Abtak Media Google News

સામાન્ય રીતે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા સરકાર અને મધ્યસ્થ બેંકના સમન્વયી નિર્ણયોને કારણે ચાલતી હોય છે. જેમાં નાણાંકીય તરલતા ખૂબ મહત્વનો ભાગ છે. ત્યારે વિશ્વની મહાસતા એવા દેશ અમેરિકામાં બીડેન સરકારબી તિજોરીમાં રોકડ રકમ ખૂટી ગઈ છે..!! જાણીને જરૂર નવાઈ લાગશે પણ રાજકોષીય ખાંધે બીડેન સરકારને ગૂંચવી દીધી છે અને સરકારની તિજોરીમાં રોકડા ખૂટી પડવાને આરે છે.

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન મંગળવારે ચેતવણી આપી આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યુએસ ટ્રેઝરી એટલે કે અમેરિકી તિજોરીમાં 18 ઓક્ટોબર સુધીનું જ ભંડોળ છે. જો સંસદ ભંડોળ જાળવવાના પગલાં નહીં લે એટલે કે ટૂંક સમયમાં દેવાની મર્યાદા નહીં વધારે તો 18 ઓક્ટોબર સુધીમાં રોકડા નાણાં ખતમ થવાની શક્યતા છે. બીડેન સરકારની તિજોરી ખૂબ મર્યાદિત સંસાધનો સાથે છે જે ઝડપથી સમાપ્ત થઈ જશે.

ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું કે આ તારીખ પછી રાષ્ટ્રની તમામ પ્રતિબદ્ધતાઓને પૂરી કરવાનું ચાલુ રાખી શકીએ કે કેમ તે અનિશ્ચિત છે. તેણીએ કોંગ્રેસ (અમેરિકી સસદનું નામ કોંગ્રેસ છે)ના નેતાઓને લખેલા પત્રમાં જણાવ્યું કે યુ.એસ. સેનેટમાં રિપબ્લિકન્સે તેમની પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ તેના માટે દબાવ્યા હોવા છતાં દેવાની મર્યાદામાં વધારો અથવા સસ્પેન્શનને ટેકો આપવાનો ઇનકાર કર્યો છે. તેઓએ કામચલાઉ બજેટ સાથે 14 મહિનાના સસ્પેન્શનને મંજૂર કરવાના પ્રયાસને અવરોધિત કર્યો. યેલેને સેનેટ બેન્કિંગ કમિટી સમક્ષ આ પ્રત્યુતર આપ્યો.

તેમણે કહ્યું કે તે હિતાવહ છે કે કોંગ્રેસ ઝડપથી દેવાની મર્યાદા એટલે કે રાજકોષીય ખાધની મર્યાદાને વધારો કરવાને મંજૂરી આપે. અન્યથા રોકડ રકમની કટોકટીનો સામનો કરવો પડશે. જો સેનેટ આમ નહીં કરે તો, અમેરિકા ઇતિહાસમાં પ્રથમ વખત તે ડિફોલ્ટ થશે. રાજકોષીય ખાધની મર્યાદામાં વધારા વિના સરકાર જાહેર કામદારોનો પગાર ચૂકવવા, નિવૃત્ત લોકોને પૈસાની ચૂકવણી કરવા ઉપરાંત અન્ય ચુકવણાંમાં અસમર્થ હશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન અમેરિકા સરકાર દ્વારા નાગરિકો માટે જારી કરાયેલી અબજો ડોલરની સહાયના કારણે રાજકોષીય ખાદ્યમાં વધારો કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. પરંતુ આ અંગે સેનેટે મંજૂરી ન આપતા વાદ વિવાદ ઉભા થયા છે.

ધારાસભ્યોને તેના તાજેતરના પત્રમાં યેલેને ફરીથી ચેતવણી આપી હતી કે તાત્કાલિક મંજૂરી મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લી ઘડી સુધી રાહ જોવી એ વ્યવસાય અને ગ્રાહકના આત્મવિશ્વાસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કરદાતાઓ માટે ઉધાર ખર્ચમાં વધારો કરી શકે છે અને વર્ષોથી યુનાઇટેડ સ્ટેટ્સના ક્રેડિટ રેટિંગ પર નકારાત્મક અસર પડી શકે છે જે માર્કેટમાં ગંભીર પરિણામો નોતરશે. નોંધનીય છે કે દેવાની ટોચમર્યાદા વધારવી છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકી સેનેટમાં વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. આ અગાઉ વર્ષ 2011ના સ્ટેન્ડઓફને કારણે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે યુએસના આ દેવાના મુદ્દાને તેની પ્રખ્યાત એએએ રેટિંગમાંથી ડાઉનગ્રેડ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.