Abtak Media Google News

ભારતમાં પ્રેક્ટિસ માટે જરૂરી પરીક્ષા પાસ નહીં કરનારા ૭૩ વિદેશી મેડિકલ સ્નાતકો અને ૧૪ રાજ્યોની મેડિકલ કાઉન્સિલ સામે સીબીઆઈએ કેસ કર્યો

સીબીઆઇએ વિદેશી ડોકટરોને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે જરૃરી પરીક્ષા ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામીનેશન (એફએમજીઇ) પાસ કર્યા વગર ૭૩ વિદેશી મેડિકલ સ્નાતકોને પ્રેક્ટિસની મંજૂરી આપવા બદલ આ ૭૩ વિદેશી મેડિકલ સ્નાતકો અને ૧૪ રાજ્યોની મેડિકલ કાઉન્સિલ સામે તપાસ શરૂ કરી છે.

નિયમ અનુસાર વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત એફએમજીઇ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા પાસ કર્યા પછી જ નેશનલ મેડીકલ કમિશન અથવા સ્ટેટ મેડીકલ કાઉન્સિલ દ્વારા તેમને ભારતમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપવામાં આવે છે. સીબીઆઇએ ૭૩ ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ અને રાજ્ય મેડીકલ કાઉન્સિલો સામે ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને જણાવ્યું છે કે ૨૦૧૧ થી ૨૦૨૨ દરમિયાન રશિયા, યુક્રેન, ચીન અને નાઇજિરિયા જેવા દેશોમાંથી એમબીબીએસ  કરનારા ૭૩ વિદ્યાર્થીઓેએ એફએમજીઇ પરીક્ષા પાસ કર્યા વગર રાજ્યની મેડિકલ કાઉન્સિલપ પાસેથી રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર અયોગ્ય રીતે રજિસ્ટ્રેશન કરાવીને પ્રેક્ટિસ કરનારા આવા ડોક્ટરોથી દેશના લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.

હાલના નીતિ નિયમો મુજબ જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્ર અભ્યાસ કરી રહ્યા છે અને વિદેશની કોઈ સંસ્થામાંથી અભ્યાસ કરી ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય તેઓએ પ્રોવિઝનલ અથવા તો પરમેનેન્ટ રજીસ્ટ્રેશન નેશનલ મેડિકલ કમિશન પાસેથી મેળવવું અથવા તો સ્ટેટ મેડિકલ કાઉન્સિલ પાસેથી મેળવવું જરૂરી અને અનિવાર્ય છે. સરકારનું માનવું છે કે જે 73 લોકોની પરખ કરવામાં આવી છે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે કારણ કે લોકોની સુખાકારી સાથે કોઈપણ પ્રકારના ચેડા થાય તે યોગ્ય નથી ત્યારે આ તમામ 73 લોકો ઉપર આંકડાકીય પગલાં લેવામાં આવશે અને જે કોઈ સંસ્થા અથવા તો કાઉન્સિલ દ્વારા 73 વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવા માટેની પરવાનગી આપી હોય તેના ઉપર પણ પગલાં લેવાશે. સરકારના જણાવ્યા મુજબ ઓર્ગેનાઈઝ રેકેટ જાણે ઊભું કરવામાં આવ્યું હોય તે સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.