Abtak Media Google News

મૌસમનો પારો ગગળ્યો તો કોરોનાનો ઊંચક્યો

ભાવનગરમાં ૧૫૨, જામનગરમાં ૧૨૯ અને મોરબીમાં ૫૭ પોઝિટિવ: પોરબંદરમાં એક દર્દીનું મોત

રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૫૦૦ને પાર:
બોટાદમાં એક પણ કેસ નહીં

સૌરાષ્ટ્રમાં એક તરફ તાપમાનનો પારો ગગળ્યો છે તો સામે કોરોના પોઝિટિવ કેસની આંક ઊંચક્યો છે. રાજકોટ જિલ્લામાં ગઈ કાલે કેસની સંખ્યા ૩૦૦ને પાર પહોંચ્યો છે તો સૌરાષ્ટ્રમાં વધુ ૭૮૧ લોકો સંક્રમિત થયા છે. તો રાજકોટમાં હાલ પોઝિટિવ કેસ જેટ ગતિએ વધતા એક્ટિવ કેસની સંખ્યા ૧૫૦૦ને પાર પહોંચી છે. તો પોરબંદરમાં એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે. જ્યારે બોટાદમાંથી રાહતના સમાચાર મળ્યા છે જેમાં એક પણ કેસ નોંધાયો નથી.

રાજકોટમાં ગઈ કાલે બપોર સુધીમાં ૪૮ કેસ પોઝિટિવ નોંધાયા હતા. પરંતુ સાંજ સુધીમાં જાણે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ ૧૯૬ લોકો સંક્રમિત થતા ગઈ કાલે ૨૪૪ કોરોના સંક્રમણમાં સપડાયા છે. કોરોના કેસની સંખ્યા વધતા શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી છે. હાલ રાજકોટમાં ૧૫૦૦થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.

જ્યારે રાજકોટ ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ ગઈ કાલે ૯ તાલુકામાંથી વધુ ૭૫ લોકો વાયરસની ઝપટે ચડ્યા છે. રાજકોટ જિલ્લામાં ગઈ કાલે કોરોનાનો આંક ૩૦૦ને પાર પહોંચી છે.

તો બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ફેલાતો દેખાઈ રહ્યો છે. જેમાં ભાવનગર જિલ્લામાં ૧૫૯ કેસ પોઝિટિવ આવ્યા છે. તો બીજી તરફ જામનગર જિલ્લામાં ૧૨૯ કેસ, મોરબીમાં ૫૭, સુરેન્દ્રનગરમાં ૪૨ કેસ, જૂનાગઢમાં ૨૬, અમરેલીમાં ૨૧, ગીર સોમનાથમાં ૧૯, દેવભૂમિ દ્વારકામાં ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદરમાં એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે. તો બોટાદમાંથી રાહતના સમાચાર મળ્યા છે જેમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

સૌરાષ્ટ્રમાં કન્ટેનમેન્ટ ઝોન ૧૫૦૦ને પાર

સૌરાષ્ટ્રમાં ડિસેમ્બર માસની સરખામણીએ જાન્યુઆરીમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસની સંખ્યામાં વધારો થયો છે. ડિસેમ્બર માસમાં ૫૪૦ કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે ચાલુ માસમાં કેસની સંખ્યા ચાર ગણી વધી છે. સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં છેલ્લા ૧૦ દિવસમાં ૨૭૨૩ લોકો સંક્રમિત થયા છે.

જેમાં ડિસેમ્બરમાં રાજકોટ જિલ્લામાં સિટીના ૨૫૩ અને ગ્રામ્યમાં ૧૦૪ કેસ મળી કુલ ૩૫૭ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં જ પોઝિટિવ કેસનો આંક ૩૦૦ને પાર પહોંચ્યો છે. હાલ રાજકોટમાં ૫૭૭ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

તો જામનગરમાં પણ કોરોના કેસની સાથે કન્ટેનમેન્ટ ઝોનની પણ સંખ્યા બેફામ વધી છે. જેના કારણે જામનગર શહેર વિસ્તારમાં ૨૧૧ અને ગ્રામ્યમાં ૪૯ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મોરબી જિલ્લામાં અત્યાર સુધી ૨૧૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમરેલીમાં ૮૨, દેવભૂમિ દ્વારકામાં ૭૩, ગીર સોમનાથમાં ૫૬ અને જૂનાગઢમાં ૮ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.