ધડ-માથા વગરના અને હેરાનગતિ સિવાયના કેસની પોલીસ તપાસમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં!!: સુપ્રીમ

0
18
SuprimCourt
SuprimCourt

ફોજદારી કેસમાં વચગાળાના હુકમ દ્વારા આરોપીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલાં નહીં લેવાનો આદેશ આપી શકાય નહીં

ન્યાયતંત્ર અને પોલીસ એકબીજાના પૂરક છે.  બંને વચ્ચે સુસંગતતા જરૂરી છે. અદાલતોએ ગુનાઓની તપાસના તબક્કે દખલ કરતા અટકવું જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. અપવાદ અથવા અતિશયોક્તિના કિસ્સામાં જો માનવાધિકારનું હનન થતું જણાય તો જ કોર્ટે દખલગીરી કરવી જોઈએ તેવો આદેશ સુપ્રીમે આપ્યો છે.

ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ, જસ્ટીસ એમ.આર.શાહ અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની ખંડપીઠે મંગળવારે કહ્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે તપાસ ચાલુ રહે છે અને તથ્યો અસ્પષ્ટ હોય છે અને સંપૂર્ણ પુરાવા અથવા સામગ્રી હાઈકોર્ટ સમક્ષ ઉપલબ્ધ ન હોય ત્યારે વચગાળાના આદેશને પસાર કરી ધરપકડ ન કરવા અથવા શિક્ષાત્મક પગલાં ન લેવાના આદેશ અદાલતોએ આપવા જોઈએ નહીં.

અદાલતે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 482 અને બંધારણની કલમ 226 હેઠળ અરજી દાખલ કરીને કેસ રદ કરવાની અરજીનો નિકાલ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અદાલતમાં ઉપલબ્ધ અસાધારણ અને હિતકારી સત્તાનો ઉપયોગ મનસ્વી રીતે થવો જોઈએ નહીં.

બેન્ચે બોમ્બે હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે મેસર્સ નિહારિકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. દ્વારા દાખલ અરજી પર આ નિર્ણય આપ્યો હતો.  આ કેસમાં ધરપકડથી બચવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે પણ આરોપી સામે કડક કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમે રોક લગાવતા આ આદેશો આપ્યા હતા.

ખંડપીઠે કહ્યું કે, કલમ 482 હેઠળની શક્તિ ખૂબ જ વિશાળ છે, પરંતુ અદાલતે તેનો ઉપયોગ કરવામાં વધુ જાગ્રત રહેવાની જરૂર છે.  સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે પોલીસ પાસે કાનુની અધિકાર છે અને તે કાયદા હેઠળ ફોજદારી ગુનાઓની તપાસ કરવી પોલીસની ફરજ છે.

કોર્ટે પ્રારંભિક તબક્કામાં આવી કોઈ તપાસ નિષ્ફળ જય તેવા આદેશો આપવા જોઇએ નહીં તેવું સુપ્રીમે કહ્યું હતું. જૂજ કિસ્સાઓમાં જ કેસ અથવા ફરિયાદને રદ કરવી જોઈએ.  કોર્ટે તે પણ કહ્યું છે કે, કેસ કે ફરિયાદ રદ કરવાની માંગણીની સુનાવણી કરતી વખતે કોર્ટે એફઆઈઆરમાં લગાવાયેલાં આરોપીઓની સત્યતા પર જવું જોઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here