Abtak Media Google News

કુદરતના કહેર સામે મનુષ્યનું કંઈ જ ગજુ નથી, કુદરતની ખોટ પુરવી માનવીની વિસાતમાં જ નથી : જૂના જમાનામાં પણ આસમાની, સુલતાની આફતોમાં રાજ તરફથી ખેડૂતોને મહેસુલ ન ભરવાની રાહત આપવાની પ્રથા હતી: કુદરતી આફતોમાં સરકારનું રાહત પેકેજ રાહતરૂપ બની શકે પણ સંપૂર્ણ નુકશાનની ભરપાઈની અપેક્ષા તો કુદરત પાસે જ રાખી શકાય

વાવાઝોડાગ્રસ્ત ગુજરાત માટે કેન્દ્ર સરકારે વહારે આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર માટે રૂા.1000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. વાવાઝોડુ સર્જાયું અને પૂર્ણ રીતે સમ્યુ પણ ન હતું અને કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત ગુજરાતની ખબર લેવા જે તત્પરતા દાખવી છે તે અસરગ્રસ્તો માટે ખુબજ મોટો સધીયારો ગણી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા અને વરસાદથી પડેલા વૃક્ષો હજુ હટ્યા ન હતા, પાણી પણ ઓસર્યા ન હતા ત્યાં મુખ્યમંત્રીને સાથે રાખી અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સર્વે કરી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો દૌર ચલાવી રૂા.1000 કરોડનું રાહત પેકેજ જાહેર કરી ગુજરાતને સધીયારો આપ્યો હતો.

કોરોના મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડાએ બે દિવસ સુધી ગુજરાતને ધમરોળી જે વિનાશ વેર્યો હતો તેની પૂર્ણ કિંમત કોઈ કાળે પુરી ન કરી શકાય. વાવાઝોડા કે આસમાની આફતોમાં થયેલુ નુકશાન રૂપિયામાં ક્યારેય ભરપાઈ થય જ ન શકે, હા રાહત પેકેજ અને સરકારનું ભંડોળ આફતનો ભોગ બનેલાઓને રાહતરૂપ બની શકે, ગુમાવેલુ બધુ કુદરત જ પુન: આપી શકે એ વાત દરેકે સવિનય સમજી લેવી જોઈએ…

વાવાઝોડાથી અંદાજે સરકારી સર્વે મુજબ રૂા.3000 કરોડનું નુકશાન થયાનું જાણવા મળ્યું છે. બિનસત્તાવાર રીતે નુકશાનીનો આંક કદાચ રૂા.10,000 કરોડ સુધી પહોંચે. કેન્દ્ર સરકારની રૂા.1000 કરોડની રાહત પેકેજની આ પૂંજી પાસેરામાં પુણી સમાન ગણાય પરંતુ ગુજરાતના વાવાઝોડામાં જે ઝડપથી કેન્દ્ર સરકારે ગુજરાતનો હાથ પકડ્યો હતો તે પોતિકાપણાની ભાવના અચુક ગણી શકાય. વાવાઝોડામાંથી બેઠા થવા માટે રાજ્ય સરકારની તૈયારીની સમીક્ષા વડાપ્રધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડામાં મૃત્યુ પામેલાઓને રૂા.2 લાખ, ઈજાગ્રસ્તોને રૂા.50,000 અને માલ-મિલકત, ખેતીના નુકશાનીના સર્વે અને અસરગ્રસ્તોને રોકડમાં સહાય ચૂકવવાની સરકારની કવાયત કુદરતી આફતોમાં ભોગ બનનારાઓ માટે અચુક સાત્વના રૂપ બની શકે.  કુદરતી આફતનું નુકશાન ભરપાઈ ન થઈ શકે પણ રાહત પેકેજ રાહતરૂપ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.