- પ્રથમ તબક્કામાં ચાર રાજ્યોમાં ઓક્ટોબર-2026થી ગણતરી શરૂ થશે: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં 1 માર્ચ 2027થી થશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ વસતી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌ પ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસતી ગણતરી અને જાતિ આધારિત વસતી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે. આગામી વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરીનો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે. બીજો તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસતીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસતીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે. ભારતમાં વસતી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસતી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જાહેર કરાશે. તેમજ વિગતવાર માહિતી જાહેર કરવામાં ડિસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે. વસતી ગણતરી બાદ સીમાંકન પંચની રચના કરવામાં આવશે. જેથી વસતી અનુસાર લોકસભા બેઠકોનું વિતરણ કરી શકાય. દેશની વસતી, સામાજિક-આર્થિક સ્થિતિ અને અન્ય મહત્ત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવા માટે વસતી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. જો કે કોરાનાના કારણે વર્ષ 2021માં વસતી ગણતરી કરવામાં આવી ન હતી જેથી હવે 2025માં વસતી ગણતરી પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
વસતી ગણતરીનો પ્રોફોર્મા અને ડિજિટલ પ્રક્રિયા
વસતી ગણતરી પહેલા એક પ્રોફોર્મા તૈયાર કરવામાં આવે છે. જેમાં આ વખતે જાતિ અને ધર્મ સંબંધિત પ્રોફોર્માનો (પ્રશ્નાવલી) સમાવેશ થઈ શકે છે. તેમજ આ વસતી ગણતરીમાં લગભગ 34 લાખ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમને તાલીમ ડિજિટલ ડિવાઈસ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની બે મહિના સુધી તાલીમ આપવામાં આવશે. આ માટે સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવશે.ડિજિટલ ગણતરી માટે સોફ્ટવેરમાં જાતિ, પેટાજાતિ અને ઓબીસી માટે નવા કોલમનો સમાવેશ કરવામાં આવશે. તેમજ હાઉસિંગ ગણતરી પ્રક્રિયા દરમિયાન, ઘરોની યાદી તૈયાર કરવામાં આવે છે અને રહેણાંક સ્થિતિ, સુવિધાઓ અને મિલકત સંબંધિત માહિતી એકઠી કરવામાં આવે છે. પ્રક્રિયામાં, વસતી ગણતરી કરતા કર્મચારીઓ ઘરે ઘરે જઈને પરિવારોને પ્રશ્નો પૂછે છે. ઘરનો ઉપયોગ રહેણાંક/વ્યાપારી રીતે થાય છે, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, વીજળી અને અન્ય સુવિધાઓ, મિલકતની માલિકી, વાહનોની સંખ્યા અંગે ડેટા એકઠો કરવામાં આવે છે.આ વખતે 30 પ્રશ્નો પૂછવામાં આવે તેવી શક્યતા છે, જેમાં નામ, ઉંમર, લિંગ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, રોજગાર, ધર્મ, જાતિ અને ઉપ-જાતિ, પરિવારના વડા સાથેનો સંબંધ, રહેણાંક સ્થિતિ અને સ્થળાંતર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થશે.