- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19મીથી સીસીડીસીના વર્ગોનો પ્રારંભ: મહેસૂલ તલાટી વર્ગ-3ના ઉમેદવારોને અપાશે તાલીમ
- સરકારી નોકરી મેળવવા ઈચ્છુક છાત્રોને સીસીડીસીના તાલીમ વર્ગોનો લાભ લેવા કુલપતિ પ્રો. ડો.ઉત્પલ જોશી અનુરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સી.સી.ડી.સી. મારફત જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ સચોટ રીતે જુદાં-જુદાં વિષયોનાં તજજ્ઞો મારફત આપવામાં આવે છે. દેશભરમાં સી.સી.ટી.સી. પ્રકારનું સરકારી નોકરી અપાવતું કેન્દ્ર એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2006 થી ચાલે છે અને ’નૈક’ મારફત દેશભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની “બેસ્ટ પ્રેક્ટીસ” તરીકે આઈડેન્ટીફાઈડ કરાયેલ છે. સી.સી.ડી.સી.નાં તજજ્ઞોની સચોટ તાલીમનાં કારણે 4000 થી વધુ છાત્રોને સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર થયું છે.
સીસીડીસીના તાલીમ વર્ગોમાં દરરોજ સીલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.કયુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવના સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સી.સી.ડી.સી. મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સીસીડીસીના તાલીમવર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે. હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “મહેસૂલી તલાટી”, (વર્ગ-3)ની કુલ 2,389 ની જગ્યાઓ માટેની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક તબક્કાના કોચીંગવર્ગનું આયોજન સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા. 19-6-2025 ને ગુરૂવારથી સવારના સેશનમાં શરૂ કરવામાં આવશે.
આ પ્રાથમિક તબક્કાની પરીક્ષાના તાલીમવર્ગના અભ્યાસક્રમમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર, મેથ્સ અને રીઝનીંગ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, બંધારણ જેવા સીલેકટેડ વિષયોની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોક્ત તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો તા. 17-6-2025 સુધીમાં સી.સી.ડી.સી. બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, મહેસૂલ તલાટી વર્ગ-3 નું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રુફ, ગ્રેજ્યુએશનની માર્કશીટ અને સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.