ઉપલેટાની મનદીપ ઇન્ડસ્ટ્રીમાં સીબીઆઈના દરોડા: ડિરેક્ટર્સ સહિત સાત સામે નોંધતો ગુનો

યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી રાજકોટના ડિરેક્ટર્સ અને ભાગીદારોએ લોન લીધી’તી

ફોરેન્સિક ઓડિટર દ્વારા રૂ.45 કરોડની કેશ ક્રેડિટ, ટર્મ લોન મેળવી કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ

 

અબતક-રાજકોટ

રાજકોટના ડિરેક્ટર્સ અને ઉપલેટાની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આચરેલા કૌભાંડમાં સીબીઆઈના દરોડા પડ્યા હતા. જેમાં રાજકોટના ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર્સ સહિત સત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. સીબીઆઈની તપાસમાં રૂ.45 કરોડની ટર્મ લોન મેળવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટની મનદીપ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની તથા તેના ડાયરેક્ટરો, ભાગીદારો સામે સીબીઆઈએ રૂ.45 કરોડની છેતરપીંડીનો કેસ દાખલ કરીને દરોડા કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. દરોડા દરમિયાન સીબીઆઈઈંને મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે, રાજકોટમાં રહેતા અને ઉપલેટામાં મનદીપ ઈન્ડસ્ટ્રીઝ નામના એકમ ધરાવતા કિશોર વૈષ્નાની સહિતના ડાયરેક્ટરો તથા ભાગીદારો સામે સીબીઆઈએ બેંક ફ્રોડનો કેસ દાખલ કર્યો છે.

આ અંગે મળતી વધુ વિગત મુજબ મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ 2014થી 2020 સુધીના સમયગાળામાં કેશ ક્રેડીટ ટર્મ લોન જેવી ધિરાણ સુવિધા મારફત 47.30 કરોડની લોન મેળવી હતી. પરંતુ, વ્યાજ કે હપ્તા નહીં ભરતા 15મી જાન્યુઆરી 2020ના રોજ આ લોન એનપીએ જાહેર કરી દેવામાં આવી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને રૂા.44.64 કરોડનું નુકસાન ગયું છે.જેથી સીબીઆઈ દ્વારા મનદીપ ઈન્ડસ્ટ્રીઝના આશીષ બી. તળાવીયા, કિશોરભાઈ એચ. વૈષ્નાની, રામજીભાઈ એચ. ગજેરા, કલ્પેશ પ્રવિણભાઈ તળાવીયા તથા ભાવેશ એમ. તળાવીયા સામે કેસ દાખલ કરીને ગુનો નોંધ્યો છે. આ સિવાય અજાણ્યા સરકારી અને ખાનગી લોકો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.કંપનીના ડાયરેકટરો-ભાગીદારોએ લોન નહીં ચૂકવીને કૌભાંડ આચર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સીબીઆઈને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે તપાસનીશ એજન્સીએ કેસ દાખલ કરીને રાજકોટમાં ડાયરેક્ટરોની ઓફિસ તથા રહેણાંક પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.