- આઠ ટીમોની આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને હંમેશા ચાહકોમાં અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો માત્ર એક જ કલાકમાં વેચાઈ ગઈ. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટો ગઈ કાલે એક જ કલાકમાં વેચાઈ ગઈ જેને કારણે ઘણા લોકો પોતાના વારાની ઓનલાઈન રાહ જોઈ રહ્યા હતા. ભારત 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે ટકરાશે , જ્યાં ભારત પોતાની બધી મેચ રમશે – જેમાં ક્વોલિફાય થાય તો સેમિફાઈનલ અને ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ટીમે ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વચ્ચેના કરાર પછી પાકિસ્તાન દ્વારા આયોજિત ટુર્નામેન્ટ હાઇબ્રિડ બની ગઈ. ટિકિટોની આ ઉગ્ર માંગથી સ્થાનિક રહેવાસીઓ અને વિશ્વભરના ચાહકો બંને આશ્ચર્યચકિત થઈ ગયા. દુબઈના એક સ્થાનિકે જણાવ્યું હતું કે”મને લાંબી કતાર લાગવાની અપેક્ષા હતી, પરંતુ જે ઝડપે ટિકિટ ગાયબ થઈ ગઈ તે આઘાતજનક હતું.
ક્રિકેટ પ્રેમીઓ લગભગ એક કલાક સુધી ઓનલાઈન કતારમાં ઉભા રહ્યા, પરંતુ તેમને ખબર પડી કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ માટે મોટાભાગની શ્રેણીઓમાં ટિકિટો ઉપલબ્ધ નથી. આઠ ટીમોની આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રમાશે અને તેમાં પાકિસ્તાન અને દુબઈના સ્થળોએ 15 મેચનો સમાવેશ થશે.
લાહોર, કરાચી અને રાવલપિંડીના સ્ટેડિયમો પાકિસ્તાનમાં મેચોનું આયોજન કરશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ગ્રુપ A માં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ગ્રુપ B માં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં કરાચીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે.