Abtak Media Google News

રૂપાલાની ટકોર : પશુઓના ડોક્ટર્સ ને પણ સમાજમાં માન-સન્માન આપો તેને ઢોરના ડોક્ટર ન કહો

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન અને સમસ્ત મહાજનના સંયુક્ત ઉપક્રમે યોજાયો પશુ નિદાન કેમ્પ

રાજકોટ શહેરમાં  ઝુનોસીસ ડે ની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના અબોલ જીવોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક પશુઓના ઓપરેશન તેમજ તેમનજ નિદાન કરવામાં આવ્યું હતું.કરુણા ફાઉન્ડેશન , એનિમલ હેલ્પ લાઇન તેમજ સમસ્ત મહાજન ગ્રુપ ના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે પ્રાણીઓના ડોક્ટર્સ ને પણ અન્ય ડોક્ટર્સની જેમ વિશેષ માન મળવું જોઈએ પશુ ચિકિત્સકોનું મહત્વ વધવું જ જોઈએ.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહયોગને કારણે પશુઓ માટે એમ્બ્યુલન્સ સરકાર ચલાવી રહી છે.શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે આપણી સારવારની પદ્ધતિઓમાં આયુર્વેદનું સેન્ટર આપી જામનગરમાં મંજૂરી મળી તે ગૌરવનો વિષય છે. પશુ ચિકિત્સામાં આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર હવે આયુર્વેદ દવાઓનો ઉપયોગ કરવા વિચારણા કરી રહી છે.વન હેલ્થ નો કોન્સેપ્ટ આપણા દેશમાં ઘણો આગળ વધી રહ્યો છે.

પશુઓના સ્વાસ્થ્ય ની ચિંતા કરવી એ આપણી ફરજ છે.પશુઓ દ્વારા જે રોગો થાય છે તે માણસ માં પ્રવેશે નહીં તે માટે પશુઓની કાળજી રાખવી ખુબજ જરૂરી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુઓને વેકસીનેશન માટે 13,000 કરોડ જેટલી માતબાર રકમની વ્યવસ્થા કરી પશુપાલન માટે ખૂબ ચિંતા કરી છે.પશુઓની કાળજી વિશે તકેદારી રાખતા તેમજ તેમનું નિદાન કરતા પશુ ડોકટર્સને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અભિનંદન આપી તેઓને સન્માનિત પણ કર્યા હતા.

માણસોને બચાવવા હશે તો પ્રાણીઓને બચાવવા જ પડશે  પશુ નિદાનમાં કેમ્પમાં 200 પશુ-પક્ષીઓનું થયું નિદાન

Img 20220709 064815

રાજકોટમાં યોજાયેલ પશુ નિદાન કેમ્પમાં આશરે 200 પશુ પક્ષીઓની ચર્મ, દંત, આંખના રોગોની સારવાર અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક, અન્ય સારવાર કરવામાં આવી હતી. આ સાથે 10 જેટલા પશુઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે  પશુ-પક્ષીઓ પ્રત્યે સંવેદના એ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે, સ્વને તંદુરસ્ત રાખવા માટે આપણી આસપાસના પર્યાવરણને સ્વસ્થ રાખવું જરૂરી છે.

આજે સર્વેના આરોગ્યલક્ષી હિત માટે આ વન હેલ્થ કોન્સેપ્ટ અપનાવવો પડશે. પ્રાણી અને પ્રકૃતિનું ધ્યાન રાખીશું ત્યારે જ આપણે પોતાના આરોગ્યની બાબતે નિશ્ચિંત રહી શકીશું. કોરોના કાળે જણાવી દીધું છે કે પ્રાણીમાંથી આવતાં રોગો કેટલી ગંભીર પરિસ્થિતિનું સર્જન કરે છે ત્યારે વર્લ્ડ ઝુનોસીસ દિવસની ઉજવણી સાથે પશુ કેમ્પનું આયોજન કરનાર કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સમસ્ત મહાજન સંસ્થા અભિનંદનને પાત્ર છે.

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પશુઓ માટે અનેક સરાહનીય નિર્ણયો લીધા : ગીરીશભાઈ શાહ

Img 20220708 Wa0062

કરુણા ફાઉન્ડેશન ,એનિમલ હેલ્પલાઇન અને સંયુક્ત મહાજન ના ઉપક્રમે યોજાયેલ પશુ નિદાન કેમ્પમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય ગીરીશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગીરીશભાઈ શાહે જણાવ્યું હતું કે, કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ અનેક મહત્વના નિર્ણયો લીધા છે. મોબાઈલ વેટરનીટી યુનિટ, પશુ એમ્બ્યુલન્સ, મેગા પશુ રસીકરણ કેમ્પનું આયોજન કરીને પશુઓના હિત માટે અનેક સરાહનીય કામગીરી કરી છે.પશુઓની હેલ્થ સારી રહેશે તો માણસોની હેલ્થ પણ સારી જ રહેવાની.સમયાંતરે દેશમાં દરેક જગ્યાએ પશુ નિદાન કેમ્પનું આયોજન થવું જ જોઈએ.આ પ્રંસગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંત્રી રૂપાલાના હસ્તે વિવિધ ગૌશાળાના ટ્રસ્ટીઓને ચેક વિતરણ અને પશુઓની સારવાર માટે 24 કલાક કાર્યરત રહેતાં ડોક્ટર્સ અને સેવાભાવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતલ ખેતાણી અને આભારવિધી પ્રતિક સંઘાણી દ્વારા કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.