Abtak Media Google News

ચીને પાકિસ્તાનના ગ્વાદર બંદર હસ્તગત કરીને ભારતની નાકાબંધી જેવી અપનાવેલી રણનીતિ સામે ભારત માટે ચાબહાર બંદર આશીર્વાદરૂપ

ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે દેશના બંદરો અને વૈશ્ર્વિક વેપારને અગ્રતા આપવાનું સરકારનું પ્રયોજન એક એક ડગલુ આગળ વધી રહ્યું છે. ચાબહાર પોર્ટને ધમધમતુ કરવા માટે માલવાહક જહાજ અને કાર્ગો માટે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. વિશ્ર્વ વેપારના દ્વાર એવા ઈરાનના ચાબહાર બંદરને ભારત દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જવાહરલાલ નેહરૂ પોર્ટ એન્ડ દિનદયાલ પોર્ટ દ્વારા માલવાહક જહાજ અને કાર્ગોમાં ખાસ પ્રકારની ડિસ્કાઉન્ટની જાહેરાત કરી ચાબહારના વ્યવહારને પ્રોત્સાહિત કરવાનું આયોજન કર્યું છે. ભારતના બંદર, જહાજ અને જળ માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા બલુચીસ્તાનના સીસ્તાનમાં ભારત દ્વારા વિકસાવવામાં આવેલા ઉર્જા સમૃધ્ધ દક્ષિણ બંદરને વધુ વેગવાન બનાવવા માટે ખાસ પ્રકારની યોજના જાહેર કરવામાં આવી છે. ભારત અને ઈરાન, અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર કરાર વધુ વિસ્તૃત કરવામાં આવશે.

ભારત માટે પાકિસ્તાનને બાયપાસ કરી અખાતના દેશોમાં પોતાના માલની નિકાસ કરવા માટે ચાબહાર બંદર ખુબજ મહત્વનું બની રહ્યું છે. ભારત દ્વારા શાહીદ બેહસ્તી ચાબહાર બંદરનું ઈરાનમાં જવાહરલાલ નેહરૂ પોર્ટ, દિનદયાલ પોર્ટ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. જે એન્ડ પીટી દ્વારા ચાબહાર બંદરની નિકાસ માટે માલવાહક જહાજો અને કાર્ગોને ખાસ ડિસ્કાઉન્ટ આપી ચાબહારના વિકાસ માટે ચક્રોગતિમાન કર્યા છે. છેલ્લા છ મહિનામાં કાર્ગો ચાર્જીસમાં ૫૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ શરૂ કરતા અફઘાનિસ્તાન, પાકિસ્તાનની જેમ ભારતના જહાજ અને ક્ધટેનરો મોટી સંખ્યામાં ચાબહાર બંદરનો ઉપયોગ કરતા થયા છે. ચાબહાર બંદરને વિકસાવવા માટે ભારત અને ઈરાન વચ્ચે મે ૨૦૧૮માં સમજૂતી થઈ હતી. ભારત માટે ચાબહાર બંદર પાકિસ્તાનના જળ માર્ગનો ઉપયોગ કર્યા વગર અખાતના દેશો સાથે વેપાર-વ્યવહાર વધારવા માટે મહત્વનું બની રહ્યું છે. જાન્યુઆરી ૩૧ ૨૦૨૧ સુધીમાં ચાબહાર બંદર પરથી ૧૨૩ જહાજો રવાના થયા હતા અને ૧૮ લાખ ટન માલની અવર-જવર થઈ હતી.

ભારતના શીપીંગ મંત્રાલય દ્વારા ચાબહાર બંદરના વિકાસ અને વ્યવહારને વધુ વિસ્તૃત કરવા માટે જહાજ અને કાર્ગો પર ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ શરૂ કર્યું છે. ચાબહાર બંદર ભારત અને ઈરાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને અન્ય દેશો અને ખાસ પૂર્વના દેશો સાથે વેપાર માટે પ્રવેશદ્વાર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચીને પાકિસ્તાનના ગ્વાદર બંદરનો વિકાસ કર્યો હતો. તેની સામે ભારતે ચાબહાર બંદર હસ્તગત કરીને ચીન અને પાકિસ્તાનના ભારતના નાકાબંધીની પેરવીને ઉંધીવાળી દીધી હતી. હવે જવાહરલાલ નેહરૂ પોર્ટ દ્વારા ચાબહારને વિકસાવવા માટે કમરકસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.