બોટાદની બાળકીના રેપ વીથ મર્ડરના મામલે દેવીપૂજક સમાજે આરોપીને કડક સજા કરવા કલેકટરને આપ્યુ આવેદન

બોટાદમાં ગત તા.15મી જાન્યુઆરીના રોજ ભવાનપરા વિસ્તારમાં દેવીપૂજક સમાજની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાના પડઘા રાજકોટમાં પણ પડ્યા હતા. આજરોજ દેવી પૂજક સમાજના ટોળેટોળાં કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને આરોપીને કડક સજા કરવા અંગેની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી.

બહુમાળી ભવન અને જિલ્લા પંચાયત ચોક પાસે ટોળાએ ચક્કાજામ કરતા પોલીસના ધાડેધાડા ઉતાર્યા

પરંતુ ત્યાર બાદ સમાજના ટોળા દ્વારા બહુમાળી ભવન ખાતેના ચોક અને જિલ્લા પંચાયત ચોક ખાતે ચક્કાજામ કરીને ઉગ્ર દેખાવો કર્યો હતો. ટોળું વીફરે તેવી ભિતી જણાતા ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. જ્યાં પોલીસની સુજબુજના કારણે સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો અને ટોળાને વિખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું.

https://fb.watch/igO_8LwCur/

બોટાદમાં ભવાનપરા વિસ્તારની 9 વર્ષીય દેવીપૂજક સમાજની બાળકી પતંગ લૂટવા ગઈ હતી. ત્યાંર બાદ ફૂલવાડી વિસ્તારના ખંડેર ક્વાટરમાંથી બાળકીની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બાળકીની લાશ અર્ધ નગ્ન હાલતમાં મળતા સમગ્ર સમાજમાં રોષ વ્યાપ્યો હતો. ઘટનાના પગલે બોટાદના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

અને લાશને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકી સાથે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની પકડવાની કામગીરી હાથ ધરી હતી.

ટોળું વીફરે તે પહેલાં જ પોલીસે મામલો કાબૂમાં લીધો: મહામહેનતે પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો

પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દુષ્કર્મ આચરી બાળકીને મોતને ઘાટ ઉતારનારા નરાધમને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. ત્યાર બાદ બોટાદ સહિત સમગ્ર પંથકમાં તેના વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો છે. જેના પગલે રાજકોટમાં પણ આજરોજ દેવીપૂજક સમાજના અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં ટોળું કલેકટર કચેરી ખાતે આવેદન દેવા ગયું હતું. ત્યાર બાદ શહેરના પોશ વિસ્તારોમાં ટોળાએ ચક્કાજામ કરતા પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી અને મામલો વીફરે તે પહેલાં જ ટોળાને છૂટું પાડી મામલો થાળે પાડયો હતો.