Abtak Media Google News

સુરતમાં ભવ્ય સફળતા બાદ હવે અમદાવાદમાં એમિશન ટ્રેડિંગ સિસ્ટમ શરૂ કરાશે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી) જાન્યુઆરીના અંત સુધીમાં અમદાવાદમાં પાર્ટિક્યુલેટ મેટર (પીએમ) એમિશન ટ્રેડિંગ સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે.  જીપીસીબીએ નારોલ અને વટવામાં પાયલોટ પ્રોજેક્ટ માટે ૮૫% ફેક્ટરીઓમાં સતત ઉત્સર્જન મોનિટરિંગ સિસ્ટમ (સીઇએમએસ)ની સ્થાપના પૂર્ણ કરી છે. આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.  પીએમ એમિશન ટ્રેડિંગ શરૂ કરનાર ગુજરાત વિશ્વમાં પ્રથમ હતું જેની શરૂઆત ૨૦૧૯માં સુરતમાં થઈ હતી.

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા દેશના ૧૨૨ શહેરો માટે રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ શરૂ કર્યા પછી જીપીસીબીએ આ યોજના શરૂ કરી હતી. આમાંથી ચાર શહેરો ગુજરાતમાં છે. આ ‘બિન-પ્રાપ્તિ’ શહેરોમાં પીએમનું સ્તર ઊંચું છે અને દરેક શહેરમાં એક એક્શન પ્લાન છે. જીપીસીબીના સભ્ય સચિવ ડી એમ ઠાકરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં, અમે ઉત્સર્જન વેપાર યોજના અમલમાં મૂકી છે અને સુરતમાં ૨૦૧૯માં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે હેઠળ અમે ઘન ઇંધણનો ઉપયોગ કરતા ૩૫૫ ટેક્સટાઇલ યુનિટની નોંધણી કરી છે.

ઠાકરે ઉમેર્યું હતું કે, આ તમામ ફેક્ટરીઓમાં સીઇએમએસ ઇન્સ્ટોલ કરેલ છે અને અમને રીઅલ-ટાઇમ અને સચોટ ઉત્સર્જન ડેટા મળે છે.

આ ‘કેપ એન્ડ ટ્રેડ’ સિસ્ટમ એકમોમાંથી પ્રદૂષક ઉત્સર્જનને રોકે છે અને ઔદ્યોગિક એકમોને નક્કી કરેલ મર્યાદામાં પરમિટ ફાળવે છે, એમ ઠાકરે જણાવ્યું હતું.  કમાન્ડ એન્ડ કંટ્રોલ અભિગમમાં ડિફોલ્ટર ઉદ્યોગોને દંડ કરવામાં આવે છે, જે ઉદ્યોગો માટે ખર્ચાળ છે, તેવું તેમણે જણાવ્યું હતું. પરંતુ ‘કેપ એન્ડ ટ્રેડ’ સિસ્ટમ ઉદ્યોગો માટે પ્રદૂષણને નિયંત્રિત કરવાનું અને ઓછા ખર્ચે નિયમોનું પાલન કરવાનું સરળ બનાવે છે. ટ્રેડિંગ પ્લેટફોર્મ એનસીડીઇએક્સ સબસિડિયરી કંપની એનઇએમએલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.”

ઠાકરે જણાવ્યું હતું કે અમદાવાદના નારોલ અને વટવામાં ટૂંક સમયમાં આવી જ યોજના અમલમાં મૂકવામાં આવશે જે અંતર્ગત ૧૨૨ એકમોની ઓળખ કરવામાં આવી છે.  આ યોજના અમને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ કરશે કારણ કે તેના હેઠળ, એકમોને વધુ સારી કામગીરી માટે પુરસ્કારો મળે છે અને ઉલ્લંઘન કરનારાઓને ચૂકવણી કરવી પડે છે,” તેમણે કહ્યું.

આ પ્રોજેક્ટ શિકાગો યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી ખાતે એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરો અને મેસેચ્યુસેટ્સમાં મુખ્ય મથક અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબની ટીમ સહિત સંશોધકોની એક ટીમની મદદથી અમલમાં મૂકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.