- ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતનો ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ
- વિરાટ કોહલી 84 રનની ઇનિંગમાં મોટા શોર્ટ પર નિર્ભર ન હતો,50 થી વધુ સિંગલ અને ચાર ડબલ લઈ વધુ રન બનાવ્યા
ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. 265 રનના ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલીએ 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે તે આઉટ થયો ત્યારે ભારત જીતની નજીક હતું. આ પહેલા ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને 264 રન પર રોકી દીધું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. લક્ષ્યનો પીછો કરતી વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની આ સંયુક્ત સૌથી મોટી જીત છે. તે વિરાટ કોહલી છે જેના કારણે આ ટાર્ગેટ સરળતાથી હાંસલ થયો હતો. રોહિત શર્મા (28) અને શુભમન ગિલ (8)ને આઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયા પર દબાણ વધી ગયું હતું. કોહલીએ શ્રેયસ અય્યર સાથે 91 રનની ભાગીદારી કરી અને ત્યારબાદ અક્ષર પટેલ સાથે 44 રન જોડ્યા. આ ભાગીદારીએ ટીમ ઈન્ડિયાનું દબાણ દૂર કર્યું. વિરાટ કોહલી આ ઇનિંગમાં મોટા શોટ પર નિર્ભર ન હતો, તેણે સિંગલ અથવા ડબલ લઈ વધુ રન બનાવ્યા હતા. કોહલીએ 84 રનની ઈનિંગમાં માત્ર 5 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ આ જીતનો સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેને મોટી મેચનો ખેલાડી કેમ કહેવામાં આવે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ભારતીય ટીમની બોલિંગની આગેવાની કરી રહ્યો છે. તેણે કુપર કોનોલીના રૂપમાં ઈનિંગની પ્રથમ વિકેટ લઈને સેમિફાઈનલ મેચમાં પોતાનો અનુભવ બતાવ્યો. સ્ટીવ સ્મિથ સેટલ થઈ જતાં તેને બોલ્ડ કરીને ભારતને વાપસી કરાવી. મોહમ્મદ શમીએ ઇનિંગ્સમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તેના 10 ઓવરના સ્પેલમાં તેણે 4.80ની ઈકોનોમીથી 48 રન આપ્યા હતા. શમી આ જીતનો મોટો હીરો સાબિત થયો.જો કે આ જીતમાં અન્ય ખેલાડીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમ કે વરુણ ચક્રવર્તીએ ટ્રેવિસ હેડને વહેલો આઉટ કરીને મોટી રાહત આપી હતી. કેએલ રાહુલે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે વિરાટ કોહલી સાથે 91 રનની ભાગીદારી કરી, તેણે 45 રન બનાવ્યા.