- આર્થિક રાજધાની મહાનગર ગાંધીધામના સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરાઈ
- ઝંડાચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લઘુ ભારતનાં થયાં દર્શન
- દાતાઓ દ્વારા રોકડ ઈનામ સાથે છાત્રોને કરાયા પ્રોત્સાહિત
- કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
કચ્છની આર્થિક રાજધાની મહાનગર ગાંધીધામના સ્થાપના દિવસની ઝંડાચોક ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સ્વચ્છ ગાંધીધમ માટે નાગરિકોને પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓની 18 કૃતિ પ્રસ્તુત થઈ હતી, જેમાં 231 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ દરમ્યાન દાતાઓ દ્વારા રોકડ ઈનામ સાથે છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ તેજસ શેઠ, સુરેશ શાહ, JDAના પૂર્વ ચેરમેન મઘુકાંત શાહ, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, ડેપ્યૂટી કમિશનર સંજય રામાનુજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છની આર્થિક રાજધાની મહાનગર ગાંધીધામના સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઝંડાચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લઘુ ભારતનાં દર્શન થયાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સ્વચ્છ ગાંધીધમ માટે નાગરિકોને પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમ્યાન મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામ છે. ભારતના વિવિધ વિસ્તારના લોકો અહીં આવ્યા છે. દરેક વર્ગે પોતાનું યોગદાન આપ્યું છે. તમામ લોકોના સાથ-સહકારથી ગાંધીધામનો વિકાસ થયો છે. અહીં લઘુ ભારતનાં દર્શન થાય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છ ગાંધીધામ માટે લાંબા સમયથી પ્રયાસો આરંભાયા છે. સ્વચ્છતા માટે શાળા-કોલેજ સહિતનાં સ્થળોએ સમયાંતરે બેઠકો યોજવામાં આવી છે, જે પ્રકારે ઔદ્યોગિક અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે જે પ્રકારે ગાંધીધામની ઓળખ ઊભી થઈ છે તે પ્રકારે સ્વચ્છ ગાંધીધામ બનાવવા અને પાયાની સવલતો ઊભી કરવા-સહકાર આપવા તેમણે અપીલ કરી હતી. કચ્છના મહારાવ વિજયરાજજી અને શહેરના સંસ્થાપક ભાઈપ્રતાપ ડિયલદાસને વંદન કરી ઉદ્બોધન આપતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, દેશના અન્ય શહેરોની સરખામણીએ ગાંધીધામનો ઝડપી વિકાસ થયો છે.
આ શહેર ઈમારત કે સડકોનું નહીં પરંતુ વિવિધ સંસ્કૃતિ અને સંપ્રદાય સાથે જોડાયેલું છે. વિવિધ પ્રાંતની સંસ્કૃતિના આદાન-પ્રદાન સાથે શહેર એકજૂટ બની આગળ ધપી રહ્યંy છે. વિકાસલક્ષી અનેક કાર્ય ચાલી રહ્યાં છે. વહીવટી તંત્રની ટીમને સુચારુ રૂપે પાયાની સુવિધા ઊભી કરવા અને લોકોની સુખાકારી વધારવા પ્રયત્નશીલ તમામ પ્રકારે સહકાર આપવા પર તેમણે ભાર મૂક્યો હતો. દીપ પ્રાગટય અને ગાંધીધામ મહાનગરપાલિકાના નવા લોગોના ઉદ્ઘાટન વેળાએ સુધરાઈ પૂર્વ પ્રમુખ તેજસ શેઠ, સુરેશ શાહ, જીડીએના પૂર્વ ચેરમેન મઘુકાંત શાહ, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, ડેપ્યૂટી કમિશનર સંજય રામાનુજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં ડેપ્યૂટી કમિશનર મેહુલ દેસાઈએ સ્વાગત ઉદ્બોધન આપ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓની 18 કૃતિ પ્રસ્તુત થઈ હતી, જેમાં 231 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં નારીશક્તિ, બેટી બચાઓ, રાસગરબા, વિવિધ પ્રાંતની સંસ્કૃતિની ઝલક, મહાભારત યુદ્ધ સમયની સ્થિતિની કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. નિર્ણાયક તરીકે ધારા શાહ અને નીતાબેન વિધાણી રહ્યા હતા. દરમ્યાન દાતાઓ દ્વારા રોકડ ઈનામ સાથે છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે કેક કાપી આતશબાજી સાથે ગાંધીધામના સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજે કરી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી