અમારા કાર્યકરો ચૂંટણી લડતા હતા: હકૂભા

ચાંદી બજારમાં યોજાયેલી જાહેરસભામાં શહેરીજનોનો આભાર માનતો ભારતીય જનતા પક્ષ

જનતાએ ભાજપમાં મુકેલો વિશ્ર્વાસ ટકાવી રાખીશું

હારેલા ઉમેદવારોને ફળદુનું આશ્ર્વાસન: આપ પણ પ્રજાકીય કાર્યોમાં બમણા વેગથી લાગી જાવ

જામનગર  મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજય બદલ ભાજપ દ્વારા જાહેરસભા યોજી આભાર માની જણાવાયું હતું કે, જનતાએ ભાજપમાં મુકેલા વિશ્ર્વાસને ટકાવી રાખીશું. શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો ચાલુ રાખવામાં જ આવશે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ૬૪માંથી ૫૦ બેઠક ઉપર વિજય મળતાં જામનગરના ચાંદીબજારના ચોકમાં જાહેર જનતાનો આભાર માનવા માટે વિશાળ વિજયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં શહેરની જનતાએ લગાતાર છઠ્ઠી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને તેમને શાસનની ધૂરા સોંપી છે, અને જામનગર ના સર્વાંગી વિકાસના એજન્ડા સાથે ચૂંટણી લડી રહેલા ભાજપ્ને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ વિજય સભાને સંબોધતાં રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ જોશ અને જોમ જુસ્સાથી ભારત માતાકી જયના નારાથી વાતાવરણ ને ગુંજવી દીધું હતું. વિશાળ સંખ્યામાં હાજર જામનગરની જનતાને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે પ્રજાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે, તેને અમે ટકાવી રાખીશું.

વિશ્વાસ ટકાવી રાખવો અઘરો છે પણ અમો પ્રજાના વિશ્વાસનો દ્રોહ નહીં થવા દઈએ. આવાત અમારા પક્ષમાં છેક જનસંઘથી જોવાય છે. અને ચોક્કસ એજન્ડા થી આગળ વધે છે જેના કારણે આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે હારેલા ઉમેદવારોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે આપ પણ પ્રજાકીય કાર્યમાં બમણા વેગ થી લાગી જશો. અટલજી લોકસભામાં હાર્યા ત્યારે હસતા હસતા બોલ્યા હતા કે હું મારા કર્તવ્ય પથ પર એ જ ધ્યેય નિષ્ઠા થી ચાલતો રહીશ. હાર જીત તો ચાલ્યા કરે. તેમણે તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી જામનગરની ખમીરવંતી જનતાને ભારે બહુમતીથી ભાજપની તરફેણમાં મતદાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિજય સભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ફક્ત ભાજપનાજ ઉમેદવારો નહોતા લડતા અમારા જામનગર ભાજપના કાર્યકર્તા ચૂંટણી લડતા હોય તેવું લાગતું હતું. અમે ગુજરાત સરકાર અને જરૂર પડ્યે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મેળવી જામનગરનો વિકાસ કરીશું, અને વિકાસ અટકવા નહીં દઈએ. પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે જામનગરની પ્રજાએ જ્યારે અમે તેમની પાસે માંગ્યું છે, તે આપ્યું છે. આ વિશ્વાસને અમો સંપૂર્ણપણે સાર્થક કરીશું.

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને મહાનગરપાલિકાની ચૂંટણીના ઇન્ચાર્જ હસમુખભાઈ હિન્ડોચા એ વંદે માતરમના જયઘોષ સાથે જણાવ્યું હતું કે વિજેતા ઉમેદવારોને અભિનંદન પણ સાથે સાથે વિજેતા ન થયેલા ઉમેદવારોને પણ બમણાં જોશથી કાર્ય કરવા હાકલ કરી હતી.

શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા એ સ્વાગત પ્રવચન સાથે જણાવ્યું હતું કે અધ્યક્ષ તરીકે પ્રથમ વાર મારા માથે બહુ મોટી જવાબદારી આવી હતી પરંતું કાર્યકર્તાઓ ના સંપૂર્ણ સાથ સહકારથી કસોટી સમાન જવાબદારી સુપેરે પાર પાડી છે.

