ગોંડલ નાગરિક બેંકના ચેરમેન, આસી. મેનેજર સહીત ચાર સામે 5.21 લાખની ઉચાપતની ફરિયાદ

બેંકના ધર્માદા ફંડમાં સોનાના ખોટા બીલ રજૂ કર્યા 

ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમા આશરે એકાદ વર્ષ પહેલા બાળાઓના લગ્ન યોજાયા હતા જેમાં નાગરિક સહકારી બેંક દ્વારા ભેટ સોગાદ સહિત ફંડ આપવામાં આવ્યું હતું

પરંતુ બેંકના ધર્માદા ફંડમાં રૂપિયા 521000 ના ખોટા બિલ રજૂ કરી ઉચાપત કરવામાં આવી હોવાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા ફરી નાગરિક બેંક ચર્ચાના ચકડોળમાં આવવા પામી છે.

ગોંડલ સિટી પોલીસ મથકમાં એડવોકેટ જીવનભાઈ ભીમજીભાઇ કાલરીયાએ ગોંડલ નાગરિક સહકારી બેન્કના ચેરમેન ભાજપ અગ્રણી જયંતિભાઈ ઢોલ, આસિસ્ટન્ટ મેનેજર મનસુખભાઈ સોજીત્રા, બેંકના સોનાના રિવ્યુલર ભાસ્કરભાઈ ચત્રભુજ અને પ્રકાશ ઉર્ફે બંટી વિરુદ્ધ બેંકમાં ખોટા રેકર્ડ ઉભા કરી રૂપિયા 521000 ની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવાતા પોલીસે અગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બેંકના સોનાના રિવ્યુલર ભાસ્કરભાઈ ચત્રભુજ દ્વારા ગોંડલ, રાજકોટ, જેતપુર અને અમરેલીના જવેલર્સના નનામી પેઢીઓના બિલ રજૂ કરવામાં આવ્યા હતા જે આર ટી આઈ મા ખોટા સાબિત થતા બેંકમાં ઉચાપત થયાનું બહાર આવ્યું હતું.