બોર્ડની પરીક્ષામાં ચોરી અટકાવવા CCTV અને ટેબલેટથી રખાશે બાજ નજર

boardexam | cctv | tablet |student
boardexam | cctv | tablet |student

ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં ચોરીનું દુષણ અટકાવવા શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન જાહેર: પરીક્ષા કેન્દ્રો પર હાઈટેક સીસીટીવી કેમેરા અને ટેબલેટ મુકવા કવાયત

બોર્ડની પરીક્ષામાં દર વર્ષે ઢગલાબંધ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાય છે ત્યારે આગામી ૧૫મી માર્ચથી શ‚ થનારી બોર્ડની પરીક્ષામાં ચોરીનું દુષણ અટકાવવા શિક્ષણ બોર્ડે ખાસ એકશન પ્લાન જાહેર કર્યો છે. જેમાં દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર હાઈટેક સીસીટીવી કેમેરા અને ટેબલેટ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર બાજ નજર રાખવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ અને કોમર્સની પરીક્ષામાં રાજયભરમાંથી ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ૨૬,૦૦૦ વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે. ત્યારે બોર્ડની પરીક્ષા મામલે શિક્ષણ બોર્ડે એકશન પ્લાન જાહેર કર્યો છે. જેમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉપર નજર રાખવા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં ૧૧ લાખ વિદ્યાર્થી, ધો.૧૨ કોમર્સમાં ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને સાયન્સ ચોથા સેમેસ્ટરમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરી ન થાય તે માટે શિક્ષણ બોર્ડે ખાસ વ્યવસ્થા કરી છે. દર વર્ષે સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓમાં બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર રાખવામાં આવે છે. આ વર્ષે પણ દરેક શાળાઓમાં હાઈટેક સીસીટીવી કેમેરા અને ટેબલેટની મદદથી વિદ્યાર્થીઓ ઉપર બાજ નજર રાખવામાં આવશે. કલાસ‚મમાં સીસીટીવી અને ટેબલેટ ઉપરાંત રાજયભરમાં કેટલાક સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર શિક્ષણ બોર્ડની ખાસ ચેકીંગ સ્કવોર્ડ પણ પરીક્ષાર્થીઓ પર બાજ નજર રાખશે. પરીક્ષા દરમિયાન કલાસ‚મમાં સુપર વાઈઝર ઉપરાંત ચેકીંગ સ્કવોર્ડ પણ રાઉન્ડ ધી કલોક ચેકીંગ કરી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની તકેદારી રાખશે. બોર્ડની પરીક્ષા માટે મોટાભાગના પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ થઈ ગયા છે. જે જગ્યાએ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં શિક્ષણ બોર્ડ ટેબલેટ મુકશે. જો કે સીસીટીવી અને ટેબલેટ લગાવવા છતા પણ તમામ કેન્દ્રો ઉપર ચોરી અટકશે તેવું શકય ન હોય. બોર્ડદ્વારા રાજય સ્તરની સ્કવોર્ડ પણ તપાસ માટે મોકલાશે.

ચેકીંગ સ્કવોર્ડ તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રોમાં પ્રત્યક્ષ રીતે તપાસ કરશે. રાજય સ્તરની એક ચેકીંગ સ્કવોર્ડમાં૪ જેટલા સભ્યોની નિમણુક કરાશે. આ ઉપરાંત જે-તે જિલ્લા કક્ષાની સ્થાનિક સ્કવોર્ડની પણ રચના કરવામાં આવશે. જેથી સ્થાનિક સ્કવોર્ડ પરીક્ષા કેન્દ્રોની ઉડતી મુલાકાત લઈ વિદ્યાર્થીઓ ઉપર નજર રાખી શકે.

પ્રશ્ર્નપત્રમાં ગેરરીતિ થશે તો ખંડ નિરીક્ષકને સજા

બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ ગેરરીતિ અટકાવવાના આશયથી દરેક વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્ર્નપત્રો ઉપર સીટ નંબર લખવાનો ફરજીયાત રહેશે. આ માટે સુપર વાઈઝર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સુચના પણ આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીએ પ્રશ્ર્નપત્ર પર પોતાનો બેઠક નંબર નહીં લખ્યો હોય અને આ મુદ્દે સુપર વાઈઝરે કોઈપણ પ્રકારની બેદરકારી રાખી હોવાનું જણાશે તો શિક્ષણ બોર્ડ દ્વારા તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રશ્ર્નપત્રમાં કોઈપણ પ્રકારનું લખાણ પણ ન કરવાનું સુચન પણ સુપરવાઈઝરે વિદ્યાર્થીઓને કરવાનું રહેશે.

સબ્જેકટ ટીચરને પરીક્ષા વખતે સુપરવાઈઝર નહીં બનાવાય

બોર્ડની પરીક્ષા વખતે જે વિષયની પરીક્ષા હશે તે વિષયના શિક્ષકને સુપરવાઈઝરને જવાબદારી નહીં સોપવાનું શિક્ષણ બોર્ડે નકકી કર્યું છે. ભૂતકાળમાં જે વિષયના નિષ્ણાંત શિક્ષકો જ તે વિષયના સુપરવાઈઝર હોવાથી ઘણી બધી ગેરરીતિ થવાનું બહાર આવ્યું હતું પરંતુ હવે આ પ્રકારની ગેરરીતિ અટકાવવાના ઉદેશથી શિક્ષણ બોર્ડે જે વિષયની પરીક્ષા હશે તે દરમિયાન તે વિષયના શિક્ષકને સુપરવાઈઝરની કામગીરી સોંપવામાં આવશે નહીં.