આ વિજય સભાને ભાજપના પૂર્વ શહેર અધ્યક્ષો ધીરુભાઈ કનખરા હિતેનભાઈ ભટ્ટ અને અશોકભાઈ નંદા તેમજ પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા અને લાલજીભાઈ સોલંકીએ સંબોધી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો કીર્તિમાન સ્થાપિત થયા પછી તમામ વિજેતા કોર્પોરેટરોના અભિવાદન માટે યોજાયેલા વિજય સંમેલનમાં જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, એડવોકેટ અશોકભાઈ નંદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર રાજુભાઇ શેઠ, ડો. અવિનાશભાઈ ભટ્ટ, સનતભાઇ મહેતા, દિનેશભાઈ પટેલ, કનકસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, હસમુખભાઈ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર શહેર ભાજપના અગ્રણી જીતુભાઈ લાલ, જાડા ના પૂર્વ અધ્યક્ષ દિલિપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, સહિતના અગ્રણીઓ, જામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, અને વિજયસિંહ જેઠવા પણ વિજય સભાના મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન જામનગર શહેરના એડવોકેટ અને ઉદ્દઘોષક વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ બેઠક ઉપર રાજપૂતોનો કબ્જો: પાટીદાર સમાજના ૭ ઉમેદવાર જીત્યા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્ઞાતિ પ્રમાણે સમીક્ષા કરવામાં આવે તો સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના ૮ રાજપૂત સમાજના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. ઉપરાંત ભાજપમાં જ પાટીદાર સમાજના ૭ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાંથી લઘુમતી સમાજના ૮ ઉમેદવાર જીત્યા છે ત્યારે બસપાના લઘુમતી સમાજના ઉમેદવારની પણ જીત થઇ છે. આ ઉપરાંત જામનગરના બ્રહ્મસમાજના પાંચ ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ અપાઈ હતી, અને તે તમામ પાંચેય ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે ભાનુશાલી સમાજના કચ્છી અને હાલારી બંનેના ભાજપના ચાર ઉમેદવારો જીત્યા છે. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારની પણ જીત થઈ છે. ભાજપ અને કોંગ્રેસના મળી આહિર જ્ઞાતિના પાંચ ઉમેદવારો જીત્યા છે. જ્યારે લોહાણા સમાજ, સોની સમાજ, સિંધી સમાજ, ખારવા જ્ઞાતિ, રબારી જ્ઞાતિ વગેરેને એક- એક બેઠકો મળી છે. ઉપરાંત કોળી સમાજમાં બે ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે દલિત સમાજના તમામ પક્ષના મળી ૬ ઉમેદવારો વિજેતા થયા છે.

મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દીગુભા), યુવક  કોંગ્રેસના શકિતસિંહ જેઠવા ઉપરાંત કોંગ્રેસના સીનીયર નગરસેવકો મરીયમબેન સુમરા, દેવશી બડીયાવદરા, આનંદ ગોહિલ અને નિર્મળાબેન કામોઠી હારી જતાં કોંગ્રેસ સુનમુન બની છે. જામનગર મહાનગ રપાલિકાના વોર્ડ નં. ૧૫માં વર્ષોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે બહુમતિથી ચૂંટાતા જુના જોગીઓ મરીયમબેન સુમરા અને દેવશીભાઇ બડીયાવદરાને લોકોએ જાકારો આપી ભારતીય જનતા પાર્ટીના નવોદિત ચહેરાઓ હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા અને જેન્તીલાલ ગોહિલને પસંદ કર્યા છે.

૨૩૬માંથી ૧૨૭ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

જામનગર મહાનગર પાલિકાની ૬૪ બેઠકો માટેની ચૂંટણીમાં ૨૩૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં નિયમ મુજબ મત નહીં મેળવી શકનારા ૧૨૭ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. નિયમ મુજબ કુલ મતદાનનો છઠ્ઠો ભાગ એટલે કે લગભગ ૧૭ ટકા મતો ન મેળવી શકનારા ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે. જામનગર મહાનગર પાલિકામાં ૧૨૭ ઉમેદવારો નિયમ મુજબ મત મેળવી શક્યા ન હતા. આથી તેમણે પોતાની ડિપોઝિટ ગુમાવી છે. જ્યારે ૧૦૯ ઉમેદવાર પોતાની ડિપોઝિટ બચાવવામાં સફળ રહ્યા છે